<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજ ડોડીયાને એસઓજીએ દબોચી લીધીઃ ડોક્‍ટરની પણ સંડોવણી

ચાર વર્ષ પહેલા રૈયા રોડ શિવપરામાંથી ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપાઇ, જેલમાં ગઇ, છુટીને ફરી આ ધંધો ચાલુ કર્યો'તો પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધાસુરાની ટીમની કામગીરીઃ જયદિપસિંહ ચોૈહાણ અને અનોપસિંહ ઝાલાની બાતમીઃ બે મહિલા કોન્‍સ્‍ટેબલને ડમી ગ્રાહક બનાવી સિતાજી ટાઉનશીપમાં મોકલી ટ્રેપ સફળ બનાવાઇઃ સરોજે પકડાઇ ન જાય તે માટે ખુબ ચાલાકી વાપરી પણ બચી ન શકીઃ પરિક્ષણ માટે મશીન આપનાર તબિબનું નામ ખુલતાં ઝડપી લેવા તજવીજ

રાજકોટ તા. ૭: ગેરકાયદેસર રીતે ગર્ભમાં રહેલા બાળકનું જાતીય પરિક્ષણ કરી આપી તેમજ ગર્ભપાત પણ કરાવી આપતી સહકાર રોડ પર રઘુવીર સોસાયટી શેરી નં. ૪માં રહેતી નર્સિંગ હોમ સર્વિસનું કામ કરતી સરોજ વિનોદ ડોડીયા (ઉ.વ.૪૦) નામની મહિલાને આવા ધંધા બદલ વધુ એક વખત પકડી લેવાઇ છે. ચાર વર્ષ પહેલા રૈયા રોડ શિવપરા વિસ્‍તારમાંથી સરોજને જે તે વખતે એસઓજીએ જ ગર્ભ પરિક્ષણ કરતાં દબોચી લઇ મકાન માલકણ અને બીજા ત્રણ એજન્‍ટોને પકડયા હતાં. જેલમાં ગયા બાદ છુટીને થોડો સમય નર્સિંગને લગતું કામ કરી ફરી એક દોઢ વર્ષથી વીસથી પચ્‍ચીસ હજાર વસુલી મહિલા એજન્‍ટો મારફત સગર્ભાઓના ગર્ભ પરિક્ષણ કરવાનું ચાલુ કર્યુ હતું. ગઇકાલે શહેર એસઓજીએ ટ્રેપ ગોઠવી સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસેની સિતાજી ટાઉનશીપના ક્‍વાર્ટરમાંથી તેણીને પકડી લીધી હતી. બે મહિલા કોન્‍સ્‍ટેબલને ડમી ગ્રાહક બનાવી આ ટ્રેપ સફળ બનાવાઇ હતી. પરિક્ષણ માટેનું મશીન ડોક્‍ટર સિવાય કોઇ આપી ન શકે, એક ડોક્‍ટરની પણ સંડોવણી સામે આવી હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેર એસઓજીની ટીમના હેડકોન્‍સ. જયપાલસિંહ ચોૈહાણ અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે અગાઉ ૨૦૨૧માં ગેરકાયદે ગર્ભ પરિક્ષણમાં પકડાઇ ચુકેલી સરોજ ડોડીયા મહિલા એજન્‍ટ મારફત ફરી આવી પ્રવૃતિ કરી રહી છે. પોલીસે એજન્‍ટ મારફત માહિતી મેળવી હતી અને બે મહિલા કોન્‍સ્‍ટેબલ મીતલબેન ગોહિલ અને તેના બહેન તકિે કોન્‍સ. મોનાબેન બુસાને આ ટ્રેપને સફળ બનાવવા તૈયારી કરી હતી. જેમાં મીતલબેન સગર્ભા ડમી ગ્રાહક તરીકે સામેલ થયા હતાં. મોનાબેન બુસાએ સરોજનો ફોન કરી પોતાની બહેનને બે દિકરી છે અને હવે ત્રીજુ સંતાન દિકરી આવે તો નથી રાખવું તેમ કહી ખુબ સમજાવી વિશ્વાસમાં લીધી હતી. જો કે અગાઉ એક વખત પકડાઇ ગઇ હોઇ સરોજ ખુબ તકેદારી રાખી રહી હતી.

અઠવાડીયા સુધી સરોજે કોઇ મચક આપી નહોતી. ગઇકાલે રામનવમીની રજા હોઇ તેણીએ ફોન કરી સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે આવી જવાનું કહેતાં મીતબલેન અને મોનાબેન ત્‍યાં પહોંચ્‍યા હતાં. અહિથી એજન્‍ટ મહિલાએ ફોન પર વાત કરી હતી અને બાદમાં બંને મહિલા કોન્‍સ્‍ટબેલને સીતાજી ટાઉનશીપમાં સરોજ ડોડીયાના ક્‍વાર્ટરમાં લઇ જવાઇ હતી. થોડીવાર પછી સરોજ આવી હતી અને  ફરીથી અહિ પોલીસ તો નથી ને? તેની ખરાઇ કરી હતી.  સમય પસાર કરી વાતો કરી પોતે સોનોગ્રાફીનું મશીન ભુલી ગઇ છે કહી બહાર ગઇ હતી અને થોડીવાર બાદ મશીન લઇને આવી હતી.

એ પછી તેણે સોનોગ્રાફી શરૂ કરતાં જ બહાર વોચમાં રહેલા પીઆઇ એસ. એમ. જાડેજા, આરોગ્‍ય અધિકારી ડો. મોૈલિક ઠાકર સહિતના પહોંચી ગયા હતાં અને સરોજને રંગેહાથ પકડી લઇ તેના વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો. તેણી પાસેથી ૪ લાખનું સોનોગ્રાફી મશીન, એક જેલ, પ્‍લાસ્‍ટીકનું ટેબલ, મોબાઇલ ફોન મળી રૂા. ૪,૧૦,૧૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. સરોજે રટણ કર્યુ હતું કે પોતે એકાદ વર્ષથી આવુ કામ કરતી હતી. મહિલા કોન્‍સ્‍ટેબલ કે જેણે ડમી ગ્રાહક બની ફોન કર્યો હતો તેણીને પહેલા ૨૦ હજાર ફી કહી હતી. પણ પોતે ગરીબ છે તેવી આજીજી કરતાં ૧૬૫૦૦માં પરિક્ષણ કરવાનું નક્કી કર્યુ હતું. પણ સરોજની ચાલાકી ફાવી નહોતી અને પકડાઇ ગઇ હતી. તાલુકા પીએસઆઇ કારેણા વધુ તપાસ કરી રહ્યા છે.  સોનગ્રાફી માટેનું મશીન અધિકળત ડોકટરો સિવાય  કોઈને મળતું નથી. આ સ્‍થિતિમાં તેણે આ મશીન જે ડોક્‍ટર પાસેથી સરોજ લાવી હતી તેની પણ શોધખોળ શરૂ થઇ છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. ઘાસુરા તથા એએસઆઇ રાજેશભાઇ બાળા, વિરેન્‍દ્રસિંહ ઝાલા તથા હેડકોન્‍સ. જયદીપસિંહ ચૌહાણ, સિધ્‍ધરાજસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહીલ, રવીરાજભાઇ ધગલ, તથા મહિલા કોન્‍સ. મોનાબેન બુસા,  મીતલબેન  ગોહીલની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલી સરોજ ધોરણ બાર સુધી ભણેલી છે અને નર્સિંગનો અનુભવ ધરાવે છે. તેના આધારે ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી રોકડી કરતી હતી.

(4:13 PM IST)