<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતીની ઉત્સાહભેર ઉજવણી કરાશે

૧૦૮ કુંડી નિઃશુલ્ક મહા મારુતિ યજ્ઞનું આયોજન , અન્નકૂટ દર્શન , મહાઆરતી , આતશબાજી , ધ્વજારોહણ ,જન્મોત્સવ , કેક કટિંગ સહિતના કાર્યક્રમો : "જય બાલાજી... ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠશે

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર તા.૧૦ : રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે શ્રી બાલાજી હનુમાનજી મંદિર ,જ્યાં મહાપ્રતાપી બાલાજી દાદા હાજરાહજૂર બિરાજમાન છે તેમના દિવ્ય અલૌકિક સાનિધ્યમાં હનુમાન જયંતીના પવિત્ર દિવસે ૧૨ એપ્રિલને શનિવારના રોજ મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાના જન્મોત્સવની આનંદ અને ઉલ્લાસ તેમજ આતશબાજી સાથે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી થવાની છે.

        ત્યારે સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી , ૬.૪૫ કલાકે શૃંગાર દર્શન , સવારે ૮.૩૦ કલાકે ૧૦૮ કુંડી મહા મારૂતિ યજ્ઞ , સવારે ૧૦.૩૦ કલાકે અન્નકૂટ દર્શન , સવારે ૧૧.૧૫ કલાકે દાદાના દિવ્ય દરબારમાં  ઢોલ નગારા સંગાથે વાજતે ગાજતે  શ્રી ધજાજી આરોહણ ઉત્સવ , રાજભોગ આરતી તથા જન્મોત્સવ બપોરે ૧૨ કલાકે ,સંઘ્યા આરતી સાંજે ૭ કલાકે તથા આખો દિવસ દાદાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ પ્રસંગે કોઠારી વયોવૃદ્ધ પૂ.હરીચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી ) સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી , પૂજારી પૂ.ભક્તવત્સલદાસજી સ્વામી , પૂ.આત્મજીવન સ્વામી , પૂ.ધર્મપ્રકાશ સ્વામી , કાંતિ ભગત સહિતના સંતો મહંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.

       આ પાવન પ્રસંગે દાદાના દિવ્ય દર્શન , આરતી , અન્નકૂટ દર્શન , ધ્વજારોહણ , જન્મોત્સવ તથા મહાપ્રસાદનો લાભ લેવા પરિવાર સાથે પધારવા મંદિરના કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે. 

(11:32 AM IST)