<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

જાણીતા ડેન્‍ટલ સર્જન ડો.ધર્મેન્‍દ્ર ચંદારાણા એવોર્ડથી વિભૂષિત

રાજકોટના ખ્‍યાતનામ ફીજીશ્‍યન વી.એસ. ચંદારાણાના પુત્રએ રઘુવંશી સમાજને ગૌરવ અપાવ્‍યું

રાજકોટ, તા. ૩૧: તાજેતરમાં ટીવી ૧૮ દ્વારા વિવિધ કક્ષાનાં આગવી પ્રતિભા સાથે, સ્‍પેશ્‍યલાઈઝ અને સેવાકીય પ્રવૃત્તિના ત્રિવેણી સંગમ જેવું વ્‍યક્‍તિત્‍વ ધરાવતા તબીબોને સન્‍માનિત કરવાનો અમદાવાદ ખાતે ગૌરવપૂર્ણ સમારોહ યોજાયેલ.

આ સમારોહમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં ખૂબ મોટું નામ ધરાવતા રાજકોટ મોટી ટાંકી નજીકની કુસુમ મેડિકલ અને ડેન્‍ટલ હોસ્‍પિટલ ધરાવતા જાણીતા ફીજીશ્‍યન ડો વી.એસ. ચંદારાણા તથા સામાજિક મહિલા અગ્રણી કુસુમબેનનાં સુપુત્ર ડો. ધર્મેશ ચંદારાણાનો સમાવેશ થતાં વિશાળ શુભેછકો, મિત્રો અને રઘુવંશી સમાજ સહિત સર્વ સમાજમાં હર્ષની લાગણી સાથે અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

ડો.ધર્મેન્‍દ્ર ચંદારાણાને  આરોગ્‍યમંત્રી રૂષિકેશ પટેલ હસ્‍તે સર્ટીફીકેટ અને ટ્રોફી આપી વિભુષિત કરવામાં આવેલ.

ડો. ધર્મેન્‍દ્ર ચંદારાણા એ ઉદેપુરની પેસિફિક ડેન્‍ટલ કોલેજમાં ભારતના ખ્‍યાતનામ ઓરલ અને મેક્‍સિલોફેસ્‍યલ્‌ સર્જન ડો. ભગવાન સરની રાહબર અને માર્ગદર્શન સાથે એમડીએસ નો કોર્ષ કરી માસ્‍ટર ડિગ્રી મેળવેલ. બાદમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી ની સિવિલ હોસ્‍પિટલમાં ચીફ અને ક્‍લાસ વન ડેન્‍ટલ સર્જન તરીકે તેઓએ પોસ્‍ટિંગ મેળવી વર્ષો સુધી તે વિસ્‍તારના લોકોને ડેન્‍ટલ, ઓરલ ને ઝડબા ના ટ્રોમા ને લગતા ક્રિટકલ કેઇસ ની સર્જરી કરી નામના મેળવેલ. ત્‍યારબાદ મોટી ટાંકી પાસે કુસુમ મેડિકલ અને ડેન્‍ટલ હોસ્‍પિટલમાં પ્રાઇવેટ પ્રેક્‍ટિસ ૨૩-૦૩-૨૦૧૪ રવિવાર થી ચાલુ કરી હતી.

ડિફિકલ્‍ટ વિઝડમ ટૂથ યાનિકી અઘરી અને ના નીકળી શકે એવી ડહાપણ દાઢને સહેલાઈથી દર્દીને ખબર ના પડે કે દુઃખાવા વગર કાઢી આપવી એ ડો. ધર્મેન્‍દ્રની માસ્‍ટરી છે. આ ઉપરાંત ઝડબાની એક્‍સિડન્‍ટલ કારણે થયેલ ઇજા કે ભાંગતૂટ ની સર્જરી, ઇમ્‍પ્‍લાંટ સર્જરી તથા મોઢાના કેન્‍સરના નિદાન ને લગતી સર્જરી માં તેઓ આગવી ઓળખ ધરાવે છે. તમાકુના સેવનના કારણે ઘણા યુવાનોના મોઢા ફાયબ્રોસિસ થવા થી ખુલતા નથી હોતા જેથી દાઢ કે દાંત કાઢવાની સર્જરી માં પૂરતી સ્‍પેસ ના મળવાથી તકલીફ પડે છે.

આવા દર્દીઓને ઓપરેશન થિયેટરમાં હળવો એનેસ્‍થેસિયા આપી ઘણી બધી સફળતાપૂર્વક સર્જરી કર્યા નો અનુભવ ડો. ધર્મેન્‍દ્ર ધરાવે છે. ભાવનગરની બાજુમાં આવેલ કે. જે. મેહતા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડેન્‍ટલ સાયન્‍સ માં વિઝિટિંગ પ્રોફેસર ઓફ ડેન્‍ટલ સર્જરી તરીકે વર્ષો સુધી ડેન્‍ટલ સ્‍ટુડન્‍ટ ને ભણાવવાનો અને ક્‍ઠીન સર્જરીનો અનુભવ ડો. ધર્મેન્‍દ્ર ચંદારાણા ધરાવે છે. ટીવી ૧૮ દ્વારા આરોગ્‍યના સેવાભાવી સારથી અને અનુભવી નિષ્‍ણાત તબીબ ને વીણી વીણી અને તેનું આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્‍તે બહુમાન કરવા માટે ચંદારાણા પરિવાર ટીવી ૧૮ તથા ગુજરાતના આરોગ્‍ય મંત્રીના આભારી છે. આ તકે ડો. વી. એસ. ચંદારાણા ૯૦૧૬૭ ૮૯૬૧૭ તથા ડો ધર્મેન્‍દ્ર ચંદારાણા ૯૯૭૪૮ ૦૦૦૦૯ ઉપર અભિનંદન ની વર્ષા થઈ.(૬.૧)

(10:22 AM IST)