<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

અટીકા ફાટક પાસે ટ્રકની ઠોકરે હનુમાન મઢી શીવપરાના રામકુમાર નિશાદનું મોત

મુળ યુપીનો ૩૦ વર્ષનો યુવાન કલર કામ કરી ગુજરાન ચલાવતો હતોઃ છ મહિના પહેલા પેટીયુ રળવા આવ્‍યો હતો

રાજકોટ તા. ૨૨: શહેરમાં વધુ એક વખત જીવલેણ વાહન અકસ્‍માતનો બનાવ બન્‍યો હતો. ઢેબર રોડ પર અટીકા ફાટક પાસે રસ્‍તો ઓળંગી રહેલો રૈયા રોડ હનુમાન મઢી પાસે રહેતો મુળ યુપીનો યુવાન ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં  ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ઢેબર રોડ અટીકા ફાટક પાસે રાત્રીના અજાણ્‍યો યુવાન એક ટ્રકની ઠોકરે ચડી જતાં ઘટના સ્‍થળે જ દમ દોડી દીધો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ભક્‍તિનગર પોલીસ મથકના મહમદતાલીબ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે તપાસ શરૂ થતાં આ યુવાન રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરામાં રહેતો રામકુમાર રામજીભાઇ નિશાદ (ઉ.વ.૩૦) હોવાનું ખુલતાં તેના મામાને પોલીસે મૃતદેહની ઓળખ માટે બોલાવ્‍યા હતાં.

રામકુમાર બે ભાઇમાં નાનો હતો અને છએક મહિના પહેલા જ યુપીથી રાજકોટ પેટીયુ રળવા આવ્‍યો હતો. તે શિવપરામાં ઓરડી રાખી એકલો રહેતો હતો અને છુટક કલરકામ કરતો હતો. રાતે તે અટીકા વિસ્‍તારમાં કોઇ કામ માટે ગયો હતો ત્‍યારે  ટ્રકની ઠોકરે ચડી જતાં ઘટના સ્‍થળે જ મોત થયું હતું. પોલીસે ટ્રકચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા તજવીજ આદરી હતી.

(3:03 PM IST)