<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

‘વા' બાળકોથી લઇને વૃધ્‍ધોમાં જોવા મળતી પીડાદાયક બીમારીઃયોગ્‍ય અને સમયસર સારવાર સૌથી જરૂરી

દરેક સાંધાનો દુઃખાવો સામાન્‍ય નથી હોતોઃ મલ્‍ટીસીસ્‍ટમ બિમારી માત્ર સાધાને નહી શરીરના કોઇપણ અંગને અસર કરે છે

એક ૪પ વર્ષના ગૃહિણી છે. દરેક ભારતીય ગૃહિણીની માફક તેમનો દિવસ રસોઇ, ઘરકામ અને કુંટુબની સારસંભાળ પાછળ નીકળે છે દરરોજ નવી નવી વાનગીઓ બનાવીને બાળકોને જમાડવી તથા બચેલા સમયમાં ભરત-ગુથણ કરવું એ એમની ફેવરીટ પ્રવૃત્તિઓ છે. પરંતુ છેલ્લા બે મહિનાથી તેમના હાથમાં સાંધામાં સવારે દુઃખાવો રહે છે. શરૂઆતમાં તેમને લાગે છે કે હમણા ઘઉં અને મસાલાની સીઝનને કારણે વધુ કામ રહેવાથી દુઃખાવો થતો હશે તેઓ ગરમ પાણીનો શેક કરવા અને તેલથી માલિશ કરવા જેવા ઘરગથ્‍થુ ઇલાજ કરે છે. પરંતુ ધીમે ધીમે દુઃખાવો વધતો જાય છે. તેમના હાથ-પગના નાના મોટા સાંધામા સામે અકકડપણું અને તીવ્ર દુખાવો રહે છે. નવી વાનગીઓ બનાવવી તો દુરની વાત રહી, સવારે ઊઠીને ચાનો કપ પકડવા અને ભાખરીનો લોટ બાંધવો પણ તેમને મુશ્‍કેલ બની જાય છે. ધીમે ધીમે તેઓનું જીવન હતાશા અને લાચારીભર્યુ બની જાય છે.

આ સમયે તેમના એક સંબંધી તેમને ‘‘વા'' ના નિષ્‍ણાત ડોકટર એટલે કે ‘‘રૂમેટોલોજીસ્‍ટ'' ને મળવાની સલાહ આપે છે. પણ તેઓ કહે છે. ‘‘વા તો મોટી ઉમરે થાય ને ? મને થોડા વા હોય!'' અંતે મહિનાઓની પીડા પછી તેઓ ‘‘વા'' ના નિષ્‍ણાત ડોકટર એટલે કે ‘‘રૂમેટોલોજીસ્‍ટ''ને  મળે છે. રૂમેટોલોજીસ્‍ટ તેમની વિગતવાર ફરીયાદ સાંભળીને ઝિણવટપૂર્વક તપાસ કરી અમુક રીપોર્ટસ સૂચવે છે. તપાસને અ઼તે તેમને ‘‘રૂમેટોઇડ આર્થરાઇટીસ''નામના ‘‘વા'' નું નિદાન થાય છે.

રૂમેટિક બિમારી  એટલે શું ?

દરેક શરીરમાં ઇશ્વરે રોગ પ્રતિકારક શકિત આપેલી હોય છે. આ રોગપ્રતિકારક શકિત શરીરને અનેક બેકટેરીયા, વાઇરસ અને સુક્ષમજીવોથી રક્ષણ આપે છે. પરંતુ વિવિધ જીનેટિક અને પર્યાવરણીય પરિબળોને કારણે કયારેક રોગપ્રતિકારક શકિત શરીરના જ અંગોને નુકશાન પહોચાડતા તત્‍વો પેદા કરે છે. જે વિવિધ રૂમોટિક અને ઓટોઇમ્‍યૂન બિમારીઓને જન્‍મ આપે છે. ‘વા' એટલે એક જ બિમારી નહીં ૧૦૦ કરતા વધુ પ્રકારની ઓટોઇમ્‍યુન બિમારીઓ જોવા મળે છે.

