<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

રાજકોટના ડો. હિમાંશુ ઠક્કરની વિશ્વવિખ્‍યાત સિદ્ધિઃ લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ્‍સમાં ‘લાર્જેસ્‍ટ નેઝલ પોલિપ રિમૂવ્‍ડ' રેકોર્ડ સાથે નામ નોંધાયું

૫૫ વર્ષીય દર્દીના નાકમાંથી ૮×૨.૫ સે.મી.નો નેઝલ પોલિપ એન્‍ડોસ્‍કોપથી સફળતાપૂર્વક દૂર કરી રાજકોટના ઇ.એન.ટી. સર્જનની ઉત્‍કળષ્ટ કામગીરી, ગુજરાત માટે ગૌરવની ક્ષણ, અગાઉ ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સમાં પણ સ્‍થાન

રાજકોટઃ રાજકોટના જાણીતા ઇ.એન.ટી. સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે તબીબી ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જેની નોંધ વિશ્વવિખ્‍યાત લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ્‍સ ૨૦૨૫ના ‘‘મેડિકલ મારવેલ વિભાગમાં'' ‘‘લાર્જેસ્‍ટ નેઝલ પોલિપ રિમૂવ્‍ડ'' તરીકે થઈ છે. ડો. ઠક્કરે રાજકોટના ૫૫ વર્ષીય દર્દી લાલીભાઈ વાઘેલાના નાકમાંથી ૮ સે.મી. થ ૨.૫ સે.મી.નો વિશાળ નેઝલ પોલિપ (નાકનો મસો) એન્‍ડોસ્‍કોપ અને વિશિષ્ટ સાધનોની મદદથી, નાકના કુદરતી છિદ્ર દ્વારા, કોઈ ચીરા કે ડાઘ વિના સફળતાપૂર્વક દૂર કર્યો. આ સિદ્ધિ રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે, જે ડો. ઠક્કરની કુશળતા અને સમર્પણનું પ્રતીક છે. આ તકે તેમના પર ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.

લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ્‍સ, જે ભારતમાં ૧૯૯૦થી દર વર્ષે અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે, ભારતીયો દ્વારા હાંસલ કરાયેલા વિશ્વ રેકોર્ડ્‍સને શિક્ષણ, સાહિત્‍ય, ખેતી, તબીબી વિજ્ઞાન, રમતગમત, સાહસ અને સિનેમા જેવી શ્રેણીઓમાં નોંધે છે. આ વર્ષે ડૉ. ઠક્કરની આ સફળતાએ તબીબી ક્ષેત્રે નવો કીર્તિમાન સ્‍થાપ્‍યો છે. દર્દી લાલીભાઈને છેલ્લા છ મહિનાથી નાક બંધ રહેવું, સતત શરદી, ખાંસી અને કફની સમસ્‍યા હતી. સીટી સ્‍કેનમાં નેઝલ પોલિપનું નિદાન થયું, જેનું કદ અસામાન્‍ય રીતે મોટું હતું. ડો. ઠક્કરે અદ્યતન એન્‍ડોસ્‍કોપિક ટેકનિક દ્વારા આ પોલિપને દૂર કરી, દર્દીને એ જ દિવસે કોઈ જટિલતા વિના ડિસ્‍ચાર્જ કર્યા. 

ડો. ઠક્કરે આ સિદ્ધિ અંગે ખુશી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું, ‘‘લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ્‍સમાં સ્‍થાન મળવું મારા માટે ગૌરવ, સન્‍માન અને આનંદની ક્ષણ છે. આ સફળતા મારી ટીમના સમર્પણ અને દર્દીના વિશ્વાસનું પરિણામ છે.'' તેઓ છેલ્લા ૨૩ વર્ષથી રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ખાતે પોતાની ડૉ. ઠક્કર ઇ.એન.ટી. એન્‍ડ ડેન્‍ટલ હોસ્‍પિટલ ચલાવી રહ્યા છે, જ્‍યાં તેઓ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે હંમેશા તત્‍પર રહે છે. 

ડો. ઠક્કરની આ સિદ્ધિ તેમની પ્રથમ વૈશ્વિક ઓળખ નથી. અગાઉ ૨૦૨૩માં તેમનું નામ ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ્‍સમાં નોંધાયું હતું, જ્‍યારે તેમણે એક બાળકની શ્વાસનળીમાં સાત વર્ષથી ફસાયેલી પ્‍લાસ્‍ટિકની સિસોટી એન્‍ડોસ્‍કોપ દ્વારા દૂર કરીને તેને નવજીવન આપ્‍યું હતું. આ ઉપરાંત, તેમણે અનેક બાળકોની શ્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલી વસ્‍તુઓ દૂર કરીને જીવન બચાવ્‍યા છે, જેના માટે તેઓ સ્‍થાનિક સ્‍તરે ખૂબ જાણીતા છે. 

ડો. ઠક્કરની સેવાઓને રાષ્‍ટ્રીય સ્‍તરે પણ માન્‍યતા મળી છે. ૨૦૧૩માં તેમને આંધ્ર પ્રકદેશના રાજમુંદ્રી ખાતે ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન (IMA) નેશનલ એવોર્ડ અને ૨૦૧૪માં દિલ્‍હીના તાજ પેલેસ હોટેલ ખાતે IMA MedAchievers એવોર્ડ ઓફ મેરિટ એનાયત થયા હતા. તેઓ ભૂતપૂર્વ સેક્રેટરી ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ, ભૂતપૂર્વ પ્રમુખ ઇ.એન.ટી. સોસાયટી ઓફ રાજકોટ, ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડૉક્‍ટર એસોસિએશન અને ભૂતપૂર્વ સેક્રેટરી રાજકોટ લોહાણા મહાજન જેવા મહત્ત્વના હોદ્દાઓ પર સેવાઓ આપી ચૂકયા છે. 

આ રેકોર્ડે રાજકોટના તબીબી સમાજ અને નાગરિકોમાં ગૌરવની લાગણી જગાવી છે. ડો. ઠક્કરના મિત્રો અને સાથીઓ તરફથી શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે. તેમની આ સિદ્ધિ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના તબીબી ક્ષેત્રની પ્રતિભાને વૈશ્વિક સ્‍તરે રજૂ કરે છે. ડો ઠક્કરની સેવાકીય પ્રતિબદ્ધતા અને નવીન અભિગમ યુવા તબીબો માટે પણ પ્રેરણારૂપ છે. 

સંપર્ર્ક ડો. ઠક્કર ઇ.એન.ટી. એન્‍ડ ડેન્‍ટલ હોસ્‍પિટલ, ૨૦૨, લાઇફ લાઇન બિલ્‍ડિંગ, વિદ્યાનગર રોડ, રાજકોટ. ફોનઃ ૭૯૯૦૧૫૩૭૯૩.(૩૮.૭)

(10:03 AM IST)