News of Tuesday, 25th March 2025
સદ્દગુરૂનગરમાં રહેતાં કેતનભાઇ ગોહેલ પર ગાંધીગ્રામમાં આંખમાં પેપર સ્પ્રે છાંટી હુમલો
રાતે પત્નિને લઇ માતા-પિતા-નાના ભાઇના ઘરે બેસવા ગયા ત્યારે પડોશી ધ્રુવીક ગાળો બોલતો હોઇ સમજાવવા જતાં ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૫: રૂડાનગર પાસે સદ્દગુરૂનગરમાં રહેતાં અને માર્કેટીંગનું કામ કરતાં આધેડ રાતે ગાંધીગ્રામમાં માતા-પિતા-ભાઇના ઘરે બેસવા ગયા ત્યારે તેના નાના ભાઇ સાથે પડોશમાં રહેતો શખ્સ ગાળાગાળી કરતો હોઇ તેને સમજાવવા જતાં ઉશ્કેરાઇ જઇ આધેડની આંખમાં પેપર સ્પ્રે છાંટી તેમજ સ્પ્રેની બોટલ અને ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
જાણવા મળ્યા મુજબ સદ્દગુરૂનગર બ્લોક નં. ૮૧માં રહેતાં અને નવીયા ઇન્ડિયાના ડીસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતાં કેતનભાઇ મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.૪૮) રાતે અગિયારેક વાગ્યે ગાંધીગ્રામ-૩માં રહેતાં માતા-પિતા અને નાનાભાઇ મંથનના ઘરે પોતાના પત્નિને લઇને બેસવા ગયા હતાં ત્યારે ભાઇની બાજુમાં રહેતાં ધ્રુવીક અને અજાણ્યાએ તેને સ્પ્રેની બોટલ અને ઢીકાપાટુથી માર મારતાં હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. કેતનભાઇએ કહ્યું હતું કે નાના ભાઇ મંથન સાથે ધ્રુવીક ગાળાગાળી કરતો હોઇ તેને ઘરથી દૂર જવાનું અને માથાકુટ નહિ કરવાનું સમજાવતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારી આંખમાં પેપર સ્પ્રે છાંટી સ્પ્રેની બોટલથી અને ઢીકાપાટુથી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, કાનભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(2:19 PM IST)