‘‘વા'' માત્ર મોટી ઉંમરે જ જોવા મળે ? - ના

‘‘વા'' નાના બાળકોથી લઇને સામાન્‍યને વૃદ્ધો સુધી કોઇપણ ઉંમરે થઇ શકે. બાળકોમાં જોવા મળતા ‘‘વા'' -‘‘જુવેનાઇલ આર્થરાઇટીસ'' તરીકે ઓળખાય છે. વૃદ્ધોમાં જોવા મળતા સાંધાનાં ધસારા- ‘‘ ઓસ્‍ટીઓ આર્થરાઇટીસ'' તરીકે ઓળખાય છે. ચિકનુનિયા પછી ઘણા દર્દીઓને સાંધાના દુઃખાવા રહી જાય છે. જે ‘‘પોસ્‍ટ વાઇરલ આર્થરાઇટીસ'' તરીકે ઓળખાય છે. ‘‘રૂમેટાઇડ આર્થરાઇટીસ'' એ સામાન્‍ય રીતે ૩૦ થી પ૦ વર્ષની વચ્‍ચે જોવા મળતા એક પ્રકારનો કોમન ‘‘વા'' છે. સોરાયટીક આર્થરાઇટીસ , ગાઉટ, એન્‍કાયલોંઝીગ સ્‍પોન્‍ડાયલાઇટીસ, લુપસ, મોટોસાઇટીસ, વાસ્‍કયુલાઇટીસ  વગેરે અન્‍ય સામાન્‍યપણે જોવા મળતી ઓટોઇમ્‍યુન બીમારીઓ છે.

રૂમેટીક બિમારીઓ એટલે

માત્ર સાંધાનો દુઃખાવો - ના

હાથ-પગ પરના નાના મોટા સાંધામાં દુઃખાવો થવો, સોજો આવવો અને સવાર સાંધાનું જકડાઇ જવુ એ ‘‘વા'' ના સૌથી સામાન્‍યપણે જોવા મળતા લક્ષણો છે. પરંતુ રૂમેટીક બિમારીઓ એટલે મલ્‍ટીસીસ્‍ટમ બિમારીઓ, તેઓ માત્ર સાંધાને નહિ પણ શરીરના કોઇપણ અંગને અસર કરી શકે, લાંબો સમય તાવ આવવો, ઠંડીમાં આંગળીના ટેરવા ભૂરા અથવા સફેદ થવા, ચામડી પર ચાઠા પડવા,મોં અથવા આંખનું અત્‍યંત સુકાવુ વિગેરે પણ ઓટોઇમ્‍યુન બિમારીના લક્ષણ હોય શકે.

‘‘વા''નો ઇલાજ એટલે માત્ર

દુઃખાવાની દવા (પેઇનકિલર) - ના

દુઃખાવાની દવા (પેઇનકિલર) માત્ર દુઃખાવાને થોડા સમય માટે ઓછો કરે, તે બિમારીને અંદરથી આગળ વધતી ના અટકાવીયે તો આગળ જઇને હાથપગના સાંધામાં કાયમી ખોડખાપણ આવી શકે. શરીરના અન્‍ય અંગો જેવા કે આંખો,ફેફસા, કિડની, હૃદય વગેરે પર પણ કાયમી નુકશાન થઇ શકે. અમુક પ્રકારના ‘‘વા'' માં હૃદયરોગ અને કેન્‍સરનું જોખમ વધી શકે. બિમારીને અંદરથી વધતી અટકાવવાની દવાઓ સામાન્‍યપણે DMARDS અથવા ઇમ્‍ુનીસ પ્રેસન્‍ટસ/ ઇમ્‍યુનોમોડયુલેટર તરીકે ઓળખાય  જે બિમારી પાછળના મુળભુત કારણ પર કાર્ય કરે -માત્ર દુઃખાવા પર નહિ. 

નિષ્‍ણાત રૂમોટોલોજીસ્‍ટ ની નીચે સારવાર શરૂ કરે છે યોગ્‍ય સરવારઃ ખાનપાનમાં ફેરફાર અને હળવી કસરતો શરૂ કરે છે. તેમનો દુઃખાવો જતો રહે છે. રૂમોટોલોજીસ્‍ટ સાથે નિયમિત ફોલોઅપમાં રહીને તેમને માત્ર પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ જ નહી,પરંતુ પોતાનો આત્‍મવિશ્વાસ પણ પાછો મેળવ્‍યો.

ધવલ તન્‍ના

એમડી, ડીએનબી (ગોલ્‍ડમેડાલીસ્‍ટ)

રૂમેટોલોજીસ્‍ટ & કિલનિકલ ઇમ્‍યુનોલોજીસ્‍ટ

સૌરાષ્‍ટ્ર રૂમોટોલોજી સેન્‍ટર,

સીટી સ્‍કવેરની બાજુમાં

એસ્‍ટ્રોન ચોકના નાલાની સામે,

ચિત્રકુટ મેઇન રોડ, રાજકોટ

(12:11 PM IST)