News of Monday, 31st March 2025
પાણીના જગ અને કારમાંથી છ બોટલ દારૂ મળ્યોઃ મહિપાલની ધરપકડ
નવાગામ આણંદપરની ખોડિયાર ટી સ્ટોલ અને કોલ્ડ્રીંકમાં દરોડો કુવાડવા ડી. સ્ટાફના ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૩૧: કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાસે હાઇવે પર ખોડીયાર ટી સ્ટોલ એન્ડ કોલ્ડ્રીંકસ નામની હોટેલમાંથી અને ત્યાં પડેલી જીજે૩૬એજે-૨૯૮૭ નંબરની સ્વીફટ કારમાંથી દારૂની છ બોટલો કબ્જે કરી દારૂ, કાર મળી રૂા. ૨,૯૪,૪૧૯નો મુદ્દામાલ કબ્જે કરી હોટલ સંચાલક મહિપાલ સોંડાભાઇ મકવાણા (ઉ.વ.૪૦-રહે. અગાભી પીપળીયા, ભરવાડ પરા તા. વાંકાનેર, હાલ નવાગામ દેવનગર ઢોળો)ને પકડી લીધો હતો.
કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ કે. વી. જાડેજા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભાવેશભાઇ મુળુભાઇ મકવાણા અને કુશલકુમાર જોષીને મળેલી બાતમી પરથી હોટલ ખાતે પહોંચી પોલીસે તલાસી લેતાં હોટેલમાં રાખેલા પાણીના જગમાંથી દારૂની ત્રણ બોટલો મળી હતી. તેમજ બીજી ત્રણ બોટલ હોટલ સંચાલક મહિપાલની કારમાંથી મળી આવતાં ગુનો નોંધી દારૂ, કાર કબ્જે કરી મહિપાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(2:59 PM IST)










