<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ચાર દિવસથી ગુમ મોરબીના હાર્દિક પંચાસરાનો રાજકોટના ગેસ્‍ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત

અકસ્‍માતમાં માથાના ભાગે ઇજા થઇ હતીઃ યુવાન અવાર-નવાર ઘરેથી નીકળી જતો'તોઃ રૂમમાંથી બહાર ન આવતા ગેસ્‍ટહાઉસનો કર્મચારી બોલાવા જતા યુવાન લટકતો જોવા મળ્‍યોઃ બે બહેનના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક

રાજકોટ તા.૭: મોરબીમાં બોની પાર્કમાંથી ચાર દિવસથી ગુમ થયેલા યુવાને રાજકોટ એસ.ટી. બસ સ્‍ટેશનની સામે ગેસ્‍ટહાઉસના રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ એસ.ટી. બસ સ્‍ટેશનની સામે આવેલા કુંજ ગેસ્‍ટ હાઉસના  રૂમ નં.૨૦૧માં રોકાયેલા મોરબીના હાર્દિક રાજેશભાઇ પંચાસરા (ઉ.વ.૨૪)એ ગઇકાલે રૂમમાં વાયર છતના હુકમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

યુવાન રૂમની બહાર ન આવતા ગેસ્‍ટહાઉસના મેનેજરને શંકા જતા તેણે ગેસ્‍ટ હાઉસના કર્મચારીને તપાસ કરવાનું કહેતા તેણે રૂમનો દરવાજો ખખડાવતા યુવાને દરવાજો ન ખોલતા તેણે દરવાજાની ઉપર વેન્‍ટીલેશનમાંથી જોતા યુવાનને લટકતી હાલતમાં જોતા તુરંત જ જાણ કરતા મેનેજર સહિતના કર્મચારીઓ દોડી આવ્‍યા હતા. બાદ મેનેજરે પોલીસમાં જાણ કરતા એ-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એસ.રાણા તથા રાઇટર તેજસભાઇ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં યુવાન પાસેથી તેનું આધારકાર્ડ મળી આવતા તેના પરિવારજનોને જાણ કરી હતી.

યુવાન મોરબીના રવાપર રોડ પર બોની પાર્કમાં રહેતો હાર્દિક રાજેશભાઇ પંચાસરા (ઉ.૨૪) હોવાનું જાણવા મળ્‍યું હતું. હાર્દિક કબુતરની જાળી ફીટ કરવાનું કામ કરતો હતો.

એક વર્ષ પહેલા વાહન અકસ્‍માતમાં તેને માથાના ભાગે ઇજા થવાના કારણે બીમાર રહેતો હતો. તે ગત તા. ૨ના રોજ ઘરેથી નીકળી ગયો હતો. બાદ તે તા. ૪ના રોજ રાત્રે રાજકોટ એસ.ટી. બસ સ્‍ટેશનની સામે કુંજ ગેસ્‍ટ હાઉસમાં રૂમ નંબર ૨૦૧માં રોકાયો હતો.

દરમિયાન તેના પરિવારજનોએ મોરબી પોલીસમાં જાણ કરી હતી. બે બહેનોના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.(૨.૧૮)

(3:32 PM IST)