News of Saturday, 29th March 2025
કારની ઠોકરે ચડેલો ૧૮ વર્ષનો પરાગ ગોહેલ બ્રેઇનડેડઃ ડ્રાઇવર બદલાયાના આક્ષેપને પગલે ડીસીપીની તપાસ : જુઓ વિડીયો
૨૧મીએ ન્યારી ડેમ પાસે સફેદ રંગની નેક્સા કારની ઠોકરે ટુવ્હીલર ચડતાં ચાલક મોટા મવાના યુવાનને ગંભીર ઇજા થતાં જીવનમરણ વચ્ચે ઝોલા : પરાગ જેની સાથે કામ કરે છે તે કેટરર્સ સંચાલક ક્રિશ મેરએ ફરિયાદ નોંધાવી તેમાં આરોપી તરીકે પ્રવિણસિંહ જાડેજા વિરૂધ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતોઃ હવે ક્રિશે કારના ડ્રાઇવર બદલી નખાયાના આક્ષેપો કરતી અરજી કરતાં તપાસ શરૂ કરાઇઃ કોણ ડ્રાઇવર હતું તે સ્પષ્ટ ન થતું હોઇ એ કારણે જ પોલીસે આરોપીની ધરપકડ કરી નથીઃ ડ્રાઇવર બદલતાં હોય તેવા ફુટેજ હાલ અમારી પાસે નથીઃ ડીસીપી બાંગરવા : પીએસઆઇનો કોઇ રોલ નથી, ફરિયાદીએ જે જણાવ્યું એ મુજબ જ ફરિયાદ દાખલ થઇ છે, જો ફરિયાદીને લાગે કે ડ્રાઇવર કોઇ બીજુ છે તો રજૂઆત કરી શકે, તેની પાસ થશેઃ ડીસીપી જગદીશ બાંગરવા : આસપાસના ડીવીઆરના ફુટેજ મેળવી તેના આધારે તપાસ થઇ રહી છેઃ ગાડીની સ્પીડ અંગે એફએસએલની મદદ લેવામાં આવશેઃ બાંગરવા

રાજકોટ તા. ૨૯: શહેરના ન્યારી ડેમ પાસે ગત ૨૧મીએ કારની ઠોકરે ચડી જતાં એક યુવાનને ગંભીર ઇજા થઇ હતી. આ યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અને આજે તબિબે બ્રેઇનડેડ જાહેર કર્યો છે. આ બનાવમાં યુવાન જ્યાં કામ કરતો હતો તે કેટરીંગ સર્વિસ સંચાલકે અકસ્માત સર્જનાર રૂડા વિસ્તારમાં રહેતાં કારચાલક વિરૂધ્ધ નામજોગ ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવી હતી. જો કે બાદમાં ગઇકાલે તેણે એક અરજી ગૃહમંત્રી, પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઇમ, કલેક્ટર સહિતને કરી આ બનાવમાં અકસ્માત બાદ કારના ચાલક બદલી દેવામાં આવ્યાનો અને નબીરાને બચાવવા કાવાદાવા થયાનો આક્ષેપ કરતાં ડીસીપી જગદીશ બાંગરવાએ તપાસ હાથ ધરી હાલ તુર્ત અકસ્માતની ઘટનાના તપાસનીશ અમલદારને બદલી નાંખ્યા છે. તેમજ કહ્યું હતું કે ડ્રાઇવર ખરેખર કોણ છે તે નક્કી ન થયું હોઇ તુરત ધરપકડ કરવામાં આવી નહોતી. આક્ષેપો સાથેની અરજીની તપાસ કરી ન્યાયી કાર્યવાહી કરવામાં આવશે.
