News of Thursday, 13th March 2025
પરાપીપળીયાથી એઇમ્સ સુધી જવાના રસ્તે ૪૦ કરોડના ખર્ચે બ્રીજ બનશેઃ સરકારની મંજુરી
કલેકટરની મહત્વની જાહેરાતઃ મામલતદારોના કવાટર્સના પ્રોજેકટ અંગે સમીક્ષા... ૧૭ માર્ચ સુધીમાં ટેન્ડર બહાર પડી જશેઃ પડધરી-જામનગરથી આવતા દર્દીઓ માટે રાહતરૂપ બ્રીજ

રાજકોટ તા.૧૩: કલેકટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ઘંટેશ્વર પરાપીપળીયા એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા રૂ.૪૦.૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું, તેની સમીક્ષા કરવામાં આવી છે.
કલેકટર મહુવા, સાવરકુંડલા, બગસરા, વડિયા, જેતપુર ધોરીમાર્ગ, ઉપલેટા-કોલકી-મોટી પાનેલી બાયપાસ, ધોરાજી-જામકંડોરણા-કાલાવડ હાઈ-વે, રાજકોટ શહેરમાં જામનગર રોડ પર હયાત સાંઢિયા પુલના ડિસમેન્ટલની કામગીરી, પ્રાંત અધિકારી અને મામલતદારના ક્વાર્ટર્સ તથા તાલુકા મથકે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરે આજે પત્રકારોને જણાવેલ કે પરાપીપળીયાથી એઇમ્સ જવાના રસ્તે રેલ્વે લાઇનનો પ્રોબ્લેમ હોય, દર્દીઓને હાલાકી ન પડે તે સંદર્ભે ૪૦ કરોડના ખર્ચે બ્રીજ બનશે તેને સરકારે મંજૂરી આપી દીધી છે, ૧૭ માર્ચ સુધીમાં ટેન્ડર બહાર પડી જશે, જામનગર-પડધરીથી આવતા દર્દીઓને પૂલ બની ગયા બાદ ઘણી રાહત રહેશે, ૧૮ મહિનામાં કામ પૂર્ણ કરી લેવાશે.
(4:36 PM IST)










