<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

મવડી પ્‍લોટ અમરનગરમાં સંજય આણી ટોળકીનો આતંકઃ દક્ષાબેન અને તેના ફઇ પર ધોકાવાળી

શેરીના ખુણે મહિલાઓ બેઠા હોઇ સંજય, અભિ ઉર્ફ વિવેક, રાજદિપ ઉર્ફ બાપુડી, અભિષેક ઉર્ફ ભયકુ ગાળો બોલતાં હોઇ ના પાડતાં મહિલાઓને પણ ગાળો દઇ હુમલો કર્યોઃ દક્ષાબેન ઓડેદરા અને તેમના ફઇને ઇજાઃ માથે જતાં ધમકી દીધી કે-અમને રોકટોક કરશો તો જીવતા મારી નાંખશું! : રહેવાસીઓ ઘર બહાર એકઠા થઇ જતાં પરિસ્‍થિતિ પામી ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ જીજ્ઞેશ દેસાઇ સહિતના પહોંચ્‍યાઃ આ ટોળકીનો લાંબા સમયથી ત્રાસ હોવાનો રોષ ઠાલવ્‍યોઃ શેરીમાં જ દારૂ ઢીંચી ખેલ કરતાં હોવાની ફરિયાદઃ રાતો રાત સંજય અને રાજદિપને ઝડપી લેવાયા : પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓની પુછતાછ શરૂ થતાં ‘ઓય માડી ઓય બાપા'ના અવાજ બહાર સંભળાયા

બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ જીજ્ઞેશ દેસાઇ સહિતના અમરનગરમાં પહોંચતા રહેવાસીઓએ સંજય આણી ટોળકીના ત્રાસની વિગતો વર્ણવી રોષ ઠાલવ્‍યો હતો તે દ્રશ્‍યો અને શેરીમાં એકઠા થયેલા રહેવાસીઓ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: મવડી પ્‍લોટના અમરનગરમાં રાતે આ વિસ્‍તારના જ એક શખ્‍સે ટોળકી રચી આતંક મચાવતાં રહેવાસીઓ ભયભીત થઇ ગયા હતાં. અમરનગરમાં રહેતો સંજય નામનો શખ્‍સો મહિલાઓ શેરીના જે ખુણે બેઠા હતાં ત્‍યાં જ ગાળાગાળી કરતાં હોઇ તેને ગાળો નહિ બોલવા મહિલાઓએ સમજાવતાં તેમને પણ બેફામ ગાળો દીધી હતી. તેમજ બાદમાં ઉશ્‍કેરાઇ જઇ શેરીમાં મીરચી સ્‍પ્રે છાંટી એક યુવતિ અને તેના ફઇને ધોકાથી માર માર્યો હતો. આ ઉપરાંત થોડીવાર રહીને ફરીથી આતંક મચાવી સોડા બોટલોના આડેધડ ઘા કરી ગાળાગાળી કરી હવે પછી અમને રોકટોક કરશો તો કોઇને જીવતા નહિ રહેવા દઇએ કહી ધમકી આપી બેફામ રાડારાડી કરી હતી. બનાવને પગલે ડીસીપી ઝોન-૨, પીઆઇ માલવીયાનગર સહિતની ટીમે પહોંચી લોકોની ફરિયાદ સાંભળી હતી. રાતોરાત સંજય સહિત બેને ઉઠાવી લઇ કાયદાનો પાઠ ભણાવ્‍યો હતો.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી પ્‍લોટ અમરનગર-૧ શેરી નં. ૧માં નાગબાઇ કૃપા ખાતે રહેતાં દક્ષાબેન રાજુભાઇ ઓડેદરા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી સંજય માત્રાણીયા, વિવેક ઉર્ફ અભી, રાજદિપ ઉર્ફ બાપુડી અને અભિષેક ઉર્ફ ભયકુ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી બે શખ્‍સને દબોચી લીધા હતાં. ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં આગવી ઢબે પુછતાછ કરી કાયદાનું ભાન કરાવાયું હતું.

દક્ષાબેન ઓડેદરાએ ઘટનાની વિગતો જણાવતાં પોલીસ સમક્ષ કહ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરકામ કરુ છું. સોમવારે રાતે નવેક વાગ્‍યે હું અને મારા મોટાબેન જાગૃતીબેન અને માતા ભારતીબેન તથા મારા ફઇ રાજીબેન, અમારી શેરીના કિરણબેન, મીરાબેન એમ બધા અમારી શેરીના ખુણે ચોકમાંબેઠા હતાં ત્‍યારે સંજય માત્રાણીયા, વિવેક ઉર્ફ અભી, રાજદિપ ઉર્ફ બાપુડી અને અભિષેક ઉર્ફ ભયકુ સહિતના ચોકમાં કાળા એકટ્‍ીવા અને કાળા રંગની સ્‍વીફટ તથા સફેદ રંગની વેગનઆર કાર લઇને આવ્‍યા હતાં અને ચોકમાં જ ગાળાગાળી કરતાં હતાં. આથી અમે મહિલાઓએ આ બધાને અહિ ગાળો ન બોલો અને અહિથી જતાં રહો તેમ કહેતાં આ બધાએ અમને પણ ગાળો દીધી હતી. તેમજ સંજયે પોતાની પાસેનો મીરચી સ્‍પ્રે કાઢી શેરીમાં ઉડાડવા માંડયો હતો. તેમજ તેણે ધોકાથી હુમલો કરી મને જમણા હાથમાં ફટકારી દેતાં હું પડી ગઇ હતી. મારા ફઇ રાજીબેન બચાવવા આવતાં તેને પણ સંજયએ જમણા ગોઠણ નીચે ધોકો ફટકારી દીધો હતો. આ ઉપરાં સંજયની સાથેના શખ્‍સોએ અમારા ઉપર સોડા બોટલોના આડેધડ ઘા કરી ‘આજ પછી કોઇ દિવસ અમને રોકટોક કરશો તો જીવતા મારી નાંખશું' તેવી ધમકી આપી શેરીમાં રાડારાડી કરી મુકતાં બીજા રહેવાસીઓ પણ ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં.

