News of Tuesday, 25th March 2025
અમારી વિરૂધ્ધનો કેસ પાછો ખેંચી લેજે કહી ગાંધીગ્રામમાં ધ્રુવીત પર હુમલો
દિવ્યરાજ વાળા, કેતન ગોહેલ, તેના ભાઇ મંથન ગોહેલ, પિતા મનસુખ ગોહેલ તુટી પડયાઃ ધ્રુવીતે બચાવ માટે મિરચી સ્પ્રે છાંટયો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામમાં રહેતાં યુવાનને રાતે તેની બહેન સાથે વોકીંગમાં નીકળ્યો ત્યારે એક શખ્સ, તેના બે મિત્રો એવા સગા ભાઇઓ અને આ બંનેના પિતા મળી ચાર જણાએ હુમલો કરી માર મારતાં અને કેસ પાછો ખેંચી લેવા ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ યુવાને બચાવ માટે પોતાની પાસે રહેલો મિરચી સ્પ્રે એક હુમલાખોર પર છાંટી દીધો હતો.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ મેઇન રોડ પર શ્રીરામ ડેરી સામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ધ્રુવીત ઉર્ફ ધ્રુવ જનકભાઇ પરમાર (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી દિવ્યરાજ વાળા, મંથન ગોહેલ, તેના ભાઇ કેતન ગોહેલ અને બંનેના પિતા મનસુખ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ધ્રુવીત ઉર્ફ ધ્રુવએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ડ્રાઇવીંગ કરુ છું. રાતે સાડા દસેક વાગ્યે હું, મારા ફઇની દિકરી બહેન ઘરેથી વોકીંગ કરવા નીકળ્યા ત્યારે ગાંધીગ્રામ-૩ના ખુણે પહોંચતા દિવ્યરાજ વાળા બાઇક પર આવ્યો હતો અને અમારી નજીક વાહન ધીમુ પાડી મને ગાળો દઇ-તે મારા પર કરેલો કેસ પાછો ખેંચી લેજે નહિતર આટીમાં આવી જઇશ, ટાંટીયા ભાંગી નાખીશ તેમ કી ગાળો દેતાં નજીકમાં શેરીમાં મંથન ગોહેલ અને તેનો ભાઇ કેતન ગોહેલ બેઠા હોઇ તેને બોલાવતાં તે બંને આવી ગયા હતાં.
કેતને મને નીચે પાડી દીધેલ અને મંથન તથા દિવ્યરાજ મને મારવા માંડયા હતાં. ત્યાં આ બંનેના પિતા મનસુખ ગોહેલ પણ આવી જતાં તેણે પણ મારકુટ કરવા માંડયા હતાં. જેથી મેં મારી પાસે રહેલો મીરચી સ્પ્રે મારા બચાવ માટે દિવ્યરાજ પર છાંટયો હતો. દેકારો થતાં મારા માતા-પિતા પણ આવી ગયા હતાં અને મને છોડાવ્યો હતો. મને મુંઢ ઇજાઓ થઇ હોઇ સારવાર લીધી હતી.
દિવ્યરાજ વાળા અને મંથન ગોહેલ સામે મેં એક વર્ષ પહેલા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી કેસ પાછો ખેંચવાનું કહીને મારા પર હુમલો કરી ધમકી અપાઇ હતી. તેમ વધુમાં ધ્રુવીતે જણાવતાં પીએસઆઇ ટી. ડી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે જેનું આરોપીમાં નામ છે તે કેતન મનસુખભાઇ ગોહેલ રાતે પોતાના પર ધ્રુવીત સહિતે હુમલો કરી આંખમાં સ્પ્રે છાંટી દીધાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થયો હતો.
(3:43 PM IST)










