મનપા કચેરીઓએ આધાર કેન્દ્રોમાં લાં...બી કતાર ભુતકાળ બની
બજેટની જોગવાઇની એક યોજનાનો અમલ શરૂ : ૧૮ વોર્ડની ઓફિસ ઉપરાંત ત્રણેય ઝોનના સિવિક સેન્ટર સહિત કુલ ૨૧ સ્થળોએ આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ : નજીકની વોર્ડ ઓફીસ ખાતે સેવાનો લાભ લેવા જયમીન ઠાકરની અપીલ

રાજકોટ તા.૧: મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા ગત માસ દરમ્યાન બજેટમાં જાહેર થયેલ યોજનાના સમયબધ્ધ અમલીકરણ બાબતે લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી વિસ્તળત માહિતી મેળવવામાં આવેલ, જેના અનુસંધાને દરેક વોર્ડ ઓફિસ ખાતે આધાર કેન્દ્ર'' સેવા સત્વરે અમલી બનાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જરૂરી સુચના આપવામાં આવી હતી.
સરકારશ્રીના યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા નાગરિકોને ‘આધાર' નોંધણીની સુવિધા દેશભરમાં અમલી બનેલ છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમો જેવા કે પોસ્ટ ઓફિસો, બેન્ક કચેરીઓ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે. ઉક્ત તમામ સ્થળે ઘણી જ મર્યાદિત સંખ્યામાં ટોકન આપીને આધાર નોંધણીની સેવા આપવામાં આવતી હોઇ. મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફિસ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે, ત્યાં ખાતે પણ લોકોનો ઘણો વધુ ધસારો રહેતો હોવાનુ ધ્યાને આવેલ.
શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની દિશામાં પહેલ કરતા શહેરીજનોને લાંબી કતારમાંથી મુક્તિ મળે, પોતાના ઘરથી નજીકના સ્થળે પોતે આધાર નોંધણી કરાવી શકે, સમયની બચત થાય અને હાલાકી ઓછી થાય તેવા શુભ આશયથી તેમજ રાજકોટ શહેરની વધતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, લોકોની સુવિધા માટે વોર્ડવાઇઝ એક-એક આધાર નોંધણી કીટ ઉપલબ્ધ કરાવવાનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવેલ. ચેરમેન સ્ટે. કમિટી. મહાનગરપાલિકા દ્વારા તા.૧૧ ફેબ્રુઆરીના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્ર અંતર્ગત ‘વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો' અંગેની જાહેરાત કરવામાં આવેલ, જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સુચનાઓ આપવામા આવેલ. જે મુજબ નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી એટલે કે, નવા નાણાકિય વર્ષની શરૂઆતથી જ આજરોજ તા.૦૧ એપ્રીલથી રાજકોટ શહેરના જેતે વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકોએ નજીકની વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી કરાવી શકશે. વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાની લગત શાખા દ્વારા રજુ થયેલ માર્ગદર્શિકા/માહિતી જાહેર કરતા સ્ટે.ચેરમેન જણાવે છે કે, જાહેર જનતા માટે વોર્ડ ઓફિસ ખાતેના આધાર નોંધણી કેન્દ્રોની કામગીરીનો સમય સવારે ૧૦:૩૦ કલાકથી બપોરના ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. (બપોરે ૨:૦૦ કલાકથી ૨:૩૦કલાક સુધી રિસેસ રહેશે).
કઇ કઇ કામગીરી થશે
સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક સુધી આધાર નોંધણી કેન્દ્રો ખાતે નવું આધાર એનરોલમેન્ટ (માત્ર ૦ થી ૧૭ વર્ષની વયના લોકો માટે, નામમાં સુધારો, સરનામામાં સુધારો, જન્મ તારીખમાં સુધારો, જાતિ(પુરૂષ/ષાી/અન્ય)માં સુધારો, બાયોમેટ્રિક (ફોટો+ફિંગરપ્રન્ટ+ આઇરીસ) અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ઇ-મેઇલ આઇ.ડી. અપડેટ, ડોકયુમેન્ટ અપડેટ સહિતની કામગીરી થશે. બપોરે ૦૪:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી આધાર બાબતે નિયત થયેલ ડોકયુમેન્ટ્સ અન્વયે અરજદારોને માહિતી આપવી, આધાર સ્ટેટસ ચેકિંગ, અન્ય ટેકનિકલ કામગીરી તથા ૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોના નવા આધારકાર્ડ કઢાવવા માટે લગત ઝોન ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.
હોમ એનરોલમેન્ટ માટે માત્ર મધ્યસ્થ ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આધાર નોંધણી/સુધારા માટે વહેલા તે પહેલાના ધોરણે કામગીરી કરવામાં આવશે, વિશેષમાં અરજદારોના વધુ ઘસારાને ધ્યાને લઇ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે જે સર્વેને બંધનકર્તા રહેશે. પોતાના ઘરથી નજીકની વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી સેવાનો મહત્તમ ઉપયોગ કરવા માટે સ્ટે.કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર એ અપિલ કરેલ છે. વિશેષમાં, તેઓ દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના સમયબધ્ધ અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.










