<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

મહેશ ભુવાના ધતીંગ ખુલ્લા પાડતી વિજ્ઞાન જાથા : ૧૨૬૪મો સફળ પર્દાફાશ

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાને મળેલ ફરીયાદોના આધારે વધુ એક પર્દાફાશ ગોઠવવામાં આવ્‍યો હતો. જેમાં હરીધવા મેઇનરોડ પર નવનિત હોલવાળી શેરીમાં ઘરે જ માતાજીનો મઢ બનાવી બાનુ પહેરી લોકોના દુઃખ દર્દ દોરા ધાગા અને નિવારણ વિધિ કરી મટાડતા હોવાની જાણ થઇ હતી. આ ભુવા દાણા જોવાની વિધિ માટે બેઠક રાખતા અને રૂ.૫૧૦૦ સુધીની રકમ વસુલતા તેમજ વાયણુવાળા માટે રૂ.૨૧૦૦૦થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રકમ વસુલતા. બેઠક માટે પણ અમુક સવલતો માંગવામાં આવતી. આવી માહીતીના આધારે વિજ્ઞાન જાથાએ પર્દાફાશની તૈયારી કરી. ભુવા મહેશ સાથે મેટોડા જી.આઇ.ડી.સી. ખાતે બેઠક રાખવાનું નકકી થયુ. તેમણે ફુલહાર, સીગારેટના પાકીટ, ગાડી ભાડુ સહીત રૂ.૭૦૦૦ ની માંગણી મુકી. અંતે તારીખ અને સમય નકકી થયા. બાદમાં વિજ્ઞાન જાથાના જયંત પંડયા દ્વારા પોલીસ બંદોબસ્‍ત માટે આઇ.જી.પી. અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખવામાં આવતા મેટોડા પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ ફાળવી દેવાયો હતો. પી.આઇ. એસ. એચ. શર્મા, હેડ કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, હેડ કોન્‍સ. હિતેશભાઇ, મહિલા કોન્‍સ. ધર્મિષ્‍ઠાબેન, દર્શનાબેન વગેરેને સાથે રાખી જાથાની ટીમના દિનેશ હુંબલ, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર વગેરે મેટોડા પહોંચી ગયા. ભુવા મહેશ વાળાએ નિરધારીત સમયથી ત્રણ કલાક મોડી બેઠક શરૂ કરી હતી. ઘરમાં દાણાની પાટ નાખી અને વિધી શરૂ કરતા જ જાથાની ટીમે પોતાનો પરિચય આપતા ભુવાના હોશકોશ ઉડી ગયા હતા. આ દરમિયાન ભુવા આંકડાનો જુગાર રમતા હોવાનું અને તેમનો એક નગ્ન વીડિયો પણ ખુબ વાયરલ થયાની વિગતો સામે આવી હતી. પરિસ્‍થિતિ પામી ગયેલ ભુવાએ તુરંત માફામાફી શરૂ કરી. પીડીતાએ આપેલ રૂપિયા પરત આપવા બાહેંધરી આપી. કાયમ માટે ધતિંગલીલા બંધ કરવા કબુલાતનામુ પણ લખી આપ્‍યુ. ભુવા સાથે આવેલ તેમના સાગરીતોએ પણ હવેથી તેમની દાણા જોવાની બેઠકોમાં હાજરી નહી આપે તેવુ જાહેર કર્યુ હતુ. આમ વિજ્ઞાન જાથા દ્વારા ધતીંગ ખુલ્લા પાડવાનો આ ૧૨૬૪ મો પર્દાફાશ કાર્યક્રમ સફળ રહ્યો હતો. જાથાની ટીમે જિલ્લા પોલીસ વડા અને મેટોડા પોલીસ સ્‍ટાફનો આભાર વ્‍યકત કર્યો હતો. તસ્‍વીરમાં માફી માંગતા ભુવા અને જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા તથા પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (૧૬.૪)

(4:03 PM IST)