<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગુજરાત ઇનસર્વીસ ડોકટર્સ એસો.નું એલાને જંગઃ વહીવટી

અનેક પ્રશ્‍નોનું નિરાકરણ કરોઃ નહીં તો ૭ એપ્રીલે માસ સીએલ ઉચ્‍ચતર પગાર-તબીબોની સેવા-સિનિયોરીટીલીસ્‍ટ-ડેન્‍ટલ તબીબો સહિતના મુદ્દે કલેકટરને આવેદન

રાજકોટ તા. ૧૮:  ગુજરાત રાજયની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન જેવા કે જીએમએસ ક્‍લાસ ૨ મેડિકલ ઓફિસર એસોસિએશન,ગુજરાત ઈન સર્વિસ ડોક્‍ટર એસોસિએશન અને ઈએસઆઈએસના સંયુક્‍ત એસોસિએશન દ્વારા તબીબોના વણ ઉકેલ્‍યા વહીવટી પ્રશ્‍નો બાબતે ૨૦૨૨ ની શરૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિヘતિ મુદતની હડતાલ પાડેલ હતી તે સમયે સરકારશ્રી સાથે સમાધાન થયેલ અને તમામ પ્રશ્‍નોનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે તેવી બાહેધરી આપેલ.તે પૈકીના મોટાભાગના પ્રશ્‍નોનો નિકાલ કરવામાં આવેલ નથી, તેમ કલેકટરને આજે ગુજરાત ઇન સર્વીસ ડોકટર, એસો.એ આવેદન પત્રમાં ઉમેર્યું હતું.

વહીવટી  પ્રશ્‍નોમાં મુખ્‍યત્‍વે ૨૦૧૨,૨૦૧૪ અને ૨૦૧૬ માં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ છે અને તેમને ઉચ્‍ચતર પગારનો લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે છતાંય ઉચ્‍ચતર પગારનો લાભ ન મળતા આર્થિક નુકસાન સહન કરવું પડે છે.તબીબોની સેવા સળંગ અંગે જે તે સમયે સમાધાન થયેલ તે વખતે સેવા સળંગ કરી આપવાની બાહેંધરી આપેલ હતી તેમાં મોટાભાગના તબીબોની સેવા સળંગ થયેલ નથી.દર વર્ષે તમામ કેડરમા સિનિયોરિટી લિસ્‍ટ બહાર પડતું હોય છે પરંતુ આરોગ્‍ય વિભાગમા ૨૦૧૬ પછી સિનિયોરિટી લિસ્‍ટ બહાર પડેલ નથી. ડેન્‍ટલ તબીબી કેડરમાં ભરતી સમયેના નિયમો એક જ હોય છે મેડિકલ કોલેજમાં ભરતી થાય કે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તો મેડિકલ કોલેજ વાળા ડેન્‍ટલ તબીબોને ટીકુ આપવામાં આવે છે અને તે જ નિયમોથી ભરતી થયેલ અને દુર્ગમ વિસ્‍તારમાં ફરજ બજાવતા ડેન્‍ટિસ્‍ટો જે સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર ફરજ કરે બજાવે છે તેમને ટીકુનો લાભ આપવામાં આવતો નથી.

વહીવટી પ્રશ્‍નોમાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે છ તબીબી અધિકારીઓની પોસ્‍ટ ઇન્‍ડિયન પબ્‍લિક હેલ્‍થ સ્‍ટાન્‍ડર્ડ હેઠળ હોવી જોઈએ તે મુજબ હાલમાં ત્રણ તબીબોની સામે છ તબીબોની જગ્‍યા મંજૂર કરવી જોઈએ.આમ વહીવટી પ્રશ્‍નો બાબતે નિરાકરણ ન આવતા અમારા સંયુક્‍ત યુનિયને ૧૭ માર્ચના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્‍યમંત્રીશ્રી તેમજ આરોગ્‍ય વિભાગના મંત્રીશ્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી પ્રશ્‍નોનું યોગ્‍ય ન્‍યાયિક નિરાકરણ લાવવા માટે જણાવેલ છે .તબીબોના વહીવટી પ્રશ્‍નોનો યોગ્‍ય નિકાલ ન આવે તો તારીખ ૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્‍ય દિવસે સમગ્ર ગુજરાતમાં તબીબો માસ સીએલ ઉપર જશે તેવી રજૂઆત કરવામા આવી હતી.

(4:07 PM IST)