આ બનાવમાં તાલુકા પોલીસે આત્મીય કોલેજ પાસે સિલ્વર એવન્યુ-૩માં રહેતાં અને પિતાજીના અભી કેટરીંગના વ્યવસાયમાં મદદ કરતાં ક્રિશ અમિતભાઇ મેર (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી પ્રવિણસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૫૫-રહે. રૂડા-૨, વિષ્ણુવિહાર સોસાયટી-૯, ઓમ ભીમનાથ નામનુ મકાન) ખાતે રહેતાં નેક્સોન કાર જીજે૦૩એનબી-૬૪૧૧ના ચાલક પ્રવિણસિંહ બચુભા જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
ક્રિશ મેરે જણાવ્યું હતું કે અમે બે ભાઇઓ છીએ અને હું નાનો છું. અમારી સાથે કેટરીંગમાં પરાગ જેન્તીભાઇ ગોહેલ (ઉ.વ.૧૮-રહે. મોટા મવા મટુકી રેસ્ટોરન્ટ પાછળ, ૫૦ વારીયા) કેટરીંગનું કામ કરવા આવે છે. મારી પાસેનું જીજે૦૩એનએસ-૯૯૭૯ નંબરનું એક્ટીવા છે તે મારો ભાઇ નમન મેર વાપરે છે. તા. ૨૧/૩/૨૫ના બપોરે ત્રણેક વાગ્યે હું ન્યારી ડેમ પાસે બેલાસ્વીતા નામના બંગલે ફંકશન હોઇ ત્યાં હતો ત્યારે મારી સાથે કામ કરતાં પરાગભાઇને અમસ્તો જ ફોન જોડતાં તેણે ફોન રિસીવ કર્યો નહોતો. આ પછી ફરી ફોન કરતાં કોઇ બીજાએ ફોન ઉપાડી કહેલુ કે આ ફોન જેનો છે તે ભાઇને ન્યારી ડેમ રોડ પર આઉટ ઓફ ધ બોક્સ પાસે વળાંકમાં અકસ્માત નડયો છે અને માથા, શરીરે ઇજાઓ થઇ છે.
આથી હું ત્યાં પહોંચ્યો હતો અને પરાગ ગોહેલને ઇજાગ્રસ્ત હાલતમાં જોયો હતો. ત્યાં નજીકમાં સફેદ રંગની ટાટા નેક્સા કાર જીજે૦૩એનબી-૬૪૧૧ પડી હતી. તેમજ મારુ એક્ટીવા પણ હતું. જે પરાગ લઇને નીકળો હતો. તેનું હેન્ડલ વળી ગયું હતું. કારચાલક ત્યાં જ ઉભેલ હોઇ તેનું નામ પુછતાં પ્રવિણસિંહ બચુભા જાડેજા અને વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં હોવાનું કહ્યું હતું. પરાગ ન્યારી ડેમ તરફથી અમારે જ્યાં ફંકશન હતું ત્યાં આવી રહ્યો હતો ત્યારે કાર ન્યારી ડેમથી કાલાવડ રોડ તરફ જતી હોઇ પરાગને ટુવ્હીલર સહિત ઉલાળી દેતાં ગંભીર ઇજા થઇ હતી. અમે પરાગને મારી કારમાં સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. તે બેભાન હાલતમાં સારવાર હેઠળ હતો. પ્રવિણસિંહ જાડેજાએ પુરઝડપે કાર હંકારી અમારી સાથે કામ કરતાં પરાગ ગોહેલને ઠોકરે ચડાવી ઇજા પહોંચાડી હતી. તેમ વધુમાં ક્રિશે જણાવતાં તાલુકા પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધ્યો હતો.
દરમિયાન આ ઘટનામાં તપાસનીશ પોલીસે કારના ચાલકને બદલી નાંખ્યાનો આક્ષેપ ફરિયાદી ક્રિશ મેર દ્વારા કરવામાં આવ્યો છે. આ અરજીમાં તેણે જણાવ્યું છે કે અકસ્માતમાં અમારા કર્મચારી પરાગને કારચાલકે ફુટબોલની જેમ ઉલાળી દીધો હતો. કાર પણ પંચર પડી જવાથી આગળ ઉભી રહી ગઇ હતી. તેમાંથી ત્રણ વ્યક્તિ ઉતર્યા હતાં. જેમાંથી ડ્રાઇવર સાઇડના દરવાજેથી ઉંચો સરખો છોકરો ઉતરીને પાછળના દરવાજે આવી બેસી ગયો હતો. પાછળ બેસેલ આધેડ જેવો માણસ બાદમાં ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો. તેમજ અકસ્માત બાદ આ લોકો ૧૦૮ને બોલાવવાને બદલે સામે આવેલા પાનના ગલ્લે જઇ ઉભા રહી ગયા હતાં. કારમાં પંચર હોઇ થોડીવાર બાદ બીજી ગાડી બોલાવી આ લોકો જતાં રહ્યા હતાં. આ પછી મેં પરાગને હોસ્પિટલમાં ખસેડયો હતો. સિવિલમાંથી વધુ સારવાર માટે દોશીમાં અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ૨૧થી આજ સુધી પરાગ વકોહાર્ટમાં આઇસીયુમાં દાખલ છે. ડોક્ટરના કહેવા મુજબ તેની હાલત ખુબ ગંભીર છે અને બ્રેઇન હેમરેજ સાથે શરીરમાં ઘણી ઇજાઓ છે.
