<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં માજીદ ઉર્ફ ભાણુને એસઓજીએ દબોચ્‍યોઃ કાયદાનું ભાન કરાવાયું

એસઓજી પીઆઇ સંજયસિંહ. એન. જાડેજા, વી. એન. હરિયાણી અને ટીમે દબોચી લઇ ભીસ્‍તીવાડ વિસ્‍તારમાં લઇ જઇ કાર્યવાહીઃ કાન પકડી ઉઠક-બેઠક કરી માફી માંગી

રાજકોટઃ રૂખડિયામાં મહિલાને ધમકી આપી ઘર પર સોડા બોટલના ઘા કરી ભાગેલી બજરંગવાડીના નામચીન શખ્‍સની ટોળકીને પકડવા ગયેલ પોલીસને અમે આ વિસ્‍તારના ડોન છીએ કહી મારકૂટ કરી, વાહનમાં તોડફોડ કરતા ધમકી, ફરજમાં રૂકાવટ સહીત બે ગુના દાખલ કરી અગાઉ આ ટોળકીના ૧૧ શખ્‍સોને પોલીસે દબોચી લીધા હતાં. દરમિયાન એક આરોપી માજીદ ઉર્ફે ભાણુને હાથમાં આવ્‍યો નહોતો. તેને શહેર એસઓજીની ટીમે દબોચી લીધો હતો. આ શખ્‍સને ગઇકાલે એસઓજીની ટીમે ભીસ્‍તીવાડ વિસ્‍તારમાં અને તેણે જ્‍યાં પોલીસનીફરજમાં રૂકાવટ કરી હતી તે સ્‍થળે લઇ જઇ રિકન્‍સ્‍ટ્રક્‍શન કરાવવામાં આવતાં તેણે કાન પકડી ઉઠક-બેઠક કરી માફી માંગી હતી. રૂખડિયાપરામાં રહેતા ફરીદાબેન જુસબભાઈ શેખ નામના મહિલાએ અગાઉ બજરંગવાડીના માજીદ ભાણું, સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહિલ ભૂરો તથા એક અજાણ્‍યા સામે પ્ર. નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે એક વર્ષ પૂર્વે મારા જમાઈના નાનાભાઈ અનવરને માજીદ સાથે માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખી ટોળકીએ ઘરે આવી ગાળો દઇ મારા પૂત્ર સાજીદને રાડો નાખી બોલાવતા હોઇ પોતે બહાર જઈ ગાળો નહિ બોલવા સમજાવવા જતા તમને બધાને બહુ હવા છે કહી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી કાચની બોટલોના ઘા કરતા પોલીસમાં જાણ કરતા બધા ભાગી ગયા હતાં. આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના રીયાઝ ભીપૌત્રાએ માજીદ રફીક ભાણું અને ૧૦થી ૧૨ અજાણ્‍યા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત બનાવ અંગે પીઆઈની સૂચનાથી આરોપીઓને રાઉન્‍ડઅપ કરવા બે વાગ્‍યે સાંઢીયા પુલ સ્‍લમ ક્‍વાટર કમિટી ચોક ખાતે પહોચતા ત્‍યાં ટોળું લાકડાના ધોકા સાથે ઉભું હોય પોલીસની ઓળખ આપતા માજીદે કહેલ કે તું પોલીસ હોય તો શું થયું અમે આ વિસ્‍તારના ડોન છીએ, અમારા વિસ્‍તારમાં કેમ આવેલ છો કહી ઝઘડો કરી ફરજમાંરૂકાવટ કરી હતી. વાહનોમાં તોડફોડ કરી હતી.

 આ પછી પીઆઇ વસાવા, પીઆઇ ડોબરીયા અને પીએસઆઈ બેલીમ, પીએસઆઇ રાણીંગા સહિતના સ્‍ટાફે ટીમો બનાવી આ ટોળકીના ૧૦ આરોપીઓને દબોચી લીધા હતાં.  માજીદ ઉર્ફે ભાણુને ગઇકાલે એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી અને ટીમે પકડી લઇ વિસ્‍તારમાં લઇ જઇ આકરી પુછતાછ કરી હતી

(2:33 PM IST)