News of Monday, 7th April 2025
મોરબી રોડ વેલનાથપરામાં પિતા સાથે ઘર બહાર નીકળેલી એક વર્ષની કાવ્યાનું કારની ઠોકરે મોત
જયેશભાઇ બાબરીયા માતાના ઘરે બેસવા ગયા હોઇ સાંકડી શેરીમાં કારવાળો નીકળતાં પોતાનું બાઇક સાઇડમાં લેવા બહાર નીકળ્યા ત્યારે પાછળ દોડી આવેલી દિકરી કારનીચે આવી ગઇ : અકસ્માત બાદ ચાલક બાળાને દવાખાને પરિવારજનો સાથે મુકવા આવી ભાગી ગયોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી દબોચ્યો

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર વેલનાથપરા-૨૨માં મામા સાહેબના મંદિર સામે રહેતાં જયેશભાઇ અમુભાઇ બાબરીયાની દિકરી કાવ્યા (ઉ.વ.૧) સાંજે આઠેક વાગ્યે દાદીના ઘર પાસે શેરીમાં હતી ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું. કાર નીકળી હોઇ જયેશભાઇ સાંકડી શેરી હોવાથી પોતાનું ટુવ્હીલર સાઇડમાં લેવા માતાના ઘરમાંથી બહાર નીકળ્યા ત્યારે દિકરી પણ બહાર દોડી આવી હતી. જે કારની ઠોકરે આવી ગઇ હતી.
કાવ્યાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે બી-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ જે. એમ. ઝાલાએ મૃતક કાવ્યાના પિતા જયેશભાઇ અમુભાઇ બાબરીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી જીજે૦૩પીએ-૫૭૩૧ નંબરની સ્વીફટ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો અને સકંજામાં લેવા તજવીજ કરી હતી.
જયેશભાઇએ જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દિકરી છે. જેમાં કાવ્યા ૧ વર્ષની હતી, તેના મોટી વંશીકા પાંચ વર્ષની છે. હું બંગડીના કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવુ છું. મારી પત્નિનું નામ અંજલી છે. રવિવારે સાંજે આઠેક વાગ્યે હું મારી પત્નિ, દિકરીઓને લઇને વેલનાથપરામા જ રહેતાં મારા માતા વિજ્યાબેનના ઘરે બેસવા ગયો હતો. મેં મારુ બાઇક ઘર બહાર પાર્ક કર્યુ હતું. આ વખતે કોઇએ હોર્ન વગાડતાં હું બહાર જતાં કારવાળાને મારુ વાહન નડતું હોઇ મેં સાઇડમાં લીધુ હતું. આ વખતે મારી એક વર્ષની દિકરી કાવ્યા પણ બહાર આવી ગઇ હતી.
આ વખતે કારચાલકે પુરઝડપે કાર હંકારી મારી દિકરીને ઉલાળી દીધી હતી. જે ગાડીની નીચે આવી જતાં કાન, નાક, મોઢામાંથી લોહી નીકળવા માંડયા હતાં. શરીરે પણ છોલાઇ ગઇ હતી. તે બેભાન થઇ ગઇ હોઇ સ્વીફટવાળા ભાઇએ નીચે ઉતરી અમને તેની જ ગાડીમાં હોસ્પિટલે ખસેડયા હતાં.
અહિ મારી દિકરી કાવ્યાને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ વખતે કારનો ચાલક અમને ત્યાં ઉતારીને જતો રહ્યો હતો. અમે તેની કારના નંૅબર નોંધધ્યા હતાં. તેમ વધુમાં જયેશભાઇએ કહેતાં એએસઆઇ જે. એમ. ઝાલાએ ગુનો નોંધી કારચાલકને સકંજામાં લેવા તજવીજ કરી હતી. લાડકવાયીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૫)
(10:58 AM IST)