બીજી તરફ અમે ફરિયાદ નોંધાવતી વખતે સ્પષ્ટ કહેલું કે ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા નહોતા ચલાવતાં તે પાછળની સીટ પર બેઠા હતાં, ડ્રાઇવર સીટ પરથીયંગ છોકરો ઉતર્યો હતો. આવુ સાંભળી તપાસનીશ અમારા પર ગુસ્સે થઇ ગયા હતાં. પંચનામુ કરતી વખતે મારા મોટા ભાઇને પણ ધમકાવાયો હતો. ક્રિશે કરેલી અરજીમાં આગળ જણાવ્યું છે કે અમે તપાસ કરતાં અકસ્માત સર્જનાર કાર રાજેશભાઇ મગનલાલ મહેતા, ભાભાકૃપા, ૩-ગીતગુર્જરી સોસાટીના નામે છે. તેમાં ચલાવનાર વ્યક્તિને બચાવવા ડ્રાઇવર બદલી નખાયેલ છે.
આક્ષેપોને પગલે ડીસીપી જગદીશ બાંગરવાએ તપાસ હાથ ધરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આક્ષેપો થતાં હાલ તુર્ત અમે તપાસનીશ અધિકારીને બદલાવી નાંખ્યા છે. જે તે વખતે ક્રિશ મેર દ્વારા ડ્રાઇવરના નામ જોગ ફરિયાદ લખાવવામાં આવી હતી. તે મુજબ જ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્વે. ઓફિસરે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી તરીકે ફરિયાદીએ જ પ્રવિણસિંહ બચુભા જાડેજાનું નામ આપ્યું હતું અને તે મુજબ જ ફરિયાદ દાખલ થઇ હતી. પ્રવિણસિંહે પણ પોલીસ સ્ટેશને આવીને કાર પોતે ચલાવતાં હોવાનું કબુલ્યું હતું. તપાસ હજુ ચાલુ હોઇ આરોપીનું નિવેદન નોંધવાનું અને તેની ધરપકડ કરવાની બાકી છે. ફરિયાદી તરફથી કારના ડ્રાઇવર બદલી ગયાના આક્ષેપ થયા છે તો તે અંગે અમે તપાસ કરીશું. આ મામલે ગઇકાલે જ એક અરજી મળી છે. જો ફરિયાદીને લાગતું હોય કે આમાં કંઇ ખોટુ થયું છે તો પોલીસને આવીને જાણ કરે જેથી આગળની કાર્યવાહી થશે.
અકસ્માત થયો ત્યારે ક્રિશભાઇ મેર ઘટના સ્થળે નહોતાં, પાછળથી તેમણે આવીને જે ફરિયાદ આપી હતી તેના આધારે તેમની સહીથી જ ફરિયાદ દાખલ થઇ હતી. તેણે જ આરોપી તરીકે કાર ડ્રાઇવર પ્રવિણસિંહ જાડેજા હોવાનું કહ્યું હતું. જો કે બાદમાં ક્રિશ દ્વારા ફુટેજ રજૂ કરાયા હોઇ તેના આધારે તપાસ કરી જો બીજા ડ્રાઇવર હશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી થશે. પોલીસ પાસે જો કે એવા ફુટેજ નથી કે કોણ ડ્રાઇવીંગ કરતું હતું. પોલીસ સામે હાલ જે આક્ષેપો છે તે ખોટા છે, કોણ ડ્રાઇવર હતું તેની સ્પષ્ટતા થઇ શકી ન હોઇ એ કારણે જ પોલીસે નામ જોગ ફરિયાદ હોવા છતાં આરોપીની ધરપકડ કરી નથી. તપાસને અંતે જે કોઇ આરોપી હશે તેની તપાસને અંતે ધરપકડ થશે. અમે આસપાસના ડીવીઆરના ફુટેજ મેળવી લીધા છે તેની ચકાસણી થઇ રહી છે. તપાસનીસ પીએસઆઇનો હાલમાં કોઇ દોષ જણાઇ આવ્યો નથી. તેમણે ફરિયાદીએ આપેલી વિગતો મુજબ જ ફરિયાદ દાખલ કરી હતી. જો બીજા કોઇ આરોપી હશે તો તે મુજબ કાર્યવાહી થશે. તેમ વધુમાં શ્રી બાંગરવાએ કહ્યું હતું.
(3:52 PM IST)










