News of Tuesday, 1st April 2025
કાલાવડ રોડ પર કારની ઠોકરે બાઇક ચડી જતાં ઘવાયેલા ત્રણ બહેનના એકના એક ભાઇનું મૃત્યુ
વિરાણી હાઇસ્કૂલ પાછળ ફૂડ સ્ટોલ ધરાવતાં શૈલેષભાઇ બુલવાણી બ્રેડપાઉ લેવા જતા'તા ત્યારે બનાવ બન્યો હતોઃ સારવારમાં દમ તોડયોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧: શહેરના કાલાવડ રોડ પર રવિવારે સાંજે કારની ઠોકરે બાઇક ચડી જતાં વિરાણી હાઇસ્કૂલ પાછળ દાળ-પકવાન, વડાપાંઉનો સ્ટોલ ધરાવતાં નિલકંઠ પાર્કમાં રહેતાં શૈલેષભાઇ હાશાનંદભાઇ બુલવાણી (ઉ.વ.૪૪)ને ગંભીર ઇજા થતાં સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવમાં તાલુકા પોલીસે મૃતક શૈલેષભાઇના પિત્રાઇ ભાઇ ગાયત્રીનગર ઢોલરીયાનગર-૪માં રહેતાં અને ભક્તિનગર સર્કલ પાસે રાજ પાઉભાજી નામે રેકડી રાખી ધંધો કરતાં રાહુલભાઇ રમેશભાઇ બુલવાણી (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી કાર નં. જીજે૦૩એમઆર-૯૦૬૮ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. શૈલેષભાઇ અને તેમના ફૂડ સ્ટોલ પર કામ કરતાં સોનલબેન યોગેશભાઇ રાઠોડ રવિવારે સાંજે સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૦૩એએસ-૦૩૨૦માં બેસીને કાલાવડ રોડ પર સરાજા રેસ્ટોરન્ટ બેકરી નજીક બ્રેડ-પાઉ લેવા જઇ રહ્યા હતાં ત્યારે યુ-ર્ટન લેતી વખતે કારના ચાલકે બાઇક સહિત બંનેને ઉલાળી દેતાં સોનલબેનનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે શૈલેષભાઇને ગંભીર ઇજા થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું ગત સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
તાલુકા પીએસઆઇ એલ. બી. ડીંડોર, કિરીટભાઇ રામાવતે કારચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર શૈલેષભાઇ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આધારસ્તંભના મોતથી બુલવાણી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:08 PM IST)










