<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

હરિ ધવા રોડ રંગીલા પાર્કમાં પાર્થ કાકડીયા પર અજયસિંહ જાડેજા સહિત ૬નો ધોકાથી હુમલોઃ હાથ-પગમાં ફ્રેકચર

ત્રણ દિવસ પહેલા પાર્થની માનેલી બહેનની અજયસિંહના મિત્ર એવા ધર્મેશના મિત્રએ છેડતી કરી હોઇ માથાકુટ થઇ હતીઃ સમાધાન બાદ ખાર રાખી હુમલો કરાયોઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૭: શહેરના હરિ ધવા રોડ પર રહેતાં અને કારખાનામાં કામ કરતાં યુવાન પર રવિવારે રાતે ઘર નજીક રંગીલા પાર્ક પાસે તે પાનની દૂકાન નજીક બેઠો હતો ત્‍યારે છ શખ્‍સોએ હુમલો કરી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં હાથ-પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. ત્રણ દિવસ પહેલા દાંડીયા રાસમાં થયેલી માથાકુટ કારણભુત હોવાની ચર્ચા છે. જો કે ફરિયાદમાં આ યુવાનની માનેલી બહેનની છેડતી થઇ હોઇ તેના કારણે માથાકુટ થયાની નોંધ થઇ છે.

આ બનાવમાં  પોલીસે હરિ ધવા રોડ પર પુરૂષાર્થ સોસાયટી શેરી નં. ૧૦  ડી માર્ટ ગાર્ડનની સામે રહેતાં અને મીરા ઇન્‍ડસ્‍ટ્રીમાં કારખાનામાં કામ કરતાં પાર્થ ધીરૂભાઇ કાકડીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી અજયસિંહ જાડેજા અને પાંચ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે.

પાર્થભાઇએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે એક નવ વર્ષની દિકરી છે. રવિવારે હું જમીને રાતે મારુ બાઇક લઇને ઘર નજીક રંગીલા પાર્ક રોડ પર ક્રિષ્‍ના પાન નામની દૂકાને ફાકી-માવો ખાવા ગયો હતો. ફાકી ખાઇને મારા બાઇકની ઘોડી ચડાવી તેના પર બેઠો હતો. આ વખતે રાતે સાડા દસેક વાગ્‍યે ડબલ સવારીમાં છ જણા બાઇક પર નીકળ્‍યા હતાં. જેમાં એક અજયસિંહ જાડેજા હતો. તેણે મને જમણા પગના નળાના ભાડે ધોકાનો ઘા ફટકાર્યો હતો. તેમજ તેની સાથેના પાંચ શખ્‍સોએ પણ ધોકાથી હુમલો કરી કોણી, કપાળે તેમજ પડખાના ભાગે ઇજાઓ કરી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો.

મારામારી ચાલુ હતી ત્‍યારે જ મારો ભાઇ રાજ અને મારા પિતા ધીરૂભાઇ આવી જતાં અને કોઇએ ૧૦૮ બોલાવતાં મને મધુરમ્‌ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. અહિ ડોક્‍ટરે તપાસ કરતાં જમણા પગના નળામાં ફ્રેકચર થઇ ગયાનું જણાયું હતું. જમણા હાથમાં પણ કોણીથી નીચેના ભાગે ફ્રેકચર હોવાનો રિપોર્ટ આવ્‍યો હતો. કપાળે ત્રણ ટાંકા આવ્‍યા હતાં. પાર્થભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે આ બનાવનું કારણ એ છે કે ચાર દિવસ પહેલા અજયસિંહના મિત્ર ધર્મેશ અને ધર્મેશના મિત્રએ મારી ધર્મની માનેલી બહેનની છેડતી કરી હતી. તે વખતે અજયસિંહ વચ્‍ચે પડતાં અમારે તેની સાથે બોલચાલી થઇ હતી. જો કે ત્‍યારબાદ સમાધાન થઇ ગયું હતું. આમ છતાં મનદુઃ ખ રાખી અજયસિંહ સહિત પાંચ જણાએ મારા પર ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેના કારણે મને હાથ-પગમાં ફ્રેકચર થઇ ગયું હતું.

તેમ વધુમાં પાર્થભાઇએ જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં એએસઆઇ હર્ષદભાઇ કે. માવદીયાએ ગુનો નોંધી આરોપીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

દરમિયાન આ ડખ્‍ખા પાછળ એવી ચર્ચા છે કે ત્રણ દિવસ પહેલા એક દાંડીયા રાસના ક્‍લાસમાં જઇને રાજકીય આગેવાનના દિકરા અને પાર્થ સહિત બે જણાએ ટેપ વાગતું હોઇ એ બંધ કરાવી દીધું હતું. ત્‍યારે અજયસિંહ પણ પોતે દાંડીયા રાસના આયોજન હોઇ અને આ ક્‍લાસના છોકરાઓ તેમને ત્‍યાં રાસ રમવા આવતાં હોઇ જેથી ટેપ બંધ કરાવી જનારાને આ બાબતે પુછતાં તેણે તમારે શું વચ્‍ચે પડવાની જરૂર છે? કહી ડખ્‍ખો કરતાં ઝપાઝપી થઇ હતી. ત્‍યારે અજયસિંહએ પોલીસને ફોન કરતાં મામલો પોલીસ સ્‍ટેશન સુધી પહોંચ્‍યો હતો. જો કે પછી માથાકુટ કરનારના રાજકીય આગેવાન પિતા સહિતનાએ પહોંચી મામલો થાળે પડાવ્‍યો હતો. જે તે વખતે અજયસિંહે અરજી કરી હતી. દરમિયાન હવે અજયસિંહે  એ માથાકુટનો ખાર રાખી હુમલો કર્યાની ચર્ચા છે

(3:04 PM IST)