News of Monday, 24th March 2025
ધોરાજીના ઝાંઝમેર ગામનાં અસામાજિક તત્વો તથા બૂટલેગરો સામે કાર્યવાહી કરોઃ કલેકટરને આવેદન
રાજકોટ જીલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરીયાની વિસ્તૃત રજુઆતો

રાજકોટ તા. ર૪: જીલ્લા પંચાયતના જીલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ ભાનુબેન બાબરીયા અને અન્યોએ કલેકટરને આવેદન પાઠવી ઝાંઝમેર ગામે અસામાજિક તત્વો અને બુટલેગરો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, હું ઝાંઝમેર ગામે રહું છું અને રાજકોટ જિલ્લા સામાજિક ન્યાય સમીતીની ચેરમેન પદે કાર્યરત છું. આપને મારી તથા ઝાંઝમેર અનુ. જાતિ સમગ્ર સમાજ તથા ઝાંઝમેર ગામના તમામ સમાજ અને ગ્રામજનો દ્વારા નમ્ર રજુઆત કે ઝાંઝમેર ગામે અસામાજિક તત્વો અને બુટલેગરો બેફામ બન્યા છે. ખુલ્લે આમ દેશી તેમજ વિદેશી (ઇંગ્લિશ) દારૂનું વેચાણ થાય છે ને ખુલ્લે આમ ધાક-ધમકી આપવામાં આવે છે. ગામમાં ૪૦ (ચાલીશ)થી પણ વધુ વ્યકિત દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને તાલુકા પોલીસ જાણે મુક-પ્રેક્ષક અને આંખ આડા પાટા બાંધી જોય રહી છે તેવું ગ્રામજનોને લાગે છે. સામાન્ય તેમજ ગરીબ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. બહેન-દીકરીની ઇજજતની સલામતી રહી નથી. કાયદો-વ્યવસ્થા જેવી કોઇ પરિસ્થિતિ ઝાંઝમેર ગામમાં રહી નથી. ગામના ચારે ખૂણે ર૪ (ચોવીસ) કલાક દેશી-વિદેશી (ઇંગ્લીશ) દારૂનું વેચાણ ખુલ્લે આમ થાય છે. આ ગામ આવારા તત્વો તેમજ ગુનેગારો માટે જાણે મિજાપુર તથા દારૂનો નશો કરનાર માટે મીની દેવ બની ગયું છે. ઉપરોકત તમામ બાબતોના અનુસંધાને મારી તથા ઝાંઝમેર ગામના અનુ. જાતિના લોકો તેમજ ગ્રામજનોની આપને રજુઆત છે.
આવેદનમાં શ્રી ભાનુબેન બાબરીયાએ પોતાના પતિનું મૃત્યુ થયું તેમાં જવાબદાર કોણ, માનસિક ત્રાસ આપેલ તે અંગે તપાસ કરવા કલેકટરને વિનંતિ કરી છે, આ ઉપરાંત કોઇ નામચીન બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ, તેના નજીકના સગાના ઘરમાંથી દારૂ પકડાયો, પોલીસમાં ગુન્હો દાખલ થયેલ, આ બુટલેગર સામે અનેક ગુન્હા નોંધાયેલા હોવાની પણ ચોંકાવનારી રાવ કરી છે, અન્ય પણ અમૂક ચોંકાવનારી રજુઆતો કલેકટરને અપાયેલ છે. આવેદનમાં કરાઇ છે, આ બુટલેટરના ત્રાસથી ગ્રામજનોને કાયમી ઢબે મુકત કરાવવા માંગણી થઇ છે.
(2:56 PM IST)










