News of Saturday, 15th March 2025
પરિણીતાની તેની માતાની હાજરીમાં જ કરણ ઉર્ફ કોૈશેલે બે વાર છેડતી કરી, ચુંદડી હવામાં ઉડાડી!
હોળીની રાતે રૈયાધાર ડ્રીમસીટી નજીક રૈયાધાર ઇન્દિરાનગરના શખ્સે ‘ખેલ' કર્યાઃ પોલીસે ગુનો નોંધ્યો બે વર્ષના પુત્ર, માતા સાથે પરિણીતા હોળીના દર્શન કરવા જતી હતી ત્યારે કરણે બાઇકથી કાવો મારી ચુંદડી ખેંચીઃ ડખ્ખો કરી જતો રહ્યો, થોડીવાર પછી ફરીથી આવી ફરી ચુંદડી ખેંચી ઉડાડીઃ પરિણીતાના માતા પર ઇંટ ફેંકીઃ ધુળેટીને દિવસે ઘર પર પથ્થરા, દારૂની પોટલી ફેંકવાની ધમકી દીધી ધમકી આપ્યા મુજબ ધુળેટીના દિવસે કરણ ઉર્ફ કોૈશલે ફરી ડખ્ખો કર્યોઃ પરિણીતાના પતિને છરીના ઘા ઝીંકી, સસરાને ધક્કો દઇ પછાડી દીધાઃ અલગથી ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૫: રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં શખ્સે હોળીની રાતે એક પરિણીતા તેના માતા, બે વર્ષના પુત્ર સાથે હોળીના દર્શન કરવા જઇ રહી હતી ત્યારે ડ્રીમસીટીના સામેના ભાગે આવેલા હનુમાનજીના મંદિર નજીક કાચા રસ્તે બાઇકથી આ પરિણીતાને કાવો મારી તેમજ તેના ડ્રેસની ચુંદડી ખેંચી છેડતી કરતાં તેણીની માતાએ તેને ટપારતાં તેમને ગાળો દઇ ભાગી ગયો હતો. થોડીવાર પછી ફરીથી આવતી કાલે તહેવારને દિવસે તમારા ઘર પર પાણકા અને દારૂની પોટલી ફેંકવી છે તેમ કહી ધમકાવી ઇંટના કટકાનો ઘા કરી ફરીથી ચુંદડી ખેંચી હવામાં ઉડાડી છેડતી કરતાં લોકો ભેગા થઇ જતાં ભાગી ભાગી ગયો હતો. પોલીસ પકડે એ પહેલા ધુળેટીની બપોરે આ શખ્સ ફરી પરિણીતાના ઘર પાસે પહોંચ્યો હતો અને રાતે શું કામ ફરિયાદ કરી? કહી તેણીના પતિને છરીના ઘા ઝીંકી, સસરા વચ્ચે પડતાં તેને પણ ધક્કો દઇ પછાડી દેતાં અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષની પરિણીતાની ફરિયાદ પરથી રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં કોૈશલ ઉર્ફ કરણ નિતીનભાઇ મકવાણા વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ કરી છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ઘરકામ કરુ છું. તેરમી તારીખે હોળીના તહેવારની રાતે દસેક વાગ્યે હું, મારા માતા, મારો બે વર્ષનો દિકરો અમારા વિસ્તારમાં ડ્રીમસીટી સામેના હનુમાજીના મંદિર પાસે કાચા રસ્તે હોળી પ્રગટાવવાની વિધી ચાલુ હોઇ ત્યાં દર્શન કરવા ચાલીને નીકળ્યા હતાં. થોડે દુર ચાલતાં રસ્તામાં રૈયાધાર ઇન્દિરાનગરનો કોૈશલ ઉર્ફ કરણ મકવાણા બાઇક લઇને સામેથી આવ્યોહ તો અને કાવો મારી મેં પહેરેલા પંજાબી ડ્રેસની ચુંદડી પકડી છેડતી કરી હતી. જેથી મારા મમ્મીએ તેને આ રીતે કાવો ન મરાય, મારી દિકરીની શું કામ છેડતી કરે છે? તેમ કહેતાં કોૈશલે મારા માતાને ભુંડી ગાળો દીધી હતી.