 દક્ષાબેને વધુમાં કહ્યું હતું કે સંજય માત્રાણીયા, વિવેક ઉર્ફ અભી, રાજદિપ ઉર્ફ બાપુડી અને અભિષેક ઉર્ફ ભયકુ સહિતના શખ્‍સો અવાર-નવાર અમારી શેરીમાં દારૂ પીવા બેસતાં હોય છે અને ગાળો બોલતા હોય છે. સોમવારે રાતે પણ આ બધા દારૂ પી ગાળો બોલતાં હોઇ અમે મહિલાઓ શેરીના ખુણે બેઠા હોઇએ તેને ગાળો નહિ બોલવા સમજાવતાં અમને ગાળો દઇ મિરચી સ્‍પ્રે ઉડાડી ધોકાથી હુમલો કરી મને અને મારા ફઇને ઇજાઓ પહોંચાડી હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. એ. વી. ચાવડાએ ગુનો દાખલ કર્યો હતો.

આ ઘટનાને પગલે વિસ્‍તારના લોકોમાં રોષ વ્‍યાપી ગયો હતો અને રહેવાસીઓ મોટી સંખ્‍યામાંભેગા થઇ જતાં ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ જે. આર. દેસાઇ અને ડી. સ્‍ટાફની ટીમ દોડી ગઇ હતી. રહેવાસીઓએ રોષ પુર્વક જણાવ્‍યું હતું કે લાંબા સમયથી આ લુખ્‍ખાઓની ટોળકી શેરીમાં દારૂ સહિતના નશા કરી ગાળાગાળી કરતાં રહે છે. કોઇ તેને સમજાવે  તો તેની સાથે પણ ગાળાગાળી કરી મારામારી પર ઉતરી આવે છે. સોમવારે રાતે તો આ તમામે એવી દહેશત ફેલાવી હતી કે વિસ્‍તારમાં ભય વ્‍યાપી ગયો હતો. પહેલા માથાકુટ કરી જતાં રહ્યા બાદ થોડીવાર પછી આ શખ્‍સો ફરીથી ફિલ્‍મી ઢબે આવ્‍યા હતાં અને ફરી આતંક ફેલાવ્‍યો હતો. બેફામ સોડા બોટલોના ઘા કર્યા હતાં. કારની ઠોકરે ચડાવવા પણ હુમલાખોરોએ પ્રયાસ કર્યાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો.

ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાને પરિસ્‍થિતી અંગેનો ખ્‍યાલ આવી જતાં તેઓ  અમરનગર વિસ્‍તાર દોડી ગયા હતા માલવિયાનગરના પીઆઇ જે. આર. દેસાઇને તુરંત આકરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. ડી. સ્‍ટાફની ટીમ હરકતમાં આવી હતી અને રાતો રાતે બે આરોપીઓ સંજય ઉર્ફ સંજલો દિનેશભાઇ માત્રાણીયા (ઉ.વ.૨૩-રહે. અમરનગર-૧) તથા રાજદિપ ઉર્ફ બાપુડી દિનેશભાઇ પરમાર (ઉ.વ૨૨-રહે. વિશ્વનગર આરએમસી ક્‍વાર્ટર)ને અને એક સગીરને પકડી લીધા હતાં. સગીર સિવાયના બંનેને પોલીસ સ્‍ટેશને લાવી આકરી પુછતાછ કરવામાં આવતાં ઓય માડી ઓય બાપાના અવાજ પોલીસ સ્‍ટેશનની બહાર સુધી સંભળાયા હતાં. બાકીનાને શોધી કાઢવા પોલીસ ટીમે તપાસ યથાવત રાખી છે. 

રાતે એકઠા થયેલા રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે બે દિવસ  દિવસ પહેલાં પણ આ શખ્‍સોએ છરી સાથે આતંક મચાવ્‍યો હતો. ત્‍યારે પણ અરજી કરવામાં આવી હતી. ગત રાતે ફરીથી આ શખ્‍સોએ ધમાલ મચાવી લુખ્‍ખાગીરી કરતાં રહેવાસીઓ ભયભીત થઇ ગયા હતાં. લોકોએ આ તમામ સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી. (૧૪.૬)

(2:29 PM IST)