તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Wednesday, 19th March 2025
શહેરની જાણીતી ત્રિપુટીએ રાજકોટ નાગરિક બેન્ક, વિજય બેન્ક, કાલુપૂર બેન્ક વિગેરેને કેન્સરની મહામારીમાં ધકેલી દીધેલ છેઃ વિબોધ દોશી
નાગરિક બેન્ક બચાવો સંઘના ચંદુભા પરમાર, વિબોધ દોશી અને યોગીજીએ પ્રહારો કરતાં મોટો ખળભળાટ

રાજકોટ, તા.18: રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોન આપવામાં કરોડો રૂપિયાના કૌભાંડો થયાનું અને કૌભાંડ કરવાના પૂર્વ નિયોજીત કાવત્રાના ભાગ રૂપે બેન્કે જુદી જુદી લોનોમાં માત્ર 10% થી 25% ની સિકયોરીટી લીધેલ હોવાનું સંસ્કાર પેનલના વિબોધ દોશીએ જણાવ્યું છે.
બેન્કના અંદરના અધિકારીઓ અને બહારના ગુનાહિત લોકોની સાંઠગાંઠ સાથેના સંગઠિત પ્રકારના આર્થિક અપરાધો થયેલા હોવાનું પણ તેઓ લખે છે. નાગરિક બેન્કના દસ લાખથી વધુ થાપણદારો, ગ્રાહકો વિગેરેની બેન્કમાં રહેલી મરણમુડી સાથે મોટા ખેલ કરે છે. જ્યારે કરોડોની લોનને લાણી તરીકે આપવામાં આવેલ હતી ત્યારે જ બેન્કની રકમ ડૂબી જવાની ખબર જ હતી. એન.પી.એ. થયેલ રકમનો નાગરિક બેન્કે પાછલા દરવાજાથી કરોડો રૂપિયા તાજેતરમાં માંડવાળ કરી દીધા છે અને જાહેર જનતાને મોટો ચૂનો લગાડેલ છે. પ્રુડેન્શીયલ રાઇટ ઓફની જોગવાયોને મારી-મચડીને જાહેર જનતાના હકના નાણાં માંડવાળ કર્યાનું મહાષડયંત્ર થવા પામેલ છે. તે વધારે કાળું નથી, આખે આખી દાળ સ્મશાનની રાખ કરતાં પણ અનેકગણી કાળી હોવાનું વિબોધ દોશી લખે છે.
નાગરિક બેન્ક બચાવો સંઘના અગ્રણીઓ સર્વશ્રી ચંદુભા પરમાર, વિબોધ દોશી, યોગીજી વિગેરે એ સહજ રીતે એ મુદ્દો ઉઠાવ્યો છે કે બેન્કમાંથી સાચી રીતે નિયમ પ્રમાણે પાંચ કે પચ્ચીસ લાખની લોન લેનારાઓ સાથે જડતા સાથેની રિકવરી થાય છે. સામાન્ય રીકવરીમાં લોન ધારકોને જેલ ભેગા કરી દેવામાં આવે છે. લોકોના જીવન અને કુટુંબ બરબાદ થઈ જાય છે. મોટા અને ખોટા માણસો માટે કરોડો રૂપિયા માંડવાળ કરવાના બદલે નાનાં માણસોના સુરક્ષિત આર્થિક અને સામાજિક ભવિષ્ય માટે સરકારશ્રી દરમિયાનગિરિ કરીને લોકભોગ્ય યોજના બનાવે તે માટે સંઘ રજૂઆતો કરશે. તેમ પણ સંસ્કાર પેનલના અગ્રણીઓ લખે છે.
નાગરિક બેન્ક સહિત ગુજરાતની અનેક સહકારી બેન્કના વડીલના જમાઈ શ્રી જય કુમાર ચોંટલિયા કાલુપૂર બેન્કના લોન કૌભાંડોમાં છેલ્લા અનેક સપ્તાહોથી જેલમાં પુરાયેલ છે. શ્રી મામાનું અકળ મૌન અને વલણ ગુજરાતના જાહેર જીવનને અકડાવે છે, જેની ગંભીર નોંધ નવી દિલ્લીએ પણ લીધેલ હોવાનો દાવો.
શ્રી નલિનભાઈ વસા, જયેશભાઈ વસાની જૈન બ્રાઇટ સ્ટીલ તેમજ અમદાવાદની વિવેક સ્ટીલ કું. એ બન્ને કંપની ધંધાકિય રીતે જોડાયેલી છે. થોડા વર્ષો પહેલા શ્રી નલિનભાઈ નાગરિક બેન્કમાં જ્યારે ચેરમેન હતા ત્યારે આ કંપનીને રૂ. પચ્ચીસ કરોડથી વધુનું ધિરાણ આપવામાં આવેલ અને સિકયોરીટી સવાસો ટકા ને બદલે માત્ર પચ્ચીસ ટકા જેવી લેવાયેલ હતી. આ કંપનીએ મુદ્દલ અને વ્યાજ સહિત આશરે ચાલીસ કરોડ જેટલી માતબર રકમ પણ માંડવાળ કરીને બેન્કે પોતાના નાના માણસોના નાણાંની રીતસર વાઇટ રોબરી કરેલ છે. આ બન્ને વસા બંધુઓના નજીકના સંબધી બહેને વિજય બેન્કના મેનેજર તરીકે રૂ. આશરે પંચાણુ લાખનું બુચ મારી દીધેલ છે. પોલીસ ફરિયાદો સામે તે લોકોને આગોતરા જામીન પણ મળતા નથી. શ્રી કિશોરભાઈ મોગલની વર્તણુકનો વિગતવાર ભંડો યોગ્ય સમયે બહાર આવશે. બેન્ક બચાવો સંઘ રાજકોટ નાગરિક બેન્ક સહિતની અન્ય સહકારી બેન્કના ગ્રાહકો અને સભાસદોને સક્રિય રહીને પોતાના અધિકારોનો અમલ કરવા અપીલ કરે છે. બેન્કના થાપણદારોએતો નાણાંની સલામતી માટે ચોકીદાર બનવું પડશે. સંઘના અગ્રણીઓએ અંતમાં જણાવેલ કે પૂરતા આધાર-પુરાવાઓ તેમજ હકીકતો જાણીને જાહેર જનતાના હિતમાં અને પબ્લિક મનીની સુરક્ષા માટે આ નિવેદન આપેલ છે. બેન્કના સતાધિશોને આ બાબતે જાહેરમાં અમારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરવાની ચેલેન્જ આપવામાં આવે છે. તેમ સંસ્કાર પેનલના મહામંત્રી શ્રી વિબોધ દોશી(મો.94282 06060)ની યાદીમાં જણાવાયું છે.(
(4:34 PM IST)










