તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Monday, 24th March 2025
સિંધુ ભવન ટ્રસ્ટને ફાળવેલ જમીન સામે ઘંટેશ્વર ગામના લોકોનો વિરોધ વંટોળ : આખુ ગામ ઉમટી પડયું : રજુઆત
કલેકટરને આવેદન : મોમભાઇ વરૂની રજુઆત અમને કાયદાનો લાભ મળેલ નથીઃ ૬૦ વર્ષથી રહીએ છીએ

ઘંટેશ્વર ગામના લોકોએ નાગદાનભાઇની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી. ગામના લેડીઝ-જેન્ટસ-ર૦૦ જેટલા લોકો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ તા.૨૪: ઘંટેશ્વર ગામના મોમભાઇ વરૂ તથા અન્ય ગ્રામજનોએ રાજકીય અગ્રણીશ્રી નાગદાનભાઇની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવી સિંધુભવન ટ્રસ્ટને ફાળવેલ જમીન સામે વાંધા અરજી અને અમોને વર્ષોથી રહેણાંક હેતુ માટે જમીન ફાળવણી કરવા અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં જણાવેલ કે આપ દ્વારા કરવામાં આવેલ તા.૧૩.૧૧.૨૦૨૪ ના હુકમ નં. - લેન્ડ/અપીલ/૨/ ફ.નં.૫૫/૨૦૧૭ સામે અમો અરજદારને સખત વિરોધ અને વાંધો છે કારણ કે આ હુકમ મુજબ જ જો કાર્યવાહી થતી હોય અને કાયદા મુજબ જગ્યા ફાળવી શકાતી હોય તો અમો અરજદારને આ કાયદાનો લાભ મળેલ નથી અને અમોને આવી કોઈ સરકારી રાહત મળેલ નથી જે સરાસર અન્યાય સમાન છે. અમો અરજદાર પિતા અને દાદા સમયથી ઘંટેશ્વર ગામમાં પરીવાર સાથે વસવાટ કરીએ છીએ. અને અમો અમોના પિતા સાથે રહીએ છીએ. છતાં આજ દિન સુધી અમોને રહેણાંક હેતુ માટે જગ્યા ફાળવવા માટે સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
હાલ જે જગ્યાએ અમો રહીએ છીએ તે જગ્યા અંદાજે ૬૦ વર્ષથી કે તેથી વધુ સમયથી અમારા કબજા ભોગવટામાં છે અને ત્યાં જ અમો પરીવાર સાથે વસવાટ કરીએ છીએ. આમ છતાં સ્થાનિક તંત્ર કે સતા તંત્ર દ્વારા કયારેય કોઈ પગલા લીધેલ નથી.
નિયમ મુજબ અમો પાસે રાવળા હક્કમાં મળી શકે તે પ્રકારની જગ્યા કબજા ભોગવટામાં છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા અમોને ઈરાદા પૂર્વક લાભ આપવામાં આવેલ નથી કે અમોને લાભ બાબતે જાણ કરવામાં આવેલ નથી જયારે ગામમાં અન્ય લોકોનું જોઈએ તો અમો પછીના અને લાગવગ ધરાવતા લોકોને આવા તમામ લાભ મળેલ છે જે આપ રેકર્ડ પરથી જોઈ શકશો.
(4:17 PM IST)










