News of Friday, 4th April 2025
વિમલ એંધાણીની મિત્ર સુનિલના હાથે હત્યા
રાજકોટના ઘનશ્યામનગરના યુવાનને સંત કબીર રોડના નાલા પાસે છરીના ઘા ઝીંકાયાઃ આરોપીને રાતોરાત આજીડેમ પોલીસે સકંજામાં લીધો : બંને વચ્ચે લાંબા સમયથી ફોનમાં ગાળાગાળી થતી હતીઃ ગત રાતે ૩૬ વર્ષિય વિમલભાઇ એંધાણી ડ્રાઇવીંગની નોકરી પુરી કરી પોસ્ટઓફિસ પાસે ગાડી પાર્ક કરી ચુનારાવાડમાં માવતરે રોકાયેલી પત્નિને તેડવા જતો હતો ત્યારે વાત કરવાના બહાને મિત્રએ બોલાવી છરીના ઘા ઝીંકી દીધાઃ હોસ્પિટલમાં દમ તોડી દીધોઃ પરિવારમાં ગમગીની : ઝડપાયેલા સુનિલનું રટણ-વિમલ તેનો માલ વેંચવાનું કહી ગાળો દઇ ઝઘડો કરતો હતોઃ રાતે ફોનમાં બોલાચાલી થઇ અને તે યાર્ડ સામે આવતાં હુમલો કરી દીધોઃસ્ત્રીપાત્ર અંગે પણ તપાસ

હત્યાનો ભોગ બનનાર વિમલભાઇ ધનજીભાઇ એંધાણી (ઉ.વ.૩૬)નો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૪: શાંત શહેર ગણાતા રાજકોટમાં વધુ એક હત્યા થઇ છે. શહેરના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં અને પોસ્ટ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવીંગ કરતાં ૩૬ વર્ષના વિમલભાઇ એંધાણીને રાતે બારેક વાગ્યે સંત કબીર રોડના નાલા પાસે માથા, આંખ ઉપર અને વાંસામાં છરીના ઘા ઝીંકી દેવાતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ વહેલી સવારે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ વિમલભાઇને તેના જ મિત્ર સુનિલ સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હોઇ ફોન પર બંને ગાળાગાળી કરતાં હતાં. ગત રાતે પણ ફોન પર માથાકુટ થયા બાદ વિમલભાઇને સંત કબીર રોડના નાલા પાસે બોલાવી હુમલો કરાયો હતો. જે જીવલેણ સાબીત થયો હતો. ઝડપાયેલા આરોપીએ એવુ રટણ કર્યુ હતું કે મૃતક મિત્ર મને સતત ગાળો દઇ તેનો માલ વેંચવાનું કહેતો હતો તેના કારણે ઝઘડો થયો હતો અને તેણે હુમલો કર્યો હતો. જો કે પોલીસે કારણ ગળે ઉતરતું નથી.
આ બનાવમાં આજીડેમ પોલીસે હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામનગર ખોડિયાર મંદિર પાસે રહેતાં વિમલભાઇ ધનજીભાઇ એંધાણી (ઉ.વ.૩૬)ના મોટા ભાઇ મુકેશભાઇધનજીભાઇ એંધાણી (ઉ.વ.૪૫-રહે. રૂડા ટ્રાન્સપોર્ટનગર સાત હનુમાન પાછ)ની ફરિયાદ પરથી હત્યાનો ભોગ બનનાર વિમલભાઇના જ મિત્ર સુનિલ ગોવિંદભાઇ અઘોલા વિરૂધ્ધ બીએનએસની કલમ-૧૦૩ (૧), જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી સકંજામાં લીધો છે.
મુકેશભાઇ એંધાણીએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ટ્રક હંકારી ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઇઓ અને એક બહેન છીએ. જેમાં મોટો હું છું અને મારાથી નાનો વિમલભાઇ હતો. તેના પત્નિનું નામ બીનાબેન છે. વિમલભાઇને સંતાનમાં એક પુત્રી આયુષી (ઉ.વ.૧૨) તથા તથા એક પુત્ર કેવલ (ઉ.વ.૧૧) છે. મારા પિતા હયાત નથી. માતાનું નામ જયાબેન છે. મારો ભાઇ વિમલભાઇ, તેના પત્નિ, બે સંતાન અને મારા માતા જયાબેન એમ બધા કોઠારીયા રોડ પર ઘનશ્યામનગર ખોડિયાર મંદિરવાળી શેરીમાં રહે છે. મારો ભાઇ વિમલભાઇ પોસ્ટઓફિસની ગાડીનું ડ્રાઇવીંગ કોન્ટ્રાક્ટ બેઝથી કરતો હતો.
રાતે હું કુવાડવા રોડ ડી માર્ટ પાસે મારા મિત્રો સાથે બેઠો હતો ત્યારે મારા ભાભી બીનાબેનનો ફોન આવેલો કે તમારા ભાઇ વિમલને મેં ફોન કરતાં તેનો ફોન ૧૦૮ના ડોક્ટર ઉપાડે છે અને કહે છે કે આ જેનો ફોન છે તેને સંત કબીર રોડના નાલા પાસે પેટ્રોલ પંપ પાસે ઇજા થઇ છે અને અમે તેને સિવિલ હોસ્પિટલે લઇ જઇએ છીએ. ભાભીની આ વાત સાંભળી હું સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યારે મારો ભાઇ વિમલભાઇ ઇમર્જન્સી વોર્ડમાં બેભાન હાલતમાં લોહીલુહાણ પડેલો જોવા મળ્યો હતો.
