News of Tuesday, 8th April 2025
સૂર્યદેવ આગબબૂલા... રાજકોટમાં ૪૪ ડીગ્રીને અડુઅડુ
બપોરના સમયે માર્ર્ગો સુમસામઃ છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ૪૩ ડીગ્રીને પાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પારો ૪૧ થી ૪૪ ડીગ્રી વચ્ચે ઘૂમી રહ્યો છે. ગઇ કાલે રાજકોટ શહેરના ૪૪.૨ ડીગ્રી તાપમાન નોંધાયેલ છે. જે સમગ્ર રાજયમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું હતું. તે આ લખાય છે ત્યારે આજે બપોરે ૨:૩૦ વાગે ૪૩.૮ ડીગ્રીએ પારો પહોંચી ગયો છે. અસહ્ય તાપ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. બપોરના સમયે રાજમાર્ગો ઉપર ચહલ પહલ પણ ઓછી જોવા મળળ રહી છે. પશુપંખીઓની હાલત પણ દયનીય બની છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવા અપિલ પણ કરાઇ છે. તો શાળાઓમાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આ આખું સપ્તાહ આકરાતાપ સાથે ગરમીની જાહેરાત કરવામાં આવી છે. કોઇ-કોઇ સેન્ટરોમાં તો તાપમાન ૪૫ ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આવતી કાલે પણ તાપમાન ઉંચકાયેલૂ રહેશે. ત્યાર બાદ થોડી રાહત મળવાની શકયતા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.
દરમિયાન રાજકોટ શહેરમાં અસહ્ય તાપ વરસી રહ્યો છે. શહરીજનો કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. સાંજના સમયે પવનનું જોર વધતા રાત્રીના સમયે ગરમીમાં થોડી રાહત મળી રહી છે. ઘર, ઓફીસ, દુકાનોમાં પંખા, એસી, કૂલરો સતત ચાલુ જોવા મળે છે.
(4:14 PM IST)










