<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

તા.૨૪-૨૫ માર્ચ બેંક હડતાલઃ કુલ ચાર દિવસ કામકાજ ખોરવાશે

યુનાઈટેડ ફોરમ દ્વારા બે દિવસની હડતાલનું એલાનઃ પાંચ દિવસના સપ્તાહનો અમલ, ગ્રેચ્‍યુઈટી વધારવા, ભરતીની પ્રક્રિયા શરૂ કરવા સહિતની માંગણીઓ

રાજકોટ,તા.૧૭: બેંક ઉદ્યોગમાં પાંચ દિવસના સપ્તાહનું અમલીકરણ, ગ્રેચ્‍યુઈટીની લીમીટ ૨૫ લાખ કરવા, કોન્‍ટ્રાકટ પધ્‍ધતિથી ભરતીઓ બંધ કરવા, બેંકોમાં તત્‍કાલ ખાલી પડેલી જગ્‍યાઓ ભરવા અને સરકારી બેંકમાં વર્કર્મન ડાયરેકટરોની નિમણુંક કરવાની માંગણીના ટેકામાં દેશભરની વિવિઘ બેંકોના ૮ લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ ૨૪-૨૫ માર્ચના રોજ દેશવ્‍યાપી હડતાલ પાડશે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીની એક યાદીમાં જણાવવામાં આવ્‍યું છે. આગામી સપ્તાહે પડનારી હડતાલને કારણે એકધારા ચાર દિવસ બેંકીંગ કામકાજ ખોરવાઈ જાય તેવી શકયતા છે. ૨૨-૨૩ શનિ-રવિની બેંકોમાં રજા છે અને ૨૪-૨૫ હડતાલનું એલાન છે આમ માર્ચના અંતમાં ચાર દિવસ કામકાજ ખોરવાતાં લોકો અને ઉદ્યોગ જગતને મુશ્‍કેલી પડશે.

બેંક યુનિયનની યાદી અનુસાર પેન્‍ડીંગ પ્રશ્નો લાંબા સમયથી ચાલ્‍યા આવે છે સરકાર એ ઉકેલવા આંખ આડા કાન કરી રહી છે જેના કારણે આ હડતાલનું એલાન આપવાની ફરજ પડી છે. બેંક યુનિયનની માંગણી છે કે તમામ કેડરોમાં પુરતા પ્રમાણમાં ભરતી કરવી, તમામ કામચલાઉ કર્મચારીઓને નિયમીત કરવા. બેંકીંગ ઉદ્યોગમાં દર સપ્તાહે પાંચ દિવસ કામકાજનું અમલીકરણ કરવું. તાજેતરમાં સરકારે પર્ફોમન્‍સ અને પીએલઆઈનું જે ગતકડું જાહેર કર્યું છે તે તત્‍કાલ પાછું ખેંચવું કારણ કે આ પગલાંઓથી નોકરીની સલામતી ઉપર ખતરો ઉભો થશે, અંદરો અંદર ભાગલા પડશે અને કર્મચારીઓ તથા અધિકારીઓમાં ભેદભાવનું ભૂત ઉભું થશે, સરકારનું આ પગલું ૮મી જોઈન્‍ટનોટનો ભંગ કરે છે અને જાહેરક્ષેત્રની બેંકોની સ્‍વાયતતા ઉપર તરાપ મારે છે. અસંતુષ્ટ બેંકીંગ પબ્‍લીક દ્વારા કરવામાં આવતાં અણછાજતા વ્‍યાવહાર હુમલા સામે બેંક અધિકારીઓ! સ્‍ટાફને સુરક્ષા પ્રદાન કરવી.જાહેરક્ષેત્રની બેંકોમાં ખાલી પડેલી વર્કમેન ઓફીસર ડાયરેક્‍ટરોની જગ્‍યાઓ ભરવી.આઈબીએ સાથે પેન્‍ડીંગ રહેલાં પ્રશ્નોનો તત્‍કાલ નિવેડો.ગ્રેચ્‍યુઈટી એકટમાં સુધારો કરી સરકારી કર્મચારીઓની જેમ મર્યાદા વધારીને રૂા.૨૫ લાખ કરવી અને સાથે સાથે ઈન્‍કમટેક્ષમાંથી પણ તેને મુકિત આપવી.કર્મચારીઓ અને અધિકારીઓને કન્‍સે‘લ નિયમો હેઠળ આપવામાં આવતાં સ્‍ટાફ વેલ્‍ફેર ફંડના લાભો ઉપર ઈન્‍કમટેક્ષની રીકવરી ન કરવી. મેનેજમેન્‍ટે

