<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

રાજકોટ શહેર-જિલ્લાની તપાસ સરકારી સ્‍કુલોનો સમય સવારનો કરી દેવા કલેકટરના આદેશો : ખાનગી શાળાઓને પણ તાકિદ

જાહેર સ્‍થળો ઉપર છાશ કેન્‍દ્ર-પીવાના પાણી-ઓઆરએસ કેન્‍દ્રો શરૂ કરવા સૂચના : હિટવેવ અંગે સ્‍ટાફ ફોર્સની બેઠક મળી

રાજકોટ તા. ૭ : રાજકોટ જિલ્લા ક્‍લેક્‍ટર શ્રી પ્રભવ જોશીની અધ્‍યક્ષતામાં આજે હીટવેવ સામેના એક્‍શન પ્‍લાનના મજબૂત અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વધતી ગરમી-હીટવેવ સામે લડવા માટે વિવિધ સ્‍તરની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જણાવાયું હતું કે, ગરમીના સમયમાં આગામી ૩૦ જૂન સુધી શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્‍યો છે. જેથી બાળકોને તડકામાં અવરજવર ના કરવી પડે. રાજકોટ શહેર સહિત જિલ્લા અને ગ્રામીણ વિસ્‍તારોમાં સરકારી તેમજ ખાનગી શાળાઓ તેનું ખાસ પાલન કરે તે ચકાસવા કલેક્‍ટરશ્રી દ્વારા અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

લોકોની અવર જવર વધુ છે એવા સ્‍થળો જેવા કે બસ સ્‍ટેશન, રેલવે સ્‍ટેશન, બજારો સહિતના સ્‍થળે ઓ.આર.એસ. કેન્‍દ્રો, પીવાના પાણીની વ્‍યવસ્‍થા તેમજ સેવાભાવી સંસ્‍થાઓના સહયોગથી છાશ કેન્‍દ્રો શરૂ કરવા અને તેની સંખ્‍યા વધારવા, બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ કરવા સહિતના નિર્દેશ આપવામાં આવ્‍યા હતા. ગરમીના સમયમાં કારખાના કે ફેક્‍ટરીઓમાં તેમજ બાંધકામ સાઈટો પર કામ કરતા મજૂરોના કામકાજનો સમય બદલવા પણ સૂચના આપવામાં આવી હતી.

ઉનાળામાં હીટવેવની સ્‍થિતિ વચ્‍ચે ઝાડા તેમજ ચક્કર સહિતના કેસો વધતા હોય છે, ત્‍યારે આરોગ્‍ય કેન્‍દ્રો, દવાખાનાઓમાં ઓ.આર.એસ., ઝીંક સહિતની લાગુ પડતી દવાઓનો સ્‍ટોક પૂરતી માત્રામાં રાખવા જણાવાયું હતું. કલેક્‍ટરશ્રીના નિર્દેશાનુસાર જિલ્લા આપત્તિ વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર દ્વારા વિવિધ વિભાગોને હીટવેવ માટે અનુસરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ.કે. વસ્‍તાણી, વિવિધ પ્રાંત અધિકારીઓ, આર.ટી.ઓ., વન વિભાગ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ, સિવિલ હોસ્‍પિટલ, જી.એસ.આર.ટી.સી. સહિતના વિવિધ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (૯.૧૩)

 

(2:34 PM IST)