<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

સગીરાના અપહરણમાં સુભાષનગરનો મનીયો અઘેરા, તેનો ભાઇ અને પિતા લોઠડાથી ઝડપાયા

દિકરીનું અપહરણ થતાં પિતાએ હાઇકોર્ટમાં હેબીયર કોપર્સ દાખલ કરી હતી એલસીબી ઝોન-૨ના જે. વી. ગોહિલ અને ટીમે પકડી યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યાઃ ઓળખાઇ જવાની બીકે રૂમમાંથી એકાદ વખત જ બહાર નીકળતાં: એક દોઢ મહિનાથી ભાડેથી રહેતાં હતાં

 

રાજકોટ તા. ૧૭: શહેરના રૈયા રોડ પર સુભાષનગર-૮માં રહેતો મનિષ ઉર્ફ મનીયો અરવિંદભાઇ અઘેરા (ઉ.વ.૨૦) નામનો શખ્‍સ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવમાં તેને તેના પિતા અરવિંદ કરસનભાઇ અઘેરા (ઉ.વ.૫૨) અને તેના ભાઇ વિકાસ અરવિંદભાઇ અઘેરા (ઉ.વ.૨૨)એ પણ મદદ કરી હતી. આ ત્રણેય તેના ઘરેથી ગાયબ થઇ ગયા હતાં. આ મામલે ૨૭/૧/૨૫ના રોજ ગુનો દાખલ થયા બાદ પિતાએ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. તેમજ પોલીસ કાર્યવાહી કરતી ન હોવાની રજૂઆત કરી હતી. દરમિયાન મુખ્‍ય આરોપી, તેના પિતા અને ભાઇ તેમજ અપહૃત સગીરાને એલસીબી ઝોન-૨ ટીમે રાજકોટના લોઠડા ગામેથી દબોચી લીધા છે. અહિ ઓરડી ભાડે રાખીને રહેતાં હતાં.

ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતી સત્તર વર્ષની સગીરા ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં તેને સુભાષનગરનો મનિષ ઉર્ફ મનીયો અઘેરા ભગાડી ગયાનું જણાતાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલ અને ટીમે તપાસ શરૂ કરતાં મનિષ ઉપરાંત તેના પિતા અને ભાઇ પણ સુભાષનગરના ઘરેથી ગૂમ થઇ ગયાનું અને અપહરણમાં તેની પણ મદદગારી હોવાનું ખુલતાં આરોપીઓની તસ્‍વીરો સાથે યાદી પ્રસિધ્‍ધ કરાવી હતી અને કોઇને આ લોકો જોવા મળે તો પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમે સીસીટીવી ફૂટેજ, ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સના માધ્‍યમથી આરોપીઓને શોધી કાઢયા છે. ત્રણેય આરોપીઓ લોઠડા ગામે ઓરડીમાં ભાડેથી રહેતાં હોવાની અને અપહૃત સગીરા પણ સાથે હોવાની ચોક્કસ બાતમી મળતાં મનિષ ઉર્ફ મનિયો અને તેના પિતા તેમજ ભાઇને ત્‍યાંથી પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યા હતાં. આ ત્રણેય મોટે ભાગે રૂમમાં પુરાઇ રહેતાં હતાં. જમવાનું લેવા જવા માટે જ નીકળતાં હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, શક્‍તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્‍સ. કુલદિપસિંહ રાણા, કોન્‍સ. મનિષાબેન રામ, અંકિતાબેન ગોજીયાએ આ કામગીરી કરી હતી.

(3:52 PM IST)