News of Saturday, 29th March 2025
ભીચરી રોડ પર આવેલી હોસ્ટેલમાં નર્સિંગની છાત્રા વિંછીયાની પાયલ ખિહડીયાનો ફાંસો ખાઇ આપઘાત
તાવ આવે છે, સારું નથી લાગતું કહી વર્ગમાંથી હોસ્ટેલના રૂમમાં જતી રહીઃ રૂમમેટ આવી ત્યાં લટકતી મળીઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૨૯: શહેરના જુના માર્કેટ યાર્ડ પાછળ ભીચરી રોડ પર આવેલી એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને ત્યાંની હોસ્ટેલમાં જ રહેતી વિંછીયાની પાયલ મનુભાઇ ખીહડીયા (ઉ.વ.૧૯) નામની છાત્રાએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મને તાવ આવે છે તેવું કહીને હોસ્ટેલમાં ગઇ હતી અને ગળાફાંસો ખાઇ લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભીચરી રોડ પર આવેલી એચ.એન. શુક્લા કોલેજની હોસ્ટેલમાં પાયલ ખીહડીયાએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી સોનલબેને તેણીને મૃત જાહેર કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ વી. એસ. ચોૈહાણે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ મોહિતભાઇ કુંભારવાડીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પાયલ મુળ વિંછીયાની વતતી હતી અને હાલ નર્સિગના પહેલા વર્ષમાં અભ્યાસ કરી અહિની હોસ્ટેલમાં રહેતી હતી. બપોરે તે ક્લાસમાં હતી ત્યારે મને તાવ આવે છે, સારુ નથી તેમ કહી હોસ્ટેલના રૂમ ખાતે જતી રહી હતી. એ પછી તેની રૂમમેટ રૂમ ખાતે આવી ત્યારે પાયલને લટકતી જોતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પાંચ બહેન અને એક ભાઇમાં તેણી સોૈથી નાની હતી. આ બનાવનું ચોક્કસ કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. (૧૪.૬)
(11:10 AM IST)










