<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

બુધવારથી એડવાન્‍સ મિલકત વેરામાં વળતર યોજનાનો પ્રારંભ

મિલકત વેરા હપ્‍તા યોજનાની થશે શરૂઆત : સને ૨૦૨૫-૨૬ના વર્ષમાં તા. ૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર (૧૫%) અને તા. ૧ થી ૩૦ જૂન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કતધારકને ૧૦% વળતર આપવામાં આવશે : સતત ૩ વર્ષથી વળતર યોજનાનો લાભ લેનાર તથા ઓનલાઇન પેમેન્‍ટ કરનારને વધુ ૧-૧ ટકો મળશે : ૪૦%થી વધારે ડિસેબિલીટી હોય તેવા ફકત દિવ્‍યાંગ મિલ્‍કત ધારકોને વિશેષ ૫% ડિસ્‍કાઉન્‍ટઃસતાવાર જાહેરાત આજ સાંજ સુધીમાં કરે તેવી શકયતા

રાજકોટ તા. ૭ : મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ સને ૨૦૨૫-૨૬ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના સંભવત બે દિવસમાં શરૂ થવાની શકયતાઓ દર્શાય રહી છે. આ અંગેની સતાવાર જાહેરાત સાંજ સુધીમાં થશે.

સને ૨૦૨૫-૨૬ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્‍કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫% અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્‍યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્‍કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.

દર વરસે એડવાન્‍સ વેરા વળતર યોજના ખુબ જ લોકપ્રિય બની રહી છે. ખુબ મોટી સંખ્‍યામાં કરદાતાઓ આ યોજનાનો લાભ લ્‍યે છે. આ જ પ્રકારે આ વરસે પણ મહત્તમ સંખ્‍યામાં કરદાતાઓ એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરપાઈ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે.

વળતર યોજનામાં શિક્ષણ વેરા સિવાય એટલે કે મિલકત વેરો, પાણીવેરો અને ગાર્બેજ કલેકશન પર આ વળતર મળવા પાત્ર થશે.(૨૮.૩)

 

વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ થશે શરૂ

રાજકોટઃ  વર્ષ ૨૦૨૫-૨૬માં મિલકતધારકોને મિલકતવેરાની અને પાણીવેરાની ચડત રકમ ખુબ જ મોટી હોય છે અને આ રકમ પર વાર્ષિક ૧૮%ના દરે વ્‍યાજ ચડતું હોય છે. આવા મિલકતધારકોને હપ્તા સિસ્‍ટમથી પાછલી બાકીની રકમ ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા બજેટમાં   ‘વન ટાઈમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ' અમલમાં મુકેલ. આ સ્‍કીમમાં ચાલુ વર્ષનો સંપૂર્ણ વેરો ભરપાઈ કરવાનો અને પાછલી બાકીની રકમના ૧૦% રકમ ભર્યેથી બાકી રહેલ રકમ પરનું વ્‍યાજ ચડતું બંધ થાય અને ત્‍યારબાદ દર વર્ષે અનુક્રમે ૧૫%, ૨૫%, ૨૫% અને ૨૫% હપ્તાની સિસ્‍ટમ રાખેલ છે.

 

(3:57 PM IST)