News of Tuesday, 8th April 2025
અમારા ઘરનાને શું કામ પહેલા ટમેટા ન દીધા? રસિકભાઇ પર વજનીયાથી હુમલો
રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે બકાલી થયા લોહીલુહાણ

રાજકોટ તા. ૮: ધમધોકાર તપી રહેલા ઉનાળા વચ્ચે અમુક લોકોના મગજ પણ ખુબ તપી જતાં હોય છે. રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે બકાલાનો થડો રાખી ધંધો કરતાં સંતોષીનગર-૨માં રહેતાં રસિકભાઇ પુનાભાઇ સોલંકી (ઉ.વ.૪૨) નામના બકાલી પર આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે ઝઘડો કરી શાકભાજી જોખવાના વજનીયાથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પ્ર.નગર પોલીસને કરી હતી. ઘાયલ થયેલા રસિકભાઇએ કહ્યું હતું કે સાંજે થડા પર મારો દિકરો શાકભાજી વેંચવા બેઠો હતો. એ વખતે એક બહેન ઉતાળવે આવ્યા હતાં અને બીજા ગ્રાહકોને પડતા મુકી પહેલા પોતાને ટમેટા આપી દેવાનું કહેતાં મારા દિકરાએ ઉતાવળ કરવાની ના પાડતાં એ બહેન બોલાચાલી ઝઘડો કરીને જતાં રહ્યા હતાં. બાદમાં રાતે એ બહેનના કોઇ સગા એવા પુરૂષે ફરીથી અમારા થડે આવી મારી સાથે માથાકુટ કરી હતી અને કેમ અમારા ઘરનાને ટમેટા વહેલા ન દીધા? કહી વજનીયાના ઘા ફટકારી લીધા હતાં.
(3:59 PM IST)










