<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

રવિરત્‍ન પાર્કના જયેશ જોટંગીયાએ પ્રેમિકાને ઘરે બોલાવી ઢીકાપાટા માર્યા, પછી કેફેમાં લાકડી-વાઇપરથી ફટકારી

ગાંધીગ્રામની બે દિકરીની માતા એવી મહિલાને બે પરપુરૂષ સાથે થયેલી મિત્રતાને લીધે માર ખાવો પડયો : એક રાત માટે ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવીઃધમકીને લીધે ડોક્‍ટરને પણ સાચી વાત ન કરીઃ બીજા દિવસે સિવિલમાં સીટીસ્‍કેન કરવા લઇ ગયો ત્‍યારે તેણી નજર ચુકવી નીકળી ગઇઃ ઘરે જઇ માતાને વાત કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી

મહિલાનો પતિ વિદેશ નોકરી કરે છેઃ આઠેક મહિનાથી તેણીને જયેશ સાથે મિત્રતા-પ્રેમ હતોઃ જો કે તેણીને આશિષ સાથે પણ મિત્રતા હોઇ તે જયેશને ન ગમતાં માર મારી ધમકાવ્‍યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૫: શહેરના ગાંધીગ્રામ   વિસ્‍તારમાં રહેતી એક પરિણીત અને બે દિકરીની માતા એવી મહિલાનો પતિ વિદેશ નોકરી કરતો હોઇ તેણીને આઠેક મહિનાથી રવિરત્‍ન પાર્કના યુવાન સાથે મિત્રતા અને પ્રેમસંબંધ બંધાતાં તેમજ તેણીને આ સિવાયના એક યુવાન સાથે પણ મિત્રતા હોઇ આ રવિરત્‍ન પાર્કના શખ્‍સને આ વાત પસંદ ન હોઇ પોતાની ઘરે તેણીને બોલાવી બીજા સાથે મિત્રતા રાખવાની ના પાડી ઢીકાપાટુનો માર મારી, બાદમાં સમાધાનની વાતના બહાને ન્‍યારી ડેમ પાસેના કેફેમાં લઇ જઇ ત્‍યાં પણ લાકડી, ટેબલ સાફ કરવાના વાઇપરથી બેફામ માર મારી ધમકી દઇ બારોબાર ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી હતી. એક રાત સારવાર લીધા બાદ સવારે તેણીને આ પ્રેમી સીટી સ્‍કેન કરાવવા લઇ જતાં તે ત્‍યાંથી નજર ચુકવી નીકળી ગઇ હતી. બાદમાં આ વાત પોતાની માતાને કરતાં ફરિયાદ નોંધાવાઇ હતી.

ચર્ચા જગાવતાં આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોક વિસ્‍તારમાં રહેતી ૩૬ વર્ષની મહિલાની ફરિયાદ પરથી રવિરત્‍ન પાર્કના જયેશ જોટંગીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારા પતિ વિદેશ નોકરી કરે છે. મારે બે દિકરી છે. એક દિકરી પતિ સાથે રહે છે અને એક મારી સાથે રહે છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ગત ૧૦મી તારીખે હું ઘરે હતી ત્‍યારે મારો મિત્ર જયેશ જોટંગીયાએ મને સવારે અગિયારેક વાગ્‍યે ફોન કરી બોલાવતાં હું તેના ઘરે બપોરે બારેક વાગ્‍યે ગઇ હતી. તેની સાથે એક બહેન પણ રહે છે, પણ હું ગઇ ત્‍યારે એ સાથે નહોતાં. આ વખતે જયેશે મને કહેલુ કે-તારે તારા મિત્ર આશિષ રાવલ સાથે સંબંધ રાખવાના નથી તેવું મેં કહ્યું છે છતાં તું કેમ સંબંધ રાખે છે? આમ કહી તે મને ગાળો દેવા માંડયો હતો. મેં મિત્રતાનો સંબંધ રાખીશ જ તેમ કહેતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને મને ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો. આ પછી જયેશે મને સમજાવેલ કે અહિ અવાજ થશે જેથી બહાર જઇએ અને સમાધાન કરી લઇએ. આથી હું અને જયેશ ન્‍યારી ડેમ અધવના ઢાળીયા પાસે એક કેફેમાં ગયા હતાં. ત્‍યાં હું મારી મરજીથી જ તેની સાથે ગઇ હતી. કેફેની અંદર ગયા બાદ જયેશે મને ‘તે મારી સાથે દગો કર્યો છે, મારી એકની સાથે જ પ્રેમસંબંધ રાખવાનો હતો, બીજાની સાથે કેમ રાખ્‍યો? 'કહી ગાળો દઇ કેફેમાં પડેલી લાકડી અને સ્‍ટીલના વાયપરથી ફરી મને આડેધડ મારકુટ કરી હતી. હાથે, પગે, વાંસામાં આડેધડ મને માર મારવા માંડયો હતો. દેકારો થતાં ત્‍યાં હાજર રાજુભાઇ, વિજયભાઇએ મને છોડાવી હતી.

 ત્‍યારપછી જયેશે કહેલુ કે-અમારો અંદરોઅંદરનો મામલો છે. પછી અમે ફરી જયેશના ઘરે ગયા હતાં. રાતે મને ઉલ્‍ટી જેવુ થવા લાગતાં જયેશ મને શ્રીજી હોસ્‍પિટલ નિર્મળા રોડ પર લઇ ગયેલ. ત્‍યાં સારવાર લીધા બાદ શિવાલીક હોસ્‍પિટલ વૈશાલીનગરમાં લઇ ગયેલ. ત્‍યાં મને તેણે સમજાવી હતી જેથી ડોક્‍ટરને મેં મારામારીની વાત જણાવી નહોતી. મને જયેશે મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાસે મારા ફોટા હોઇ જે મારા પતિને બતાવવાની ધમકી આપી હોઇ હું ડરી ગઇ હતી. એક રાત ત્‍યાં સારવાર લીધા બાદ મને બીજા દિવસે જયેશ એક્‍સરે અને સીટી સ્‍કેન કરાવવા સિવિલ હોસ્‍પિટલે લઇ ગયો હતો. જયેશ ત્‍યાં કેસ કઢાવવા જતાં હું ત્‍યાંથી નજર ચુકવી નીકળી ગઇ હતી. ઘરે મેં મારા માતાને આ વાત કરી હતી. એ પછી ફરિયાદ લખાવવાનું નક્કી કર્યુ હતું. મારુ ફોન અને પાકીટ જયેશના ઘરે જ રહી ગયા હતા. આ માથાકુટનું કારણ એ છે કે જયેશ જોટંગીયા સાથે મારે આઠેક મહિનાથી મિત્રતા  અને પ્રેમના સારા સંબંધ છે, મારે બીજો મિત્ર આશિષ રાવલ પણ છે અને તેની સાથે પણ સારી મિત્રતા છે. આ બાબત જયેશને ગમતી ન હોઇ તેણે મને તેના ઘરે બોલાવી આશિષ સાથે મિત્રતા ન રાખવાનું કહી પહેલા પોતાના ઘરમાં ઢીકાપાટુનો બેફામ માર મારી બાદમાં સમાધાનની વાત કરવા કેફેમાં લઇ જઇ ત્‍યાં લાકડી, ટેબલ સાફ કરવાના વાયપરથી બેફામ માર મારી  કોઇને કહીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. આર. રાઠોડે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. (૧૪.૮)

(11:56 AM IST)