News of Tuesday, 8th April 2025
તારી પાછળ કરેલો ખર્ચ પાછો નહિ દે તો મારી નાખીશઃ પુર્વ મિત્રએ ધમકી દેતાં નર્સિંગની છાત્રાએ ફિનાઇલ પીધું
બજરંગવાડી વિસ્તારની ૨૧ વર્ષની યુવતિની ફરિયાદ પરથી દૂધસાગર રોડના જાવીદ હાલા અને તેના સંબંધી અફઝલ ઉર્ફ કાલી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ અને પછી રિલેશનશીપ થઇ બાદમાં યુવાને માથાકુટ ચાલુ કરતાં કેસ કર્યોઃ સમાધાન બાદ ફરી ધમકીઓ ચાલુ કરી નોંધ્યોઃ રસ્તામાં રોકી પરિવારને ઉઠાવી લેવાની, પરિક્ષામાં નાપાસ કરાવવાની પણ ધમકી દીધી

રાજકોટ તા. ૮: શહેરના બજરંગવાડી પુનિતનગર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની નર્સિંગ કોલેજની છાત્રાને સાડા ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલા દૂધ સાગર રોડ પર રહેતાં શખ્સે બાદમાં રિલેશનશીપ વખતે ડખ્ખા ચાલુ કરતાં છાત્રાએ તેની સામે કેસ કર્યો હોઇ એ પછી સમાધાન થતાં ફરીથી આ શખ્સે ડખ્ખો કરી છાત્રાને રસ્તામાં રોકી મેં તારી પાછળ અત્યાર સુધી જે ખર્ચો કર્યો છે તે તું પાછો નહિ આપે તો તને મારી નાખીશ, તારા પરિવારજનોને ઉઠાવી લઇશ અને કોલેજની પરિક્ષામાં નાપાસ કરાવીશ તેવી ધમકી આપતાં અને તેના સગાએ પણ આ છાત્રાના પિતાને ફોન કરી ધમકી આપતાં તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
યુવતિ પોતાના ઘરે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. બી. વારોતરીયાએ હોસ્પિટલે પહોંચી તેણીની ફરિયાદ પરથી દૂધ સાગર રોડ પર હૈદરી ચોકમાં રહેતાં જાવીદ હબીબભાઇ હાલા અને અફઝલ ઉર્ફ કાલી દાવદાણી સામે ગુનો નોંધ્યો છે. યુવતિએ જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરુ છું.
તેણીએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે સાડા ત્રણેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી હું દુધ સાગર રોડ પર રહેતાં અને વ્યાજ વટાવનો ધંધો કરતાં જાવીદ હાલા સાથે સંપર્કમાં આવી હતી. એ પછી અમે એક બીજા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતો કરતાં હતા. બાદમાં અમારી મિત્રતા રિલેશનમાં આવી ગઇ હતી. ત્યારબાદ જાવીદ મને નાની નાની વાતમાં હેરાન કરવા લાગ્યો હતો. જેથી મેં ૨૦૨૩માં તેના વિરૂધ્ધ હેરાનગતીનો કેસ કર્યો હતો. આ પછી નવમી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આ કેસ બાબતે અમે ઘરમેળે સમાધાન કર્યુ હતું. પછી ફરીથી અમે વાતો કરવાનું ચાલુ કર્યુ હતું અને મૈત્રી કરાર પણ કર્યા હતાં. પણ હવે જાવીદ ફરીથી મને હેરાન કરવા લાગ્યો છે અને કહે છે કે-તારા લગ્ન કોઇ સાથે થવા નહિ દઉં. આથી મેં ફરી તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. આ કારણે તે ગુસ્સે થયો હતો.
દરમિયાન હાલમાં રવિવારે સાંજે પાંચેક વાગ્યે મારા પિતાના ફોનમાં જાવીદના સંબંધી અફઝલ ઉર્ફ કાલીએ ફોન કરી મારા પિતાને-તમે ક્યાં છો? તેમ પુછતાં તેણે હું ઘરે છું તેમ કહેતાં તેણે આપણે તમારી દિકરી અને જાવીદના મેટરનું સમાધાન કરી નાંખીએ તેમ કહ્યું હતું. આ અંગે મારા પિતાએ ઘરમાં વાત કરી હતી. બાદમાં રાતે અગિયારેક વાગ્યે અફઝલે ફરી ફોન કરતાં મારા પિતાએ સમાધાન કરવાની ના પાતાં તે ધમકી આપવા માંડયો હતો. આ પછી તા. ૭ના સોમવારે સવારે અગિયારેક વાગ્યે હું ઘરેથી મારા દાદીના ઘરે જતી હતી ત્યારે પુનિતગનર શેરી નં. ૩ના રસ્તે જાવીદ તેના વાહન પર મને મળતાં મને ઉભી રાખી ‘મેં તારી સાથે જે મૈત્રી સંબંધ રાખ્યા છે તે હવે રાખવા નથી, મેં તારી પાછળ જે ખર્ચ કર્યો તે મને આપી દે' તેમ કહી જો તું ખર્ચ નહિ દે તો તને બદનામ કરીશ, જો કેસ કરીશ તો મારી નાંખશી, તારા પરિવારના સભ્યોને ઉપાડી લઇશ, તને કોલેજમાં નાપાસ કરાવીશ...કહી ધમકી આપી જતો રહ્યો હતો.
આથી હું રસતામાંથી પાછી મારા ઘરે જતી રહી હતી અને હું ગભરાઇ ગઇ હોઇ મારા પરિવારજનોને જાણ કરી હતી. દરમિયાન મારા માતા-પિતા મારા દાદદીના ઘરે વાત કરવા જતાં હું ઘરે હોઇ મને જાવીદની ધમકીનું માઠુ લાગી જતાં મેં ફિનાઇલ પી લીધી હતી. એ દરમિયાન મારી બહેનને ખબર પડી જતાં ૧૦૮ બોલાવી હતી અને મને હોસ્પિટલે ખસેડી હતી. જાવીદ મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હોઇ તેના સગાએ પણ ધમકી આપી હોઇ આ પગલુ ભર્યુ હતું. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
(3:11 PM IST)










