<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ચાવી બનાવવાના બહાને ૬.૦૬ લાખની ચોરી કરનાર પોપટસીંગ અને શેરૂસીંગને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા

મોરબી રોડ પર કેટરીંગના ધંધાર્થીને ત્‍યાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો ચોરાઉ દાગીના સોની બજારમાં વેંચે એ પહેલા તમામ દાગીના, રોકડ, મોબાઇલ મળી ૭.૧૫ લાખની મત્તા સાથે પકડી લેવાયાઃ સિકલીગર ગેંગના પોપટસીંગની અગાઉ ચોરીના ૪ અને શેરૂસીંગ ૧ ગુનામાં સામેલ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, કોન્‍સ. જીલુભાઇ ગરચરની બાતમી

રાજકોટ તા. ૧૭: શહેરના મોરબી રોડ વિસ્‍તારમા ગિરિરાજ પાર્ટી પ્‍લોટની બાજુમાં ખોડિયારપાર્કમાં રહેતા અને કેટરિંગનો ધંધો કરતાં રમેશભાઇ તુલસીભાઇ સીતાપરા (ઉ.વ.૬૬)ના ઘરમાં ચાવી બનાવવાના બહાને આવેલા બે શખ્‍સ રૂા. ૬. ૬ લાખની ચોરી કરી ગયા હતાં. આ મામલે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સીકલીગર ગેંગના બે શખ્‍સને સોની બજારમાં ચોરાઉ દાગીના વેંચવા આવ્‍યાની બાતમી પરથી દબોચી લઇ તમામ દાગીના, રોકડ મળી રૂા. ૭,૧૫,૧૦૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

બી-ડિવીઝનની સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમ પણ ભેદ ઉકેલવા મહેનત કરી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના એએસઆઇ અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ અને કોન્‍સ. જીલુભાઇ ગરચરને મળેલી બાતમી પરથી પોપટસીંગ ઉર્ફ મલખાન ગોકુલસીંગ સીકલીગર (ઉ.વ.૩૭-રહે. ગોદી રોડ, સિંગલ ફળીયા દાહોદ) તથા શેરૂસીંગ સુનિલસીંગ સીકલીગર (ઉ.વ.૨૫-રહે. ગોદી રોડ સીંગલ ફળીયા દાહોદ)ને સોની બજારમાંથી પકડી લઇ તેની પાસેથી સોનાનો સેટ, બે વીંટી, ચેઇન, કાનસર, બુટી, રોકડા સાંઇઠ હજાર, એક મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે.

 રમેશભાઇ ગત પાંચમી તારીખે ઘરની ડેલીએ બેઠા હતાં ત્‍યારે પાડોશી મગનભાઇના ઘરે ચાવી બનાવવા બે સરદાર આવ્‍યા હોઇ ત્‍યાંથી ચાવી બનાવી તે બહાર નીકળતાં રમેશભાઇએ મુખ્‍ય દરવાજાના તાળાની ડુપ્‍લીકેટ ચાવી તેની પાસે બનાવી હતી. ત્‍યારબાદ રમેશભાઇએ ઘરમાં રહેલા કબાટની ચાવી બનાવી દેવાનું કહેતા બંને કબાટની ચાવી બનાવી રહ્યા હતા તે વખતે તે બંને શખ્‍સે તિજોરીની પણ ડુપ્‍લીકેટ ચાવી બનાવી દેવાનું કહેતા રમેશભાઇએ તિજોરીની અસલ ચાવી તેને આપી હતી, જે ચાવીથી તે બંને શખ્‍સો અવારનવાર તિજોરી ખોલબંધ કરતા હતા અને આ બંને શખ્‍સે તિજોરીની અસલ ચાવી બગાડી નાખી હતી, અને બંનેએ કહ્યું હતું કે, સાંજ પડી ગઇ છે, કાલે સવારે નવ વાગ્‍યે કબાટ-તિજોરીની ડુપ્‍લીકેટ ચાવી બનાવી આપશું, તેમ કહી બંને શખ્‍સ ચાવી સાથે જતા રહ્યા હતા. બીજા દિવસે તેઓ આવ્‍યા નહોતા. શંકા જતાં બપોરે તિજોરીનું તાળું તોડતાં અંદર રાખેલા કુલ રૂા. ૬,૦૬,૭૦૦ની કિંમતના ૮૩.૪૨૦ ગ્રામ સોનાના દાગીના જોવા મળયા નહોતા. આમ આ બંને સરદાર શખ્‍સ ચાવી બનાવવાના બહાને તિજોરીમાંથી હાથફેરો કરી ગયાની ખબર પડી હતી.

ઝડપાયેલો શેરસીંગ ઉર્ફ મલખાન અગાઉ રાજકોટ ભક્‍તિનગર, એ-ડિવીઝન, અમદાવાદ પોલીસમાં બે મળી ચોરીના ચાર ગુનામાં પકડાયો હતો અને અગાઉ પાસામાં ધકેલાયો હતો. જ્‍યારે શેરૂસીંગ અમદાવાદ વટવામાં ચોરીમાં પકડાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એસ. ગરચર, એએસઆઇ અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. દિવ્‍યરાજસિંહ ઝાલા, કોન્‍સ. જીલુભાઇ ગરચર, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, અર્જુન ડવ, ગોપાલભાઇ પાટીલ, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી

(3:40 PM IST)