તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 10th April 2025
મહારાષ્ટ્રની ચીટર કંપનીએ ફ્રોડના નાણામાંથી ૨૬૭ એકર જમીન ખરીદ્યાનો ધડાકોઃ દસ્તાવેજ કબ્જે કરવા કવાયત
હળદરની ખેતીના કોન્ટ્રાક્ટના નામે ૬૫ કરોડની ઠગાઇના કોૈભાંડ આગળ ધપતી ક્રાઇમ બ્રાંચની તપાસ રિમાન્ડ પર રહેલા ચાર શખ્સોની પ્રાથમિક પુછતાછમાં બહાર આવેલી વિગતોઃ કંપનીને બેંક મારફત મોકલાયેલા ૬૫ કરોડ અન્ય જમીનો ખરીદવામાં વપરાયાના અંકોડા મેળવતી પોલીસ

રાજકોટ તા. ૧૦: શહેરના નવલનગર વિસ્તારમાં આવેલી ધર્મભક્તિ વેન્ચર પ્રા. લિ. નામની ખેતી પ્રોડક્ટની લે-વેચ કરતી કંપની સાથે હળદરના કોન્ટ્રેક્ટ ફાર્મિંગના કરાર કરી ૬૫ કરોડથી વધુની ઠગાઇના મામલે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધેલા કંપનીના ૪ ભાગીદારોની રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પુછતાછમાં છેતરપીંડીના નાણામાંથી મહારાષ્ટ્રમાં ૨૬૭ એકર જેટલી જમીન ખરીદી લેવામાં આવ્યાનો ધડાકો થયો છે. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના વડપણ હેઠળ તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચ પીઆઇ મનોજ ડામોર દ્વારા આ કેફીયત સંદર્ભે પુરાવા એકત્ર કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટની કંપની પાસેથી મહારાષ્ટ્રની એએસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીએ કરાર મુજબ મેળવેલા ૬૫ કરોડ બેંક મારફત ચુકવાયા હોવાથી આ નાણાનો જમીનો ખરીદવા ઉપયોગ કરાયાનું પ્રસ્થાપિત કરવા બેંક સ્ટેટમેન્ટ અને જમીનોના દસ્તાવેજો કબ્જે કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગ્રીન હાઉસ (પોલી હાઉસ) પ્રોજેકટ હેઠળ હળદરના વાવેતર માટે ખેતીની જગ્યા લીઝ ઉપર આપી ૬પ કરોડનું રોકાણ અને તેની સામે ૧ અબજ ૯૪ કરોડનો ૬ વર્ષમાં નફો આપવાના રાજકોટની ધર્મભકિત વેન્ચર પ્રા.લી. સાથે થયેલા કરારમાં મહારાષ્ટ્રની એએસ એગ્રીકલ્ચર એન્ડ એલએલપી કંપનીએ છેતરપીંડી કરી કરાર મુજબ મુળ રોકાણ કે નફાનો એક રૂપીયો પણ મુદત વિત્યે નહિ ચુકવી છેતરપીંડી કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રની કંપની સાથે સંકળાયેલા ડાઇરેકટરો અને કર્મચારીઓ સહિત ૧૯ સામે ગુન્હો નોંધી ૪ આરોપીને ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લઇ કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ઝડપાયેલા મહારાષ્ટ્રની કંપનીના આ ચારેય ભાગીદારો હર્ષલ મહાદેવરાવ ઓઝે (ઉ.વ.૪૯-રહે. જુની મુંબઇ પુણે રોડ કાલવા વે. થાણે), વૈભવ વિલાસ કોટલાપુરે (ઉ.વ.૫૧-રહે. જીબી રોડ વિજયનગરી થાણે), પ્રવિણ વામન પથારે (ઉ.વ.૩૯-રહે. રમેશવાડી બદલાપુર થાણે-મહારાષ્ટ્ર) અને હિરેન દિલીપભાઇ પટેલ (રહે. ઇસ્ટ મુંબઇ મુળ નાગપુર)ની ધરપકડ કરી હતી. આ ચારેયના ૧૭મી સુધી રિમાન્ડ મળતાં પીઆઇ મનોજ ડામોર અને ટીમે વિશેષ પુછતાછ કરતાં ઉપરોક્ત કબુલાત આપી હતી.
ઉલ્લેખનિય છે કે બિગબજાર પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં. રમાં રહેતા પ્રશાંતભાઈ -દીપભાઈ કાનાબાર (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી એએસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીના જે ૧૯ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી તેમાં સંદેશ ખામકર, પ્રશાંત જાડે, હિરેન પટેલ, રોહીત લોન્કર, કમલેશ ઓજે, સંદીપ સામંત, પ્રવિણ પથારે, હર્ષલ ઓજે, વૈભવ કોટલાપૂરે, સુરીન્દર ધીમંત, નિરંજન કડલે, જયંતા બાંદેકર, પ્રતિક શર્મા, સાંઇનાથ હાડોલે, સેન્થીલકુમાર નાદર, શંકર નાયર, અવિનાશ સાંગલે, શ્રીનિવાસ ભૂસેવર અને નવનીતસિંગ તુલીનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મુંબઈ, નાગપુર સહિતના જુદા જુદા શહરોના રહેવાસી છે.
આરોપીઓએ રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિમતનગર, ગાંધીનગર, વલસાડ, અમદાવાદ સહિતની જગ્યાએ હળદરની ખેતીના કોન્ટ્રાક્ટ ફાર્મીંગ એગ્રીમેન્ટ સાઇન કરી એડવાન્સ રૂપિયા મળવી લઇ પ્રોજેક્ટ પુરા ન કરી રૂપિયા ખાઇ ગયા હતાં. મહારાષ્ટ્ર જેલમાંથી સુત્રધાર સહિત ત્રણનો કબ્જો લેવા તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામરો, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એ. એસ. ગરચર, એ. એન. પરમાર, એમ. કે. મોવલીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, હિતુભા ઝાલા, સમીરભાઇ શેખ, હેડકોન્સ. અમિતભાઇ અગ્રાવત, સંજયભાઇ દાફડા, અશ્વિનભાઇ, સંજયભાઇ, સુભાષભાઇ, હરપાલસિંહ, સંજયભાઇ, મહાવીરસિંહ, પ્રદિપસિંહ, મોહીલરાજસિંહ, આદિત્યસિંહ, રામશીભાઇ સહિતના આ તપાસ કરે છે.
(4:08 PM IST)










