<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

વૃધ્‍ધે પરાણે પોતાની પત્‍નિ સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતાં કિશને કુહાડાના ઘા ઝીંકી હત્‍યા કરી હતી!

જીયાણામાં મધ્‍યપ્રદેશના દંપતિ પર હુમલો કરી પત્‍નિની હત્‍યાની ઘટનામાં ચોંકાવનારી વિગતો ખુલી પહેલા વૃધ્‍ધ લખડીયાને ધારીયાના ઘા માર્યા, પછી તેની પત્‍નિ જમકુબન ઉર્ફ રોમકીબેને ઘા ઝીંકતાં જમકુબેનનુ ઢીમ ઢળી ગયું હતું: ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચ્‍યો

રાજકોટ તા. ૭: કુવાડવા નજીકના જીયાણા ગામે વાડીમાં ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના લખડીયા મોગલીયા પછાયા (ઉ.વ.૬૦) અને તેની પત્‍નિ જમકુબેન ઉર્ફ રોમકીબેન (ઉ.વ.૫૫) ઉપર શનીવારે રાતે વાડીની ઓરડીમાં અજાણ્‍યાએ ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં પતિ લખડીયાને ઇજાઓ થઇ હતી અને તેની પત્‍નિની હત્‍યા થઇ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ઉકેલી હાલ રાજકોટના જીયાણા ગામે બાબુભાઇ બોરસદીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશ અલીરાજપુરના કિશન તેરસિંગ મેડા (ઉ.વ.૨૬)ને ઝડપી લીધો હતો. કિશને કબુલ્‍યું હતું કે પોતે અને મૃતક તથા તેણીનો પતિ લખડીયો દારૂ પી ગયા હતાં. પછી લખડીયાએ પોતાની પત્‍નિ સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતાં મેં ના પાડતાં માથાકુટ થઇ હતી એ પછી મેં ધારીયાના ઘા ઝીંકી દીધા હતાં!

વધુ વિગત મુજબ મુળ મધ્‍યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અગલગોટાના માંફીધાર ફળિયાના વતની અને છેલ્લા એક વર્ષથી જીયાણામાં મનસુખભાઇની વાડી વાવતા લખડિયા માંગલિયા પછાયા (ઉ.વ.૬૦)એ હત્‍યાની ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અજાણ્‍યો શખ્‍સ હોવાનું કહ્યું હતું. લખડિયા પછાયાએ ફરિયાદમાં કહ્યું હતું કે તા.૫ની રાત્રીના નવેક વાગ્‍યે પોતે તથા તેની પત્‍નિ જમકુબેન (ઉ.વ.૫૫), વાડીએ પતરાંવાળી ઓરડીમાં સૂતા હતા ત્‍યારે કોઇ અજાણ્‍યો શખ્‍સ ઓરડીમાં ધસી આવ્‍યો હતો અને લખડિયા પર ધારિયાથી હુમલો કર્યો હતો. હુમલો થતાં પોતે લોહીલુહાણ થઇ ગયો હતો અને જીવ બચાવી ભાગવા જતાં દીવાલ સાથે અથડાયો હતો. પોતે ભાગતો હતો ત્‍યારે તેની પત્‍નિ જમકુબેન ‘મને ન મારો' તેવી બૂમો પાડતી હતી. લખડિયા પછાયા જીવ બચાવીને નજીકમાં આવેલી વાડીએ પહોંચ્‍યો હતો અને ત્‍યાંથી ફોન કરતાં તેના શેઠ મનસુખભાઇ સહિતના આવી ગયા હતા. વાડીએ પહોંચતા જ પત્‍નિ જમકુબેન મળત હાલતમાં મળી આવી હતી અને ઓરડીમાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના મહિલા પીઆઇ આઇ.એન. સાવલિયા, બલભદ્રસિંહ ચુડાસમા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

  પોલીસે જમકુબેનની હત્‍યા અંગે ફરિયાદ નોંધાવનાર તેના પતિ લખડિયા પછાયાએ ફરિયાદમાં તો આરોપી તરીકે અજાણ્‍યો શખ્‍સ હોવાનું કહ્યું હતું. જો કે પહેલેથી જ તે કંઇક છુપાવતો હોવાની પોલીસને શંકા હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે કલાકોમાં ભેદ ઉકેલ્‍યો હતો. હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ અને અર્જુનભાઇ ડવીની બાતમી પરથી હાલ જીયાણા રહી ખેતી કરતાં મુળ એમપી અલીરાજપુરના કિશન તેરસિંગ મેડાને હત્‍યાના ગુનામાં પકડી એરપોર્ટ પોલીસને સોંપતાં તેની વિશેષ પુછતાછ શરૂ થઇ છે.

આરોપી ઝડપાઇ ગયા બાદ  મળતકના પતિ લખડિયાએ કહ્યું હતું કે આરોપી કિશન મેડાએ મારી પત્‍નિ જમકુ સાથે શરીરસંબંધ બાંધવાનું કહી તેણી સાથે બળજબરી કરી હતી. મેં અને મારી પત્‍નિએ પ્રતિકાર કરતાં કિશને ધારીય-કુહાડાથી હુમલો કર્યો હતો.

જો કે કિશને ક્રાઇમ બ્રાંચની પુછતાછમાં કહ્યું હતું કે  શનિવારે રાત્રે મેં, લખડિયા પછાયા અને તેની પત્‍નિ જમકુબેન મળ્‍યા હતા અને સાથે દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ લખડિયાએ પોતાને અને પત્‍નિને મુકી જવા કહેતાં હું બંનેને મારા બાઇક પર તેની વાડીએ મુકવા ગયો હતો. આ વખતે મને નશામાં ધૂત લખડિયાએ કહ્યું હતું કે, હવે મારાથી કંઇ થશે નહીં તું મારી પત્‍નિ જમકુ સાથે શરીરસંબંધ બાંધ, જમકુબેને પણ તે બાબતે તૈયારી બતાવી હતી. પણ મેં આવુ કરવાની ના પાડતાં દંપતિ ઉશ્‍કેરાઇ ગયેલ અને ઝઘડો કરતાં મેં ધારીયાથી હુમલો કર્યો હતો. બંનેને ઘાયલ કરી ભાગી ગયો હતો.

કિશનની આ કબુલાતથી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચનાથી ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ સી. એચ. જાદવ, પીઆઇ એમ. એલ. ડામોર અને પીએસઆઇ એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, હેડકોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, જનકભાઇ કુગશીયા, કોન્‍સ. હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ અને ગોપાલભાઇ પાટીલે આ કામગીરી કરી હતી. આગળની તપાસ એરપોર્ટ પોલીસ કરે છે. (૧૪.૬)

(3:36 PM IST)