News of Monday, 24th March 2025
છોટા ઉદેપુરના સટુન ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતી વિજ્ઞાન જાથા : ૧૨૬૫ મો પર્દાફાશ
ભુવા દોરાધાગા, મંત્ર તંત્ર અને માલીશ કરી દર્દ મટાડવાનું કામ કરતા હતા

રાજકોટ તા. ૨૪ : છોટા ઉદેપુરના સટુન ગામની સીમમાં માતાજી-ગુરૂ સાહેબનું ધાર્મિક સ્થાન બનાવી ભુવો ગણપત નાથુ છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા, ઉતારવિધિ, પરીક્ષામાં પાસ થવા બોલપેન વિતરણ, મહિલાઓને દુઃખાવા બંધ કરવા માલીશ કરી આપવા જેવી પ્રવૃત્તિ ચલાવતા હોવાની ભારત જન વિજ્ઞાન જાથાને વિગતો મળી હતી. જેના આધારે જાથાની ટીમે ૧૨૬૫ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
જાથાએ રાજયના મુખ્યમંત્રી, ડીજીપી, ગૃહમંત્રાલયને પત્ર પાઠવી બંદોબસ્તની માંગણી કરતા કદવાલ પોલીસ સ્ટેશનનો બંદોસ્ત ફાળવવામાં આવ્યો હતો.
પોલીસને સાથે રાખી વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ ટીમના રોહીત રાજદેવ, અંકલેશ ગોહીલ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, ભાનુબેન ગોહિલ, પ્રકાશભાઇ, સ્થાનિક સંખેડાના પનિલ ભોઇ એડવોકેટ, રાણાભાઇ સહીતના તેમજ કદવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.કોન્સ. કે. એમ. રાઠોડ, પી.એસ.ઓ., એ.એસ.આઇ. ચંદુભાઇ કરશનભાઇ, કોન્સ. રવિનાબેન અનુભાઇ, કોન્સ. મનીષાબેન જેસીંગભાઇ, ગોહાપડીબેન વગેરે સટુન ગામે પહોંચ્યા હતા.
પોલીસ કાફલો અને વિજ્ઞાન જાથાની ટીમ ભુવા ગણપતના ઘરે પહોંચી ત્યારે ભુવા મહીલાના પગમાં માલીશ કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ પામી જતા ભુવા ભાંગી પડયા હતા. કબીરપંથી આ ભુવાએ શરણાગતી સ્વીકારી માફી માંગી લીધી. હવેથી દોરાધાગા અને દર્દ મટાડવાના કામો કાયમી બંધ કરવા કબુલાતનામુ લખી આપ્યુ હતુ.
સટુન આસપાસના આદીવાસી વિસ્તારમાં ભુવાનું સામ્રાજય ફેલાયુ હતુ. જાથાની સફળ કામગીરી બદલ લોકોએ રાજીપો વ્યકત કર્યો હતો. વિજ્ઞાન જાથાએ આ રીતે સતત ૧૨૬૫ મો સફળ પર્દાફાશ કર્યો હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.
(4:11 PM IST)










