<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

રાજકોટના અક્ષરમાર્ગ પરનો દિપકભાઇ સાંગાણીનો કિંમતી ફ્લેટ વડોદરાના માતા પુત્રએ પચાવી પડ્યો: માલવીયા નગર પોલીસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ: એસીપી દ્વારા તપાસ

રાજકોટ:કાલાવડ રોડ પરના અક્ષર માર્ગ પર રાતરાણી એપાર્ટમેન્ટમાં રહેતાં દિપકભાઇ મગનભાઈ સાંગાણી ઉ.વ.૫૧નો અહીં જ આવેલો ફ્લેટ દમયંતીબેન નવીનભાઈ મેતા અને તેના પુત્ર દિનેશ (રહે. બંને હાલ રામા-એલીના તિથી હાઇટ્સ, ગોત્રી રોડ, વડોદરા)એ પચાવી પાડયાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

આ બારામાં રાતરાણી એપાર્ટમેન્ટમાં રહેતા દિપકભાઈ મગનલાલ સાંગાણી (ઉં.વ.૫૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે મેટલનો ધંધો કરે છે. ૨૦૧૩ની સાલમાં તેના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં. ૩૦૨માં દમયતીબેન રહેતા હતા. જેણે આ ફલેટ વેચવા કાઢ્યાની જાણ થતાં તેના અને પુત્ર દિનેશ સાથે વાતચીત કરી રૂા. ૧ કરોડમાં સોદો કર્યો હતો. દમયંતીબેને બેન્કમાંથી રૂા. ૯૯ લાખની લોન લીધી હતી.જે તેણે ભરપાઈ કરી વધારાના રૂા. ૧ લાખનો ચેક તેને આપ્યો હતો. આ રીતે રૂા. ૧ કરોડમાં વેચાણ દસ્તાવેજથી તેનો ફલેટ ખરીદ કર્યો હતો. તે વખતે દમયંતીબેન અને તેના પુત્ર દિનેશે તેને કહ્યું કે થોડા સમય માટે અમને આ ફલેટ રહેવા આપો. જેથી માનવતા ખાતર તેમને ફલેટ રહેવા માટે આપ્યો હતો.

 ત્યાર પછી ઘણી વખત કહેવા છતાં બંને ફલેટ ખાલી. કરતાં ન હતા.જેથી કંટાળીને કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. તેણે ઘણી વખત ફલેટનો કબજો પોતાને સોંપવા માતા-પુત્રને સમજાવ્યા હતાં. પરંતુ ખોટા બહાના કાઢી સમજતા ન હતા. હાલમાં પણ માતા-પુત્ર તેના ફલેટ પર ગેરકાયદે કબજો કરી તેમાં પોતાનો સામાન રાખી, ફલેટ બંધ કરી વડોદરા રહેવા જતા રહ્યા છે. કલેક્ટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ ગુનો દાખલ કરવાની મંજૂરી મળતાં માલવિયાનગર પોલીસે માતા-પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો. નિયમ મુજબ આ કેસની તપાસ હવે એસીપી દ્વારા શરૂ કરવામાં આવી છે.

(10:22 AM IST)