News of Tuesday, 8th April 2025
અલ્કા સોસાયટી નજીકના મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્લોટમાં કચરાના ઢગલા, જુગારી-નશેડીના ડેરા
તાત્કાલીક જગ્યાનું બ્યુટીફીકેશન થાય તો ‘લીવેબલ રાજકોટ' નું બિરૂદ યથાર્થ ઠરે : લતાવાસીઓની લાગણી-માંગણી

રાજકોટ : કલેકટર અને મ્યુનિસીપલ કમિશ્નર તંત્રની શહેર અને આસપાસ આવેલી જગ્યાઓની જાળવણીના અભાવે આવી કિંમતી જમીનો ઉપર ગેરકાયદે દબાણો, કચરાના ઢગલા અને જુગારી-નશેડીઓના ડેરા તંબુની અનેક ફરીયાદો જુદા જુદા વિસ્તારોમાંથી ઉઠતી રહે છે. આવો જ પ્રશ્ન મવડી રોડ પરની અલ્કા સોસાયટીના રહેવાસીઓને પજવી રહયો છે. પોલીસ સ્ટેશનની નજીક આવેલા આ ખુલ્લા પ્લોટમાં કચરાના ઢ઼ગલા થતા હોવાથી રોગચાળો ફેલાવાનો ભય ઝળુંબી રહયો છે. સાથોસાથ જુગારી-નશાખોરોની મંડળીઓ જામતી હોવાથી અનિચ્છનીય બનાવ બનવાની સતત દહેશત રહે છે ત્યારે મ્યુનિસીપલ તંત્ર અને પોલીસ તંત્ર આ સ્થળે તાત્કાલીક સાફસુફી હાથ ધરે તેવી માંગણી અને લાગણી પ્રવર્તી રહી છે. આ સ્થળે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા બ્યુટીફીકેશન કરવામાં આવે તો ‘લીવેબલ રાજકોટ'નું બિરૂદ યથાર્થ ઠરે. ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્રની જમીનોમાં વર્ષોના વર્ષો સુધી દબાણો થતા રહે છે. જે તે સમયે પગપેસારો શરૂ થાય ત્યારે તંત્ર જાણતું હોવા છતાં અકળ કારણોસર આંખ મિંચામણા કરવામાં આવતા હોય છે. જામનગર રોડ ઉપર પોલીસ હેડ કવાર્ટર સામેની મોકાની હજારો વાર જગ્યામાં વર્ષો સુધી દબાણ થઇ ગયા બાદ તાજેતરમાં ડીમોલીશન કરવામાં આવ્યું ત્યારે હજુ પણ કેટલાક દબાણો આ સ્થળે ઉડીને આંખે વળગે છે. આવી જ સમસ્યા શહેરમાં જગ્યાએ જગ્યાએ જોવા મળે છે. તંત્રવાહકો એલર્ટ મોડ ઉપર રહી કામગીરી કરે તો સ્વચ્છ રાજકોટ, સલામત રાજકોટના બિરૂદ પછી નવું મળેલું લીવેબલ રાજકોટનું બિરૂદ યોગ્ય ગણાશે.(ફોટોઃ અશોક બગથરીયા)
(3:29 PM IST)










