<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

પેન્શનરોના અવસાન બાદ તેમના વિધવા, ત્યકતા,અપરણીત પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શનરની મંજુરી આપો

વિકલાંગ સંતાનોને પણ આજીવન પેન્શન મળે તેવી અરજઃ રાજકોટ તાલુકા પેન્શનર સમાજ દ્વારા શનિવારે વાર્ષિક સાધારણ સભાઃ વિવિધ પ્રશ્નોની કરાશે ચર્ચા

રાજકોટઃ તા. ૮, રાજકોટ તાલુકા પેન્‍શનર સમાજ દ્વારા આગામી તા. ૧ર ના શનિવારે સવારે ૯ વાગયે શ્રી રણછોડદાસબાપુ કોમ્‍યુનીટી હોલ (આનંદનગર મેઇન રોડ, વાણીયાવાડી જલજીત હોલ સામે) ખાતે વાર્ષિક સમારંભ-વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ સંસ્‍થામાં અંદાજે ત્રણ હજાર પેન્‍શનર સભ્‍યો આજીવન સભ્‍ય તરીકે જોડાયેલા હોવાનું આગેવાનોએ જણાવ્‍યું છે. આ સભામાં પેન્‍શનરોને લગતા પ્રશ્‍નોની ચર્ચા કરવામાં આવશે જે આ મુજબ છે.

હાલમાં પેન્‍શનરોને સ્‍પર્શતા નીચેની વિગતે થોડા મુદ્દાઓ એવા છે કે જે અંગે રાજય સરકારશ્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. (૧) પેન્‍શનરો / કુટુમ્‍બ  પેન્‍શનરોના અવસાન બાદ તેમના વિધવા/ત્‍યકતા/અપરણિત પુત્રીઓને આ જીવન કુટુમ્‍બ પેન્‍શન મંજુર કરવા. આ પ્રકારની જોગવાઇ કેન્‍દ્ર સરકારશ્રીએ તેમના પેન્‍શનરો માટે દાખલ કરેલ છે પરંતુ રાજય સરકારશ્રી દ્વારા આવી જોગવાઇ કરેલ નથી.

(ર)પેન્‍શનરો/કુટુમ્‍બપેન્‍શનરોના અવસાન બાદ તેમના દિવ્‍યાંગ સંતાનોને કુટુમ્‍બ પેન્‍શન મંજુર કરાવવા માટે અનુસઆની થતી કાર્ય પધ્‍ધતિને સરળ બનાવવા એમ.કે જેની આવા દિવ્‍યાંગ  સંતાનોને અનુસરવાની થતી કાર્ય પધ્‍ધતિ અંગે પડતી હાડમારીઓનો સામનો ન કરવો પડે. ખાસ કરીને તેમણે મેળવવાનાં થતાં તબીબી પ્રમાણપત્ર અને આવકનાં દાખલા મેળવવા માટેની કાર્ય પધ્‍ધતિ બાબતે ચર્ચા કરાશે.

(૩) રાજય સરકારશ્રી દ્વારા પેન્‍શનરો/કુટુમ્‍બ પેન્‍શનરોને આપવામાં આવતા શ્રવણયંત્રો અંગેના ખર્ચની ભરપાઇ કરવા માટેની કાર્ય પધ્‍ધતિમાં પેન્‍શનરો દ્વારા તેમની નિવૃતિ સમયની કચેરી પાસેથી મેળવવાનું પણ પ્રમાણપત્ર કે જે તેમના સેવાકામ દરમીયાન આ પ્રકારનો લાભ નહીં લીધા અંગનું છે તે અંગે પડતી મુશ્‍કેલીઓ અંગે.

(૪) પુરૂષ કુટુમ્‍બ પેન્‍શનરો દ્વારા દર વર્ષ રજુ કરવાનું થતું પુનઃલગ્ન નહી કર્યા અંગેનું પ્રમાણપત્ર ‘‘સક્ષમ સતાધિકારી'' પાસે પ્રમાણીત કરાવવા બાબતે પડતી મુશ્‍કેલી બાબતે. 

(પ) માસિક પેન્‍શનની રકમ બેંકોમાંથી ઉપાડવા માટે બેંકની સબંધિત શાખાઓમાં વરિષ્‍ઠ નાગરીકો માટે અલગ કાઉન્‍ટર વ્‍યવસ્‍થા અને બેઠક વ્‍યવસ્‍થા અંગે અલાયદી સગવડ કરી આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે.

તસ્‍વીરમાં રાજકોટ તાલુકા પેન્‍શનર સમાજના હોદ્દેદારો સર્વશ્રી,એન.વી. વિઠ્ઠલાણી-પ્રમુખ,આર. જી. પાચાણી-મંત્રી,લલીતભાઇ ગોસાઇ -આંતરીક અન્‍વેષક,સંજયભાઇ બદાણી-સહમંત્રી નીતીનભાઇ મહેતા-સંગઠન મંત્રી, પ્રભુદાસભાઇ પટેલ- કારોબારી સદસ્‍ય, શંભુભાઇ બારસીયા-કારોબારી સભ્‍ય,  ઘનશ્‍યામભાઇ ખુંટ-ખજાનચી, અશ્વિનગીરી ગોસાઇ-સભ્‍ય, જયંતીભાઇ સુદાણી-સભ્‍ય અને પિયુષભાઇ હિંડોચા સભ્‍ય નજરે પડે છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)(૩૬-૧૧)   

(3:30 PM IST)