News of Saturday, 22nd March 2025
નવાગામમાં ગૃહકલેશને કારણે અશોકભાઇ ચોૈહાણે ઝેર પીધું
પરસાણાનગરના સંજયભાઇએ ઘર પાસે અને સોરઠીયાવાડીના નંદકિશોરભાઇએ રેસકોર્ષ રીંગ રોડ પર ઝેરી દવા પી લીધી

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર નવાગામ દિવેલીયાપરામાં રહેતાં અશોકભાઇ શામજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦)એ રાતે ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
અશોકભાઇ રાતે સાડા દસેક વાગ્યે ઘરે હતાં ત્યારે ઉલ્ટીઓ કરવા માંડતા પરિવારજનોએ પુછતાં પોતે ઝેરી દવા પી ગયાનું કહેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. અશોકભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે અને સંતાનમાં બે પુત્ર છે. પોતે ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે. ગૃહકલેશને કારણે કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં જામનગર રોડ પર પરસાણાનગર-૫માં રહેતાં સંજયભાઇ હરિભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) નામના યુવાને ઘર નજીક રામાપીરના મંદિર પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્રીજા બનાવમાં સોરઠીયાવાડી-૧માં રહેતાં નંદકિશોરભાઇ જેન્તીલાલ શાહ (ઉ.વ.૪૨) નામના યુવાને રાતે સાડા બારેક વાગ્યે રેસકોર્ષ રીંગ રોડ ગેલેક્સી સિનેમા સામે ફૂટપાથ પર ઓલઆઉટ દવા પી લેતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. બંને બનાવમાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી. તેણે સારવાર બાદ રજા લીધી હતી.
(2:59 PM IST)










