<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

માસુમ રાયધનને જનેતાએ જ કુવામાં ફેંકી મારી નાખ્‍યો'તોઃ થોરાળાની ભાવના કીહલાના ખોફનાક કાવત્રાનો પર્દાફાશ

પતિને શંકા હતી કે બાળક પોતાનું નહિ પણ પત્‍નિના પ્રેમીનું છે, આ કારણે ઝઘડતાં થતાં હોઇ ભાવુ બાળકને પ્રેમીને આપી આવવાનું કહી નીકળી હતીઃ કૂવામાં નાંખી ઘરે આવી પ્રેમીને બાળક આપી દીધાનું કહેતાં પતિએ સાચું માની લીધું હતું: થોરાળા પોલીસે ભેદ ઉકેલી આરોપીને એરપોર્ટ પોલીસને સોંપી થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, દેવશીભાઇ રબારી, ભરતસિંહ પરમાર, રાજેશભાઇ મેર, જયરાજસિંહ, રાકેશભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી અને ભેદ ખુલ્‍યોઃ એરપોર્ટ પોલીસ કરશે આગળઃ ભાવુ સાથે હત્‍યામાં બીજા કોની સંડોવણી તે અંગે તપાસનો ધમધમાટ ભાવના ઉર્ફ ભાવુ તેના માવતરે ગઇ ત્‍યારે તેને ‘ભાણુ રાયધન ક્‍યાં છે?' પુછાતાં તેને ‘પતિએ મારી નાંખ્‍યો' એવું કહેતાં ચોંકી ગયેલા માવતર તપાસ કરવા રાજકોટ આવ્‍યાઃ થોરાળા પોલીસ સુધી વાત પહોંચી અને ભેદ ખુલ્‍યો એક મહિના પહેલા બેટી રામપરાના કૂવામાંથી મળેલી અજાણ્‍યા બાળકની લાશના બનાવમાં ખુલી ખળભળાટ મચાવતી હકિકત રણછોડ ઘુઘાભાઇ કીહલા (રહે. ભારતનગર)ની ફરિયાદ પરથી તેની પત્‍નિ ભાવના ઉર્ફ ભાવુ સામે ગુનો નોંધી ધરપકડઃ સાંયોગીક પુરાવા એકઠા કરવા કાર્યવાહીઃ પીઆઇ આઇ. એન. સાવલીયા

રાજકોટ તા. ૩૧: રાજકોટ તાલુકાના કુવાડવાથી આગળ બેટી રામપરા ગામના પાટીયા પાસે વાડીના કૂવામાંથી આશરે ૩ વર્ષના બાળકની લાશ ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.  આશરે બે કે ત્રણ દિવસ પહેલા બાળકનું મોત થયાનું જે તે વખતે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમને આધારે અનુમાન લગાવાયુ હતું. પોલીસે આ મૃતક બાળકની ઓળખ મેળવવા અને ભેદ ઉકેલવા પોસ્‍ટર છપાવવા સાથે સોશિયલ મિડીયા, અખબારોમાં તસ્‍વીરો સાથે વિગત પ્રકાશીત કરાવી હતી. પરંતુ ભેદ ખુલ્‍યો નહોતો. પરંતુ પાપ ગમે ત્‍યારે છાપરે ચડતું જ હોય છે તેમ આ ઘટનામાં ખળખળાટ મચાવતી વિગતો ખુલી છે. થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના ૮૦ ફુટ રોડ ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલા નામની ૨૭ વર્ષની મહિલાનો આ દિકરો રાયધન (ઉ.વ.૨) હતો. આ માસુમને ખુદ જનેતા ભાવુએ જ કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પતિને શંકા હતી કે આ બાળક પોતાનું નથી, પણ ભાવુના પ્રેમી થકી જન્‍મ્‍યું છે. આથી તે બાળકને પ્રેમીને આપી આવે છે તેમ કહી નીકળ્‍યા બાદ કુવામાં ફેંકી આવી હતી.

પ્રાપ્‍ત માહિતી અનુસાર બેટી રામપરાના પાટીયા નજીક ભારત બેન્‍જ કંપનીના શો રૂમ સામે ગત તા. ૨૩/૨/૨૫ના રોજ જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, ૧૦૮ની ટીમ અને એરપોર્ટ પોલીસની ટીમોએ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ બહાર કાઢીને જોતાં આશરે આશરે અઢીથી ત્રણ વર્ષની ઉમર જણાઇ આવી હતી. તેમજ મૃત્‍યુ આશરે બે દિવસ પહેલા થયાનો અંદાજ મૃતદેહને જોતાં લગાવાયો હતો. આ બાળકે દુધીયા જેવા કલરનું ટી-શર્ટ, કાળા કલરની ચડ્ડી પહેર્યા હતાં. તેમજ બંને હાથમાં કાળા કલરની કડલી પહેરેલી હતી.

પીઆઇ આઇ. એન. સાવલીયા અને પીએસઆઇ એસ. એસ. જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. પણ બાળક કોણ છે? તેની ઓળખ થઇ નહોતી. દરમિયાન હવે થોરાળા પોલીસે ભેદ ઉકેલ્‍યો છે. બાળકની ઓળખ થવાની સાથે સાથે તેની હત્‍યા તેની જ સગી માતાએ કર્યાનું ખુલતાં હવે આગળની તપાસ એરપોર્ટ પોલીસ કરી રહી છે.

