News of Tuesday, 18th March 2025
ટોપીવાળો ચોર ૧૦.૮૧ લાખની મત્તા ઉસેડી ગયો
રાજકોટમાં તસ્કરોનો ઉપાડોઃ જવાહર રોડ પર ગેલેક્સી હોટેલ સામે મારૂતિ કોમ્પલેક્ષમાં ‘મીના ગોલ્ડ બાયર' નામની ઓફિસમાં બારી તોડી હાથફેરો : રાતે ૧:૩૧ કલાકે ચોર આવ્યો, દસેક મિનીટમાં નીકળી ગયોઃ સીસીટીવી કેમેરામાં કેદ થયોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી : અગાસી પરથી દોરડા મારફત ચોથા માળની બારીના છજા સુધી પહોંચી કાચ તોડી ચોર અંદર ઘુસ્યોઃ રેકી કરી ઘટનાને અંજામ આપ્યાની શક્યતા : કાચની બારી તોડતી વખતે ચોરને ઇજા પહોંચીઃ લોહીના ડાઘા જોવા મળ્યા

પાંચ માળના કોમ્પલેક્ષમાં ચોથા માળે ઓફિસ આવેલી છે, જ્યાં ચોરી થઇ તે કોમ્પલેક્ષ અને જેમાં ચોરી થઇ તે ઓફિસ, ઓફિસ સંચાલક ધવલભાઇ નાગર, ઘટના સ્થળે એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમ, જે કાચની બારી તોડી ચોર અંદર ઘુસ્યો તે બારી જોઇ શકાય છે. ચોર અગાસી પર દોરડુ બાંધી ચોથા માળની બારીના છજા પર આવી કાચ તોડીને અંદર ઘુસી ગયો હતો. ગ્રીલ ન હોવાથી કાચ સરળતાથી તુટી ગયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૮: શહેરમાં તસકરો ઉપાડો લઇને ઉઠયા છે. વધુ એક લાખોની મત્તાની ચોરી થઇ છે. જવાહર રોડ પર આવેલી ગેલેક્સી હોટેલ સામેના કોમ્પલેક્ષમાં સોનાના દાગીનાની ઓફિસ ધરાવતાં વેપારીની ઓફિસમાં ૧૭મીએ રાતે દોઢેક વાગ્યે બારી તોડીને ઘુસેલો ટોપીવાળો તસ્કર રોકડ-દાગીના મળી ૧૦,૮૧,૦૦૦ની માલમત્તા ચોરી ગયો છે. આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે વેપારી જામનગર રોડ પુનિતનગર-૨ શેરી નં. ૪માં શિવમ્ ખાતે રહેતાં ધવલભાઇ અશોકભાઇ નાગર (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો છે. એક ટોપીવાળો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હોઇ તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
ધવલભાઇ નાગરે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જવાહ રરોડ પર ગેલેક્સી હોટેલ સામે આવેલા મારૂતિ કોમ્પલેક્ષમાં ઓફિસ નં. ૪૧૨માં મીના ગોલ્ડ બાયર નામે ઓફિસ રાખી તેમાં સોનાના દાગીનાનો વેપાર કરુ છું. મારા ભાગીદાર તરીકે ઉપેન્દ્રસિંહ મહિપતસિંહ જોજા છે. અમારી આ ભાગીદારી છથી સાત વર્ષથી છે.
ધવલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ૧૫મીએ સાંજે આઠેક વાગ્યે હું ઓફિસનું કામ પતાવી ઓફિસ બંધ કરી ઘરે જવા નીકળ્યો હતો. ૧૬મીએ રવિવાર હોવાથી ઓફિસ બંધ રાખી હતી. ૧૭મીએ સોમવારે સવારે પોણા દસેક વાગ્યે રાબેતા મુજબ ઓફિસે આવ્યો હતો અને તાળા ખોલી અંદર જતાં સામેની દિવાલમાં આવેલી બારીનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. બારી પાસે જઇને જોતાં કાચના ટુકડા પણ તૂટેલા હતાં. તેમજ બારી અને દિવાલમાં તથા બેસવાની ખુરશીમાં લોહીના ડાઘા જોવામ ળ્યા હતાં. મેં અમારી ઓફિસના ટેબલના ડ્રોઅરમાં સોના-ચાંદીના દાગીના રાખ્યા હતાં તે ગાયબ હતાં. તેમજ રોકડા રૂપિયા ૭૦ હજાર રાખ્યા હતાં તે પણ જોવા મળ્યા નહોતાં.
કુલ રૂા. ૧૦,૧૧,૦૦૦ના સોનાના દાગીના અને રોકડા ૭૦ હજાર મળી રૂા. ૧૦,૮૧,૦૦૦ની માલમત્તાની ચોરી થઇ ગયાનું જણાતાં મેં મારા ભાગીદાર ઉપેન્દ્રસિંહ જાડેજાને જાણ કરતાં તે પણ ઓફિસે આવી ગયા હતાં. અમે તપાસ કરી સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે ૧:૩૧ કલાકે એક ટોપી પહેરેલો લાંબા વાળ ધરાવતો અને આછી દાઢી મુછવાળો શખ્સ હાથમાં મોબાઇલ ફોન લઇને ઓફિસમાં ઘુસતો દેખાયો હતો. જે દસેક મિનીટ બાદ ચોરી કરી પરત જતો રહ્યો હતો. આ પછી અમે તુરત પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ડી. સ્ટાફની ટીમે એફએસએલ ડોગ સ્ક્વોડ સાથે પહોંચી કાર્યવાહી કરી હતી. એલસીબી, ડીસીબીની ટીમોએ પણ તપાસ હાથ ધરી હતી.
ચોર પાંચ માળના કોમ્પલેક્ષની અગાસીએથી દોરડા મારફત ચોથા માળે ધવલભાઇની ઓફિસની બારીના છજા સુધી આવ્યો હતો અને ત્યાંથી ગ્રીલવગરની બારીનો કાચ તોડી અંદર ઘુસી ચોરી કરી ગયો હતો. આ ચોરી માટે તેણે રેકી કરી હોવાની પુરી શક્યતા છે. (૧૪.૭)
આટલા દાગીના તસ્કર ચોરી ગયો
ઞ્જતસ્કર ઓફિસમાંથી સોનાનો ચેઇન જેમાં એમ લખેલુ પેંડલ હતું તે ૩૫ ગ્રામનો રૂા. ૩,૩૦,૦૦૦નો, હાથમાં પ્હેરવાની સોના કોપરની બે બંગડી ૪૫ ગ્રામની રૂા. ૨,૨૦,૦૦૦ની, એક તુટેલો ઓછા કેરેટનો સોનાનો હાર જે રીપેરીંગમાં આવ્યો હતો તે ૩૫ ગ્રામનો કિંમત ૧ લાખ, એક જોડી બુટી ૩.૬ ગ્રામ રૂા. ૩૦,૩૩૦, એક જોડી બંગડી ૧૫.૮ ગ્રામ રૂા. ૧,૨૯,૯૭૦, મંગળસુત્ર ૨૪.૪ ગ્રામ રૂા. ૨,૦૦,૭૦૦ મળી કુલ રૂા. ૧૦,૧૧,૦૦૦નું ૧૫૮.૮ ગ્રામ સોનાના દાગીના તથા ૭૦ હજારની રોકડ ચોરી ગયો હતો.
(3:02 PM IST)










