News of Friday, 4th April 2025
કષ્ટ દેવાવાળા મારા કર્મોના સ્ટોકને ઘટાડવાવાળા હોય છેઃ પૂ. સંબોધિજી મ.સ.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના સુશિષ્યાના સાંનિધ્યે આયંબિલ ઓળીનો પ્રારંભ

રાજકોટ, તા. ૪ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા-૬ જામનગરના ભાવિકોને આયંબિલ ઓળી પર્વની આરાધના કરાવવા અર્થે શ્રી તેજ પ્રકાશ ઉપાશ્રય, બેન્ક કોલોની સંઘમાં પધાર્યા છે. તા. ૪થી પ્રારંભ આયંબિલ ઓળી પર્વના નવ-નવ દિવસ સુધી વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજીએ પ્રભુ જેવા બનવાની પ્રેરણા કરતાં ફરમાવ્યું હતું કે, કષ્ટ દેવાવાળા તે કષ્ટ દેવાવાળા નહીં ,પણ મારા કર્મોના સ્ટોકને ઘટાડવાવાળા હોય છે.માત્ર બોલવાથી જૈન નથી બનવું, તન અને મનથી પ્રભુ મહાવીર જેવું જૈનત્વ પ્રગટાવવું છે. સામાન્ય પોતાના દુઃખમાં અન્યનો સપોર્ટ માંગે પણ જે સ્વયંની ક્ષમતાઓથી પોતાના દુઃખને સહન કરે છે, તે શ્રેષ્ઠ બની જતાં હોય છે.
પૂજ્ય શ્રી પરમ અનુજ્ઞાજી મહાસતીજીએ પ્રેરણા આપી હતી કે વખાણ પોતાની પ્રગતિની ખાણ ખોદે છે. પોતાની કદરની આશા રાખવાવાળા સ્વયંની કબર ખોદે છે.
આયંબિલ ઓળી પર્વ અંતર્ગત દરરોજ સવારે ૯:૩૦ કલાકે-પ્રવચન, ૧૦:૩૦ કલાકે-વિશિષ્ટ ક્વિઝનું આયોજન, ૧૧:૩૦ બાદ આયંબિલનું આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ શિશુ દર્શનમાં બાળકોને પ્રેરણા આપવામાં આવશે.
તેમજ સાંજે ૦૮:૧૫ કલાકે, શ્રી પારસધામના આંગણે વિશિષ્ટ પ્રવચન માળા - ધ પાવર ઓફ સ્લો ડાઉન યોજવામાં આવશે.
વિશેષરૂપે બાળકો પણ નાનકડી વયથી તપ કરતાં શીખે, તે લક્ષ્યથી બાળકો માટે ૩ વાગ્યા સુધી કામદાર વાડીમાં કિડ્સ ફન ફિચેસ્ટા અંતર્ગત કિડ્સ સ્પેશિયલ આયંબિલના આયોજનમાં તેમને ભાવે તેવું આયંબિલનું ભોજન સાથે મનગમતા આકર્ષક ઈનામ અને જે બાળક સંપૂર્ણ ૯ દિવસ આયંબિલની આરાધના કરશે તેમને બમ્પર પ્રાઇઝ આપવામાં આવશે.
(4:11 PM IST)