ભારતનગરમાં રહેતી ભાવના ઉર્ફ ભાવુ રણછોડ કીહલાને લઇને તેણીના માતવર પક્ષના લોકો થોરાળા પોલીસ સ્‍ટેશને આવ્‍યા હતાં. પીઆઇ એન. જી. વાઘેલાને મળી તેમણે કહ્યું હતું કે-ભાવુના પતિ રણછોડે તેમના દિકરા રાયધન (ઉ.વ.૨)ની હત્‍યા કરી લાશ ક્‍યાંક ફેંકી દીધી છે. આ સાંભળી ચોંકી ગયેલા પીઆઇએ તુરત જ પોતાની ટીમ સાથે મળી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રણછોડ કિહલાને ઉઠાવી લીધો હતો અને બાળક કયાં છે? તેની પૃછા કરતાં પોતે કંઇ જાણતો નથી તેવુ કહેતાં આકરી પુછતાછ થતાં તેણે કહ્યું હતું-કે બાળક મારા થકી નથી જન્‍મ્‍યું એવી મને શંકા હોવાથી મારે પત્‍નિ ભાવુ સાથે માથાકુટ થઇ હતી. આથી ભાવુએ પોતે આ બાળક પોતાના પ્રેમી થાન પંથકના ગભરૂ ભરવાડને આપી આવે છે તેમ કહી ૨૧/૨ કે આસપાસના દિવસે ઘરેથી બાળકને લઇને નીકળી હતી અને પરત આવી ગઇ હતી. તેમજ તેણીએ પોતે પ્રેમીને બાળક આપી આવે છે તેવું કહેતાં પોતે સાચુ માની લીધું હતું.

રણછોડની આ વાત સાંભળી પોલીસને ભાવુ ઉપર જ શંકા ઉપજતાં મહિલા પોલીસની મદદથી તપાસ આગળ ધપાવી હતી. જે રીતે પુછપરછ શરૂ થઇ હતી તે જોતાં જ ભાવુ પરિસ્‍થિતિ પામી ગઇ હતી અને સાચી હકીકત જણાવી હતી કે પોતે દિકરા રાયધનને પ્રેમીને નથી આપી આવી પરંતુ કુવાડવાથી આગળ એક કુવામાં ફેંકી દીધુ છે! આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી. ભાવુ સહિતને સાથે રાખી થોરાળા પોલીસ રામપર બેટી નજીક કુવા પાસે પહોંચી હતી. આ કુવામાંથી જ એક બાળકની લાશ ૨૩/૨ના રોજ મળી હોઇ અને એરપોર્ટ પોલીસ તેની તપાસ કરી રહી હોઇ ત્‍યાંની પોલીસને બોલાવતાં અને બાળકની લાશના ફોટા બતાવાતાં ભાવુ અને રણછોડ સહિતનાએ આ ફોટા રાયધનની લાશના જ હોવાનું ઓળખી બતાવ્‍યું હતું.

પોલીસની વિશેષ તપાસમાં ખુલ્‍યું હતું કે ચોટીલાના થાન પંથકમાં ખાખળાથર માવતર ધરાવતી ભાવુના લગ્ન ચાર વર્ષ પહેલા રાજકોટના ભારતનગરના છકડો રિક્ષાચાલક રણછોડ કીહલા સાથે થયા હતાં. આ દરમિયાન ભાવુએ એક દિકરા રાયધનને જન્‍મ આપ્‍યો હતો જે બે વર્ષનો હતો. જો કે દિકરાના જન્‍મ પછી પતિ રણછોડને સતત એવી શંકા હતી કે આ બાળક તેનુ નથી પણ પત્‍નિ ભાવુના પ્રેમી એવા મુળીના પલાસા-પડાસાના ગભરૂ ભરવાડનું છે. આથી બંને વચ્‍ચે ઝઘડા શરૂ થયા હતાં. આથી કંટાળીને ભાવુએ પોતે આ બાળક પ્રેમીને આપી આવે છે કહી ઘરેથી નીકળી હતી અને દિકરા રાયધનને પ્રેમીને આપી આવી છે તેમ કહી પરત આવી ગઇ હતી. પણ હકિકતે તે દિકરાને રામપર બેટીના કુવામાં નાંખીને આવી ગઇ હતી. જેની લાશ બાદમાં ૨૩/૨ના રોજ મળી હતી.

આ હત્‍યામાં ભાવના ઉર્ફ ભાવુ સાથે તેના પ્રેમી કે બીજા કોઇની સંડોવણી છે કે  કેમ? તેની વિશેષ તપાસ પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા અને ટીમે હાથ ધરી છે. શાતીર દિમાગ ધરાવતી ભાવુએ પોતાના ખોફનાક કાવત્રાને છુપાવવા પતિએ જ દિકરાને મારીને લાશનો નિકાલ કરી દીધાની થોરાળા પોલીસ સમક્ષ સ્‍ટોરી રજૂ કરી હતી. પરંતુ પોતાની આ કહાનીમાં પોતે જ ફસાઇ ગઇ હતી અને ભેદ ઉકેલાયો હતો. આ બનાવે ખળભળાટ મચાવી દીધો છે. અગાઉ આકિસ્‍મક મૃત્‍યુની નોંધ કરનાર એરપોર્ટ પોલીસ હવે હત્‍યાનો ગુનો નોંધી હત્‍યામાં બીજુ કોઇ સામેલ છે કે કેમ? તેની તપાસ કરશે. બાળક ખરેખર કોનું પતિનું કે પ્રેમીનું? તેની પણ તપાસ થશે.

પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, ભરતસિંહ પરમાર, જયરાજસિંહ કોટીલા, રાકેશભાઇ બાલસરા અને ડી. સ્‍ટાફ ટીમે આ કાર્યવાહી કરી હતી.

(3:03 PM IST)