News of Friday, 11th April 2025
દમણથી જેતપુર ચોકડી તરફ જઇ રહેલો ૨૪.૨૩ લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક રાજકોટમાં પકડાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખોખડદડ પૂલ પાસે મોડી રાતે કાર્યવાહી કરી થાન બ્રહ્માપુરીના ટ્રકચાલક રૈયા ઇન્દરીયાની ધરપકડઃ સાયલાના ચોવરીયા ગામના હરેશ માથાસુરીયાએ જથ્થો મંગાવ્યો હતોઃ જે જેતપુર ચોકડીએ પહોંચાડવાનો હતોઃ હરેશ, દમણથી મોકલનાર શખ્સ, ટ્રક માલિક ઉપલેટાના રમેશ ઘુલ સહિતનાની શોધખોળ

રાજકોટ તા. ૧૧: શહેરના ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ ખોખડદડ પૂલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. ૨૪,૨૩,૨૪૪નો ૪૫૦૦ બોટલ દારૂ ભરેલો ટ્રક કબ્જે કરી થાન પંથકના ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો છે. જ્યારે દારૂ મંગાવનારા સાયલાના શખ્સ, ટ્રક માલિક ઉપલેટાના શખ્સ અને દમણથી જથ્થો મોકલનાર તેમજ ફાસ્ટટેગ હોલ્ડર સહિતની શોધખોળ શરૂ કરી છે. એસએમસીની ટીમે દારૂ, ટ્રક મળી કુલ રૂા. ૪૯,૨૯,૦૯૪નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ રાજકોટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે ગોંડલ રોડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ ખોખડદડના પૂલ પાસે વોચ રાખી એક ટ્રકને આંતરી લીધો હતો. તપાસ કરતાં આ ટ્રકમાંથી દારૂ-બીયરની બોટલો, ટીન નંગ ૪૫૦૦ રૂા. ૨૪,૨૩,૨૪૪ના મળતાં કબ્જે કરી ટ્રકચાલક સાયલાના થાન તાબેના બ્રહ્મપુર વાંકી ગામના રૈયા ભીખાભાઇ ઇન્દરીયા (ઉ.વ.૩૮)ને ઝડપી લીધો હતો.
પોલીસે દારૂ, ૨૫ લાખનો ટ્રક સહિતનો ૪૯,૨૯,૦૯૪નો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઇવરને ઝડપી લઇ આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ટ્રકચાલક રૈયા ઇન્દરીયાએ પુછતાછમાં જણાવ્યું હતું કે આ દારૂ સાયલાના ચોવરીયા ગામના હરેશ માનસંગ માથાસુરીયાએ મંગાવ્યો છે. જે જેતપુર ચોકડી પાસે પહોંચાડવાનો હતો. જ્યારે આ ટ્રકના માલિક ઉપલેટાના રમેશ જગમાલભાઇ ઘુલ છે. આ જથ્થો દમણથી મોકલવામાં આવ્યો હતો. રૈયાની પુછતાછમાં આ બધાના નામ ખુલતાં તેની સામે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે. ટી. કામરીયાની રાહબરીમાં પીઆઇ પી. બી. બ્રહ્મભટ્ટ અને તેની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.
(1:35 PM IST)










