News of Thursday, 13th March 2025
લ્યો બોલો.... ઇમરજન્સી સેવા ફાયર બ્રીગેડે કોઇ ફોન ઉપડતા નથી !
ટેકનીકલ ખામીના કારણે નંબરો બંધ : બીએસએનએલને જાણ કરાઇ : વૈકલ્પીક નંબર જાહેર

રાજકોટ તા.૧૩: સરકારની ટેલીફોન કંપની બીએસએનએલની બેદરકારીથી શહેરમાં ઇમરજન્સી સેવા ખોરવાતા અફરાતફરી મચી ગઇ હતી. શહેરના મુખ્ય ફાયર સ્ટેશનના તમામ ફોન મુંગા થઇ જતા લોકોમાં દેકારો મચી ગયો હતો. ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા તાત્કાલીક બીએસએનએલને જાણ કરવામાં આવી હતી.
રાજકોટ શહેરનું મુખ્ય ફાયર સ્ટેશન બસ સ્ટેશન પાછળ કનક રોડ ખાતે આવેલુ છે. શહેર અને આસપાસના કોઇ પણ સ્થળે આગ કે કોઇ દૂઘર્ટના સર્જાય તો લોકો કંટ્રોલ રૃમના ૧૦૧, ૧૦૨ કે ૦૨૧-૨૨૨૭૨૨૨ ઉપર સંપર્ક કરતા હોય છે. જો કે આજે બપોરના ૧૨ વાગ્યાની ફાયર બ્રિગેડના એક પણ નંબર ઉપર સંપર્ક થતો ન હોવાથી લોકોમાં દેકારો મચી ગયો હતો. લોકો ફાયરબ્રિગેડ ખાતે રૃબરૃ દોડી ગયા અને ફોન લાગતા ન હોવાનુ જણાવતા ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા તપાસ કરાતા મુખ્ય ફાયર સ્ટેશનના તમામ ૮ ફોન બંધ હોવાનુ જણાઇ આવ્યું હતું. જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક બીએસએનએલ ઓફિસને જાણ કરવામાં આવતા મેઇન્ટેનેન્સના કારણે ફોન બંધ હોવાનુ જણાવ્યું હુત જો કે, મેઇન્ટેનેન્સ અંગે બીએસએનએલ તંત્ર દ્વારા કોઇ આગોતરી જાણ કરવામાં આવી ન હોવાથી ફયારબ્રિગેડ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ ન હતી.
આમ બીએસએનએલ તંત્રની બેદરકારીના કારણે ફાયરબ્રિગેડ જેવી મુખ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. જો કોઇ મોટી દૂઘર્ટના સર્જાય તો જાણ કેમ કરવી? તેવા અનેક સવાલો ઉઠયા છે. જો કે, બપોરના બે વાગ્યા સુધી ફોન ચાલુ થયા ન હતા. ફાયરબ્રિગેડ મુખ્ય કંટ્રોલ રૃમના તમામ ફોન બંધ થઇ જતા જયા સુધી ફરીથી કાર્યરત ન થાય ત્યા સુધી વૈકલ્પિક નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચીફ ફાયર ઓફિસર નં.૭૬૨૨૦ ૧૯૧૦૦ અને સ્ટેશન ઓફિસરને મો. ૯૭૧૪૬ ૮૭૮૬૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:06 PM IST)










