તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૯ ગુરૂવાર
News of Wednesday, 19th March 2025
મવડીના 40 ફુટ રોડ પર ભેદી ઘટનાઃ મહિલાને નંબર વગરના કારચાલકે જાણી જોઇને ઉલાળ્યા? : જુઓ વિડિયો
9મીએ કુંદનબેન નામના મહિલા સાથે બનાવઃ હાથમાં ઇજા, સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા લીધીઃ ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થતાં તાલુકા પોલીસ ફરિયાદ નોંધવા માટે ઘરે પહોંચી પણ ફરિયાદ ન નોંધાવી

રાજકોટ તા. 19: શહેરના મવડીના 40 ફુટ રોડ પર એક ભેદભરમ સર્જતી ઘટના બની છે. ગત 9મી તારીખે ચાલીને જઇ રહેલા મહિલાને નંબર વગરની એક કારના ચાલકે કાવો મારીને પાછળથી ઠોકરે ચડાવી ઉડાવી દીધા હતાં અને ભાગી ગયો હતો તે પ્રકારના સીસીટીવી ફુટેજ વાયરલ થતાં તાલુકા પોલીસ ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધવા પહોંચી હતી. પરંતુ તેણીએ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ મવડીી શ્રી હરિ સોસાયટી-9માં રહેતાં કુંદનબેન કાનજીભાઇ ગોંડલીયા નામના મહિલા તા. 9ના રોજ ચાલીને 40 ફુટ રોડ પર જતાં હતાં ત્યારે પાછળથી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. આને કારણે તેમને હાથમાં ઇજા થતાં સારવાર માટે દાખલ કરવા પડયા હતાં. ઓમ શાંતિ સંસ્થાના કાર્યક્રમમાંથી તેઓ ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. દરમિયાન તેમને સારવારમાંથી રજા અપાયા પછી કોણે અકસ્માત સર્જ્યો એ જાણવા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેઓ ચોંકી ગયા હતાં.
એક નંબર વગરની કારના ચાલકે તેમને પાછળથી આવી કાવો મારી ઠોકરે લીધાનું અને ભાગી ગયાનું દ્રશ્ય નજરે પડયું હતું. કુંદનબેનને કોઇપણ કારણોસર જાણી જોઇને ઉલાળી દેવાનો પ્રયાસ થયાનું આ કારણે જણાવયું હતું. જો કે સીસીટીવી ફુટેજ વાયરલ થતાં તાલુકા પોલીસ તપાસ કરવા અને ફરિયાદ નોંધવા આ મહિલાના ઘરે પહોંચી હતી. પરંતુ તેમણે પોતાને કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું કહ્યું હતું. પોલીસે જો કે ખાનગીમાં તપાસ યથાવત રાખી છે. તસ્વીરમાં ચાલીને જઇ રહેલા મહિલાને કઇ રીતે કારનો ચાલક પાછળથી ઉલાળી દે છે અને ભાગી જાય છે તે જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીર ઘવાયેલા મહિા કુંદનબેન ગોંડલીયાની છે. આ બનાવે ભારે ચર્ચા જગાવી છે. (14.10)
(4:13 PM IST)