 આ અંગેનું ભારણ વહન કરવું. સરકાર દ્વારા આઈડીબીઆઈ બેંકમાં મીનીમમ ૫૧% હિસ્‍સેદારી ચાલુ રાખવી.બેંકોની રોજબરોજની સૂક્ષ્મ કામગીરીમાં સરકારે એટલે કે ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાયનાન્‍સનો હસ્‍તક્ષેપ બેંક કરો.બેંકોમાં આઉટસોર્સીંગ કાયમી નોકરીઓ બંધ કરવી, બેંકીંગ ઉદ્યોગમાં વિરોધી નીતિઓ બંધ કરવી.

યાદી ઉમેરે છે કે બેંકી દેશભરના નાગરિકોને તેમની દૈનિક બેંકીંગ જરૂરીયાતો પુરી કરી રહી છે. જેના કારણે બેંકોમાં ગ્રાહકોને અને જનરલ બેંકીંગ પબ્‍લીકને વધુ સારી સેવા આપી શકાય તે માટે પુરતો સ્‍ટાફ હોવો જરૂરી છે. પરંતુ છેલ્લાં એક દાયકા અને તેથી વધુ સમયથી અમે અનુભવ્‍યુ છે કે બેંકોમાં પુરતા સ્‍ટાફની ભરતી કરવામાં આવતી નથી. પુરતી ભરતી થતી ન હોવાના કારણે વિવિધ શાખાઓમાં સ્‍ટાફની કારમી અછત જોવા મળી રહી છે અને કર્મચારીઓ ગ્રાહકોને સંતોષકારક સેવા આપી શકતા નથી. જાહેરક્ષેત્રની બેંકો સરકારની તમામ યોજનાઓનો પ્રમાણિકતાથી અમલ કરી રહી છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જાહેરક્ષેત્રની બેંકોમાં ગ્રાહક સેવા માટે પુરતા સ્‍ટાફની ફાળવણી થતી નથી.

બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણમાં વિલંબ રિઝર્વ બેંક, ઈન્‍સ્‍યુરન્‍સ કંપનીઓ સહિત સમગ્ર નાણાંકીય ક્ષેત્રમાં સપ્તાહમાં પાંચ દિવસના કામકાજનો નિયમ અમલમાં છે. એ બધામાં દર સપ્તાહે પાંચ દિવસ કામકાજ હાથ ઘરવામાં આવે છે એટલું જ નહી કેન્‍દ્ર સરકારની કચેરીઓમાં પણ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. સાથો સાથે ખાનગીક્ષેત્ર કે જેમાં આઈટી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે ત્‍યાં પણ સપ્તાહમાં પાંચ દિવસ કામકાજ કરવામાં આવે છે. આથી અમે માંગણી કરી રહયાં છીએ કે બેંકોમાં પણ પાંચ દિવસનું સપ્તાહ અમલી બને. ભારતીય બેંકોએ આ માટે સંમતિ પણ આપી દીધી છે અને એક વર્ષ પહેલાં સરકારને આ માટે ભલામણ પર કરી દીધેલ હોવા છતાં સરકાર હજુ સુધી નિર્ણય લઈ શકી નથી તેથી અમે માંગણી કરીએ છીએ કે હવે કોઈ પણ વિલંબ વગર બેંકોમાં પણ પાંચ દિવસનું સપ્તાહ અમલી બને.

ઉપરોકત માંગણીઓ અને મુદાઓના યોગ્‍ય નિકાલ માટે દબાણ લાવવા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્‍સ દ્વારા ૨૩મી માર્ચની મધરાતથી ૨૫મી માર્ચની મધરાત સુધીની બે દિવસની દેશવ્‍યાપી હડતાલનું એલાન આપવામાં આવ્‍યું છે. બેંક મેનેજમેન્‍ટ અથવા તો સરકાર આ બધા મુદાઓ ઉકેલવા રસ લેતી નથી જેથી બેંક યુનિયનોને આંદોલન અને હડતાલ પર જવાની ફરજ પડી છે. અમારી હડતાલ માટે અમને લોકોના સહયોગની અપેક્ષા છે અને આના કારણે જે કંઈ મુશ્‍કેલી પડે તે માટે અમને દરગુજર કરવા પણ વિનંતી છે તેમ યાદીના અંતે જણાવાયું છે.

(4:22 PM IST)