ત્યારબાદ તે જતો રહ્યો હતો અને અમે હોળીના દર્શન કરવા ઉભા હતાં. ત્યાં થોડીવારમાં કોૈશલ ઉર્ફ કરણ ફરીથી બાઇક લઇને આવ્યો હતો અને મને તથા મારા મમ્મીને ધમકાવેલા કે કાલે તહેવારના દિવસે તરા ઘર ઉપર પથ્થરો ફેંકવા છે, દારૂની પોટલી નાખવી છે. તેવુ ઉગ્ર અવાજે બોલી ગાળો દેતાં મારા માતાએ તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે નજીકમાં કપચી, ઇંટના કટકા પડયા હોઇ તેમાંથી ઇંટ ઉપાડી છુટ્ટો ઘા કરતાં મારા માતાને છાતીના ભાગે ઘા કરતાં મેં બાવડુ પકડી તેમને હટાવી લેતાં ઇંટ લાગી નહોતી. જેથી મારા માતાને વાલની બિમારી હોઇ તેણે કોૈશલને માથાકુટ ન કરવા આજીજી કરી હતી. આ વખતે તેણે ફરીથી મારી ચુંદડી પકડી હવામાં ઉડાડી હતી. આ વખતે આસપાસના લોકો ભેગા થઇ જતાં કોૈશલ ઉર્ફ કરણ ભાગી ગયો હતો. બાદ મેં મારા પતિ, દિયર, સસરાને વાત કરતાં તેઓ આવ્યા હતાં અને કમિશનર કચેરીએ પહોંચતા ત્યાંથી અમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને મોકલાયા હતાં. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ હિતેષભાઇ જોગડાએ ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા કાર્યવાહી કરી હતી.
જો કે તે પકડાય એ પહેલા ધુળેટીના દિવસે તેણે ફરી ખેલ કર્યા હતાં. કોૈશલ ઉર્ફ કરણ નિતીનભાઇ મકવાણા વિરૂધ્ધ છેડતીનો ગુનો દાખલ થતાં તે રોષે ભરાયો હતો અને જેની છેડતી કરી હતી એ પરિણીતાના પતિ ઉપર પણ તેણે હુમલો કરી પીઠ અને માથાના ભાગે છરીના ઘા મારી દીધા હતાં. તેમજ વચ્ચે પડનારા તેણીના સસરાને પણ ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે અલગથી કોૈશલ ઉર્ફ કરણ સામે ગુનો નોંધ્યો હતો. ઘાયલ યુવાને જણાવ્યું હતું કે ધુળેટીની રાતે મારા પત્નિ, મારા સાસુ અને મારો દિકરો ડ્રીમસીટી નજીક ચાલીને હોળીના દર્શન કરવા જતાં હતાં ત્યારે કરણ ઉર્ફ કોૈશલે બાઇક પર જઇ મારા પત્નિને કાવો મારી ચુંદડી ખેંચી છેડતી કરી હતી. આવુ તેણે બે વખત કર્યુ હતું. જેથી મારા પત્નિએ તેના વિરૂધ્ધ છેડતીની ફરિયાદ કરી હતી. પોલીસ તેને પકડે એ પહેલા તે ધુળેટીની બપોરે ફરી અમારા ઘર પાસે આવ્યો હતો અને તારી પત્નિએ રાતે શું કામ ફરિયાદ નોંધાવી તેમ કહી ગાળો દઇ છરીથી હુમલો કરી મને માથા, પીઠ પર ઘા મારી દીધા હતાં. દેકારો થતાં મને બચાવવા મારા પિતા વચ્ચે પડતાં તેને ધક્કો મારી પછાડી દીધા હતાં. મારે માથામાં ત્રણ ટાંકા અને પીઠ પાછળ ઓપરેશન કરી ટાંકા લેવાયા હતાં. આ અંગે એએસઆઇ જે. આઇ. ઝાલાએ અલગથી ગુનો નોંધ્યો હતો
(2:59 PM IST)