તેને માથા પાછળ અને જમણી આંખની ઉપરના ભાગે અને પીઠના ભાગે એમ પાંચ જગ્યાએ તિક્ષ્ણ હથીયારના ઘા જોવા મળ્યા હતાં. સારવાર દરમ્યિાન મારા ભાઇનું વહેલીસ વારે મોત થયું હતું. મારા ભાઇ વિમલભાઇને કેટલાક સમયથી સુનિલ ગોવિંદભાઇ અઘોલા સાથે માથાકુટ ચાલતી હતી. આ બંને અવાર-નવાર ફોનમાં બોલાચાલી ઝઘડો કરતાં હતાં. સુનિલ અને બીજા કોઇ તપાસમાં ખુલે તેણે મારા ભાઇ વિમલભાઇને સંત કબીર રોડના નાલા પાસે બોલાવી છરી કે તિક્ષ્ણ હથીયારના ઘા મારી દીધા છે અને તેના કારણે તેનું મોત થયું છે.
આજીડેમ પોલીસની ટીમે રાતોરાત નવાગામ વિસ્તારમાં રહેતાં આરોપી સુનિલ ગોવિંદભાઇ અઘોલાને સકંજામાં લઇ તેની પુછપરછ શરૂ કરી હતી. તેણે એવુ રટણ કર્યુ હતું કે પોતે અને વિમલ મિત્ર હતાં. ઠાકોર સેનાના કાર્યક્રમ વખતે બંનેની ઓળખાણ થઇ હતી પછી મિત્ર બન્યા હતાં. જો કે હાલમાં પોતાને મિત્ર વિમલ માલ વેંચવા માટે દબાણ કરતો હોઇ જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. હત્યા થઇ એ પહેલા પણ ફોનમાં માથાકુટ થઇ હતી. બાદમાં વિમલ સંત કબીર રોડના નાલા પાસે આવતાં મારાામારી થઇ હતી. જો કે સુનિલનું આવુ કારણ પોલીસને ગળે ઉતરતું ન હોઇ તેની પાસેથી સાચી વિગતો ઓકાવવા પુછતાછ યથાવત રખાઇ છે. ધરપકડ બાદ આગળ કર્યાવાહી થશે.
પોલીસ કમિશરન બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, દિગ્પાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, જગદીશસિંહ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, દેવાભાઇ ધરજીયા, મહેશભાઇ કોઠીવાળ, સંજયરાજ બારોટ, વિશ્વરાજસિંહ પરમાર સહિતના સ્ટાફે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. (૧૪.૬)
હત્યાનો ભોગ બનનાર પોસ્ટઓફિસની ગાડીનું ડ્રાઇવીંગ કરતો હતોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: પતિ તેડવા ન આવતાં પત્નિએ ફોન જોડતાં ૧૦૮ના તબિબે રિસીવ કર્યો અને ઘટનાની ખબર પડી
ઞ્જ હત્યાનો ભોગ બનનાર વિમલભાઇ એંધાણી પોસ્ટઓફિસની ગાડીનું કોન્ટ્રાક્ટ બેઝથી ડ્રાઇવીંગ કરતો હતો. તે દરરોજ સવારે ચારેક વાગ્યે ગાડી લઇને અલગ અલગ શહેરમાં જતો હતો અને રાતે દસ અગિયાર વાગ્યે પરત આવતો હતો. ગત રાતે તે અગિયાર પછી ભુજથી રાજકોટ આવ્યો હતો અને પોસ્ટઓફિસે ગાડી મુકી ઘરે જવા નીકળ્યો હતો. એ પહેલા તે ચુનારાવાડમાં તેના પત્નિ બીનાબેન તેણીના પિતા જીવણભાઇ બાવળીયાને ઘરે રોકાયા હોઇ તેણીને તેડવા જવાનો હતો. પરંતુ મોડે સુધી તે ત્યાં ન પહોંચતા પત્નિ બીનાબેને ફોન જોડતાં ૧૦૮ના સ્ટાફે ફોન રિસીવ કર્યો હતો અને ઘટનાની જાણ થઇ હતી. હત્યાનો ભોગ બનનાર વિમલભાઇને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. તે વૃધ્ધ માતાનો પણ આધારસ્તંભ હતો. (૧૪.૬)
હત્યા થઇ એ પહેલા પણ બંને વચ્ચે ફોનમાં ભારે જીભાજોડી થઇ હતીઃ સુનિલે ઘટના સ્થળે બોલાવ્યા બાદ હુમલો થયો
ઞ્જહત્યાનો ભોગ બનનાર વિમલભાઇના મોટા ભાઇ મુકેશભાઇએ કહ્યું હતું કે-મારા ભાઇ વિમલને તેના મિત્ર સુનિલ સાથે ઘણા સમયથી કોઇ વાતે માથાકુટ ચાલતી હતી. પણ ડખ્ખો શું હતો તેની અમને ખબર નથી. બંને ઘણીવાર ફોનમાં ગાળાગાળી પણ કરતાં હતાં. ગત રાતે પણ હત્યા થઇ એ પહેલા સુનિલનો ફોન આવ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. પછી કદાચ સુનિલએ મારા ભાઇને ઘટના સ્થળે વાત કરવા બોલાવ્યા બાદ તેના પર હુમલો કર્યો હતો. પોલીસ હત્યાનું ચોક્કસ કારણ જાણવા વિશેષ તપાસ કરી રહી છે.
વિગતો જણાવતાં મૃતકના મોટા ભાઇ મુકેશભાઇ એંધાણી

વિગતો જણાવતાં મૃતકના મોટા ભાઇ મુકેશભાઇ એંધાણી
(2:29 PM IST)










