News of Wednesday, 9th April 2025
આમ આદમી પાર્ટીએ ગેસના ભાવ વધારા સામે છાજીયા લીધાઃ ધોમધખતા તાપમાં નીચે બેસી દેખાવો
કેન્દ્રિય પેટ્રોલમંત્રીને સંબોધી કલેકટરને આવેદનઃ ભાવ વધારો પાછો ખેંચવા માંગણી

રાજકોટ તા.૯: આમ આદમી પાર્ટી રાજકોટના અગ્રણીઓએ દેખાવો યોજી, ભાજપ પક્ષના છાજીયા લઇ ધોમધખતા તાપમાં કલેકટર કચેરીના પટાંગણમાં નીચે બેસી કલેકટરને આવેદન પાઠવી રાંધણગેસમાં થયેલ ભાવવધારો પરત ખેંચવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે, કેન્દ્ર સરકારના પૂરવઠા અને પેટ્રોલિયમ વિભાગ દ્વારા ઘરેલુ રાંધણગેસના સિલીન્ડરમાં ૫૦ રૂા. જેટલો અસહય ભાવવધારાનો બોજ પ્રજા ઉપર નાખેલ છે. તાજેતરમાં તેલ કે કુદરતી ગેસના આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ જાતનો ભાવવધારો થયેલ નથી અને હાલમાં રાંધણગેસના ભાવ આંતરરાષ્ટ્રીય ફૂડ અને ગેસના ભાવના આધારે આથી પણ નિચા દરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આપી શકાય તેમ છે. તેમ છતાં પુરવઠા અને પેટ્રોલીયમ મંત્રાલયની અણઆવડત અને વહીવટી બેદરકારીના કારણે કયાંકને કયાંક ભ્રષ્ટાચાર અને સી.એ.જી.ઓડીટ વિભાગના લેખાજોખાની અવગણનાના હિસાબે ભાવવધારો કરવો પડયો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહયુ છે. અને હાલમાં પ્રજા ઉપર જીવન જરૂરીયાતનો જી.એસ.ટી.માં સમાવેશના કારણે મોંઘવારી, મોંઘાદાટ શિક્ષણ, અને મોંઘી મેડીકલ સેવાઓને લીધે સામાન્યને મધ્યમ વર્ગ ખુબજ પરેશાન છે, આથી ભાવ વધારો પરત ખેંચે એવી આમ આદમી પાર્ટી દ્વારા સખત માંગણી કરીએ છીએ. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીને સંબોધી દેખાવો સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
(3:47 PM IST)










