News of Monday, 31st March 2025
ર૯ રોઝા સાથે ઇદુલફિત્રની ઉત્સાહભેર ઉજવણી
પ્રથમ રોઝો રવિવારે થતા લોકોને રાહત રહી તેમ આજે સોમવારે ઇદ થતા પૂર્વ રવિવારના લીધે સરળતા રહી : સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારના સમયે ઇદની વિશેષ નમાઝ સંપન્ન થયા બાદ દૂઆઓ માંગવામાં આવી : રવિ થી રવિ રમઝાન માસ ચાલવાની ઘટનાનું આઠ વર્ષે પૂનરાર્વતન થયુ

ખુદાનો આભાર :- આજે સવારે ઈદુલ ફિત્રની વિશેષ નમાઝ સર્વત્ર પઢવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની ઈદગાહ ઉપર પણ ઇંદની નમાઝ પઢવા મુસ્લિમ ભાઈઓ મોટી માત્રામાં એકત્ર થયા હતા અને ભરપૂર હાજરી વચ્ચે ઈદની ખાસ નમાઝ પઢી ખુદાનો આભાર માનવામાં આવેલ. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (પ-૮)
રાજકોટ તા. ૩૧ : છેલ્લા કેટલાય દિ' થી ચાલી રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના વધઘટ વચ્ચે ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન મહીનો પૂર્ણ રીતે પસાર થયા બાદ ગઇકાલે રવિવારે સાંજે આકાશમાં ચંદ્ર દર્શન થઈ જતાં ૨૯ રોઝા પુરા થવાનીસાથે આજે સર્વત્ર ‘ઇદુલફિત્ર' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
રમઝાન માસમાં શરૂમાં હવામાન મિશ્ર રહેતા રોઝા રાખનારા લોકોને ગરમીથી રાહત રહી હતી પરંતુ પાછલા રોઝામાં તાપમાન ઉંચું જતા રોઝામાં તાપ લાગતો હોવા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝ નામે મસ્જીદોમાં ઇબાદત કરી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ મળેલ આત્મ શુધ્ધિના અવસરરૂપ આજે ઇંદની ઉજવણીમાં મુસ્લિમ સમાજ ઓતપ્રોત થઇ ગયો હતો.
ખાસ કરીને ઇદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઇદની નમાઝ પઢી હતી અને નમાઝ પુર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાના દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. અ ને હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ મુબારક બાદની આપ-લે કરતા કરતા ચોમેર ભાઈચારાની ભાવના દર્શાઇ હતી.
રાજકોટમાં આજે સવારે બે ઈદગાહ, બે દરગાહના મેદાન, અને ૩૭ મસ્જીદોમાં મળી ૪૧ જેટલા સ્થળોએ તેમજ શહેરના ૮ જેટલા કોઠારીયા, શાપર, માલિયાસણ જેવા નજીકના પરા વિસ્તારની મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.
એ જ રીતે પોરબંદર, પ્રભાસ પાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના શહેરૉ કે ગામોમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઈદગાહમાં જામ્એ મસ્જીદના ઇમામ મૌલાના પીરંબખ્શ નકશબંદી તથા સદર ઈદગાહમાં સદર જુમ્આ મસ્જીદના હાફીઝ હાજી અકરમખા પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો. અનવરમીયા અશરફી તથા રૈયા હઝરત ગૈબનશાહ પીરની દરગાહના મેદાનમાં મૌલાના હસીબુર્રહેમાન અઝહરીની નેતાગીરીમાં લોકો ઈંદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતાં.
રાજકોટ શહેરની જે તે વિસ્તારોમાં આવેલી ૩૭ જેટલી મસ્જીદોમાં પણ મુસ્લિમ બિરાદરો જયાં જગ્યા મળી ત્યાં ઈદની નમાઝ પઢવા માટે એકત્ર થયા હતા. સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ઈદની નમાઝ માટે ચહલ-પહલ રહી હતી.
ઇંદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઈસ્હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહિર્રહમા) માટે ગંજીવાડામાં ઇસાલે સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલિ અર્પીત કરાઈ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગૈબનશાહ પીર અને મખ્દુમે સૌરાષ્ટ્ર હઝરત તુકીબાવા (અલૈહિર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્તાનમાં શ્રાધ્ધતર્પણ માટે ઇંદ નિમિતે દિવસ દરમ્યાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.
બીજી તરફ ૨મઝાનના રોઝા મોટેરા જ નહીં પણ નાના નાના બાળકો અને યુવાનોએ પણ છોડયા ન હતા અને ૨૯ રોઝા સરળતાથી પૂરા કર્યા પછી ગઈ સાંજે ઈદનો ચંદ્ર આકાશમાં બહાર આવી જતા રોઝાદારો ઉત્સાહમાં આવી ગયા હતા.
રાજકોટ શહેરના રેસકોર્સ આજી પાર્ક સહિતના જાહેર સ્થળોએ પણ મુસ્લિમ સમાજના પરિવારો બાળકોને લઈ ઈદનો હર્ષ વ્યકત કરવા ઉમટી પડયા હતા જેના લીધે ઈદનો ઉત્સાહ ઉલ્લાસ ચોમેર છવાઈ જવા પામ્યો હતો.
અત્રે એ નોંધનીય છે કે, આ રમઝાન મહીનો શરૂ થવાના પૂર્વે ભારતભરમાં ચંદ્ર દર્શન સ્પષ્ટ થયેલ એમ રમઝાન માસ પૂર્ણ થવાના આરે પણ ચંદ્ર દર્શન સ્પષ્ટ થયેલ હોઈ રમઝાન માસ કે ઇદ ઉજવણી માટે કોઈ બાધા સર્જાઇ ન હતી.
બીજી તરફ આ વખતે ખૂબીએ છે કે રમઝાન માસનો પહેલો રોઝો રવિવારે થયો હતો અને છેલ્લો રોઝો પણ રવિવારે થયેલ આમ રવિવારથી રવિવાર રમઝાન માસ ચાલ્યો હતો.
ખુબી તો એ છે કે, પ્રથમ રોઝો રવિવારે હતો જે જાહેર રજાના લીધે લોકોને સરળતા રહેલ એમ છેલ્લો રોઝો રવિવારે રહેતા આજે સોમવારે ઇદ ઉજવણીમાં લોકોને સરળતા રહી હતી. એ ઉપરાંત રવિવારથી રવિવાર રમઝાન માસ ચાલવાની ઘટનાનું આઠ વર્ષ ફરી પુનરાવર્તન થયું હતું. (પ-૯)
(10:51 AM IST